News of Monday, 3rd March 2025
સાવરકુંડલા સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં મહાશિવરાત્રિ મહોત્સવ, રથયાત્રા, રક્તદાન કેમ્પ, સમૂહ પાર્થિવ શિવલિંગ મહાપૂજા અને પુસ્તક વિમોચન સમારોહ
૩૩૩ બોટલ બ્લડ એકત્રિત કરાયું, શોભાયાત્રા, ૧૨૦૦ ભાઈઓ તથા ૫૭૫ બહેનોએ આખી રાત ચાર પ્રહરની મહાપુજા કરી

(ઈકબાલ ગોરી) સાવરકુંડલાઃ મહુવા રોડ ખાતે આવેલ હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર સ્વામી નિર્દોષાનંદજી આશ્રમ ખાતેસ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પાવન આધ્યાત્મિક ચેતનાથી પરિપૂર્ણ એવા સાવરકુંડલા આવેલા સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં મહાશિવરાત્રિના પવિત્ર દિવસે મહાશિવરાત્રી મહોત્સવ, સમૂહ પાર્થિવ શિવલિંગ મહાપૂજા તેમજ પૂજ્યપાદ સ્વામશ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા લિખિત પુસ્તક પ્રેમભરી પ્રાર્થનાનાં વિમોચનનો સમારોહ યોજાયો હતો.
સાવરકુંડલાથી આશ્રમ સુધીની શહેરના મુખ્યમાર્ગો પર શિવ રથયાત્રા નીકળી હતી.જેમાં નાનાં નાનાં બાળકોને ભગવાન મહાદેવની વેશભૂષાથી શણગારીને રથમાં બેસાડવામાં આવ્યા હતા. ભગવાન શિવની પ્રતિમાઓ, વ્યસનમુક્તિ, પર્યાવરણ સુરક્ષા, ભ્રુણ હત્યા નાબૂદી, માનવસેવા, રક્તદાન જેવી પ્રવળત્તિઓનાં બેનરો સાથે શિવ ભક્તિમય, ધૂન, સંકીર્તન તથા હર હર મહાદેવ નારાઓ સાથે રથયાત્રામાં ૧૫૦૦ જેટલા ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ જોડાયા હતા. આશ્રમનાં પટાંગણમાં મહાનુભાવો અને દાતાઓનાં સન્માન અને સમૂહ ભોજન શિવ-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે શિવસ્તોત્રપાઠ, પ્રાર્થના, ધૂન અને સંકીર્તનથી વાતાવરણ ગુંજી ઉઠયું હતુ.
શિવલિંગ અને શિવપ્રતિમાનું ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. પૂજ્યપાદ સ્વામીશ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજે શિવતત્ત્વ રહસ્ય, શિવરાત્રિ વ્રતનો મહિમા, આત્મજ્ઞાન અને માર્મિક પ્રવચન કરીને શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. પૂજ્યપાદ સ્વામીજી દ્વારા લિખિત પુસ્તકનું વિમોચન સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ટીંબી હોસ્પિટલનાં પ્રમુખ હીરાભાઈ ગાંગાણી, સાવરકુંડલા આશ્રમ ટ્રસ્ટનાં પ્રમુખ રાજેશભાઈ મણોદ્રાનાં હસ્તે કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં અમરેલી બ્લડ બેંકને ૧૨૦ બોટલ અને ભાવનગર બ્લડ બેંકને ૨૧૩ બોટલ મળીને કુલ ૩૩૩ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવેલ. મહાપૂજામાં ૧૨૦૦ શિવભક્તોએ પૂજ્ય સ્વામીજીની સાથે આ મહાપૂજા કરી હતી. બહેનો માટેની પાર્થિવ શિવલિંગ મહાપૂજામાં ૫૭૫ બહેનો માતાઓએ પૂજ્ય સ્વામીજી દ્વારા કરાવવામાં આવતી આ પૂજાનાં લાઈવ પ્રસારણનાં માધ્યમથી પૂજા કરીને અલભ્ય લાભ લીધો હતો. કાર્યક્રમોનું જીવંત પ્રસારણ આશ્રમની યુ-ટયુબ ચેનલ ગુરુ સાન્નિધ્ય પર પ્રસારિત કરવાં આવ્યું હતું. જેમાં ૬૭૦૦ લોકોએ સવારની ધર્મસભાનો તેમજ ૯૦૦૦ લોકોએ રાત્રિની ચાર પ્રહરની પાર્થિવ મહાપૂજાનો ઘરબેઠાં લાભ લીધો હતો તેમ આશ્રમ સેવક અમિતગીરી ગોસ્વામીની યાદીમાં જણાવેલ.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
