<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

લંડનમાં રહેતા કચ્છના કણબી યુવા NRI યુવાનો-યુવતીઓ સ્વદેશમાં સેવાની પરંપરાને જીવંત રાખવા તત્પર

લેઉવા પટેલ ચોવીસીના પ્રતિનિધિત્વ સ્વરૂપે ઇંગ્લેન્ડના કુલ પાંસઠ યુવાનો અને યુવતીઓ અમદાવાદ થી ભુજની સાયકલ યાત્રાના માધ્યમે દિવ્યાંગો માટે કરશે આર્થિક સહયોગ

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ :  લંડનમાં મેક એ ચેન્જ ફાઉન્ડેશનના માધ્યમથી કચ્છના NRI યુવાનોનું મંડળ ઇંગ્લેન્ડના અનેક લોકોના સહકારથી ૨૦૨૧ થી જરૂરિયાતમંદ લોકો માટે સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું છે. તે અંતર્ગત ભારતના દિવ્યાંગ લોકોના લાભાર્થે તારીખ ૩, ૪, ૫ માર્ચ ૨૦૨૫ અમદાવાદ થી ભુજ સુધી ઇંગ્લેન્ડના પંચાવન યુવકો અને દશ યુવતીઓ સાથે પાંસઠ સાઈકલ સવારો અને બાર જેટલા સહયોગીઓ મળીને ત્રણસો પચાસ કિલોમીટરની ત્રણ દિવસીય સાઈકલ સેવા યાત્રાના પ્રારંભે શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુરમાં વહેલી સવારે મંગળા આરતી, દર્શન પછી મહંત શ્રી પી. પી. સ્વામીજીએ આશીર્વચન સાથે વિલસ્ડન મંદિરના પ્રમુખ શ્રી કુરજીભાઈ કેરાઈ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત કાર્યવાહ શ્રી શૈલેષભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહીને સેવા યાત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ યાત્રાના ઉદ્દેશ્ય વિશે જણાવતા મુખ્ય આયોજક અને ફાઉન્ડેશનના પ્રમુખ કિરણભાઈ પીંડોરીયા જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ મંદિર, વિલ્સડનની સુવર્ણ જયંતિ નિમિત્તે કંઈક કરવાના ભાવથી મંદિર કમિટી સાથે મળીને મેક એ ચેન્જ ફાઉન્ડેશને ભારતમાં કાર્યરત નારાયણ સેવા સંસ્થાન દ્વારા દેશના આર્થિક રીતે નબળા અને દિવ્યાંગ લોકોની જે રીતે સેવાઓ થઈ રહી છે તે પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ અમારી ટીમને વિચાર આવ્યો કે આપણે પણ આ સેવાકાર્યમાં સહયોગ કરવો જોઈએ અને એવા જ હેતુ સાથે કચ્છમાં અનેક સેવાકાર્યો માટે જાણીતી સંસ્થા ‘સેવા સાધના’ સાથે વ્યવસ્થાકીય સંકલન કરીને આ સેવા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પરોપકારી કાર્યમાં સાઈકલ સવારો સાથે શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન સાથે ઈંગ્લેન્ડની અનેક કચ્છી કંપનીઓ પણ સહયોગી થયેલ છે.

આ યાત્રાની અમદાવાદમાં નિવાસ અને ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ દિવસે બપોરના ભોજનની વ્યવસ્થા માલવણ ઉમા સંકુલમાં તો રાત્રિ ભોજન અને નિવાસ વ્યવસ્થા ધ્રાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુળ પરિસરમાં કરવામાં આવી હતી. બીજા દિવસે બપોરના ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા વાઘરવા ગામે અમૃત જ્યોત વિહારધામના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કમલનયન એ. ડી. મહેતા દ્વારા જૈન દેરાસર મધ્યે તો રાત્રિ ભોજન અને નિવાસ ભચાઉ મધ્યે કારિયા ધામ મુકામે શ્રી ખેતશીભાઈ કારિયા તથા સમસ્ત ટ્રસ્ટી મંડળ સાથે શ્રી વાડીલાલભાઈ સાવલા, રાપર સહયોગ આપી રહ્યા છે.

અંતિમ દિવસે બપોરનું ભોજન ધાણેટી મધ્યે શ્રી રામ મિલરન્સ કંપની કાર્યાલય પરિસરમાં સ્વ. પરસોત્તમભાઈ સોલંકી પરિવારના સહયોગથી યોજવામાં આવેલ છે.

તારીખ ૫/૩ બુધવારે બપોરના ત્રણ વાગ્યે યક્ષ મંદિર પરિસરથી આ યાત્રા પ્રસ્થાન કરશે અને શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુજ પહોંચી સમાપન સમારોહમાં પૂ. સંતોનાં આશીર્વચન સાથે પૂર્ણ કરવામાં આવશે.

આ અગાઉ શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડનની સુવર્ણ જયંતિ નિમિત્તે મેક એ ચેન્જ સાથે મળીને લાયન્સ ક્લબમાં મેડિકલ કેમ્પનું આયોજન કરી ચુક્યા છે. તો આ સંપૂર્ણ સેવા યાત્રામાં એમ્બ્યુલન્સ સેવાનો સહયોગ શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ વતી એમ.એમ.પી.જે. હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ છે.

આ યાત્રાના પ્રારંભમાં સાઈકલ સવારો સાથે મેક એ ચેન્જ ના મંત્રી મહેશ હાલાઈ, ટ્રસ્ટી દિપેશ કેરાઈ, રાજેશ હાલાઈ, સલાહકાર ભરત સીયાણી વગેરે સંકલન કરી રહ્યાં છે. તો વિલ્સડન મંદિરનાં પ્રમુખ શ્રી કુરજીભાઈ કેરાઈ સાથે કાર્યકર્તાઓ ધનસુખ ભુડીયા, રવી ભુડીયા, અનિશ માવજી વગેરે સહયોગી થઈ રહ્યા છે.

સાયકલ યાત્રાના પ્રારંભે આ સેવા યાત્રાને અમદાવાદથી કચ્છ સુધીના રૂટ પર ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ મહાનિર્દેશક (DGP) સાહેબ, ગુજરાતની સુચનાથી સબંધિત દરેક જિલ્લામાં ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા સુંદર સહયોગ મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે કચ્છના વંચિત અને ઉપેક્ષિત સમુદાય માટે કાર્યરત સેવા સાધના સંસ્થા દ્વારા હાજીપીર મુકામે  વાઢા પરિવારો માટે સોળ મકાનોના નિર્માણ સાથે મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ થયેલ તેનો સંપૂર્ણ આર્થિક સહયોગ મેક એ ચેન્જ ફાઉન્ડેશન લંડન દ્વારા આપવામાં આવેલ હતો. તેના ઋણ સ્વીકાર રૂપે આ સેવા યાત્રાની સંપૂર્ણ વ્યવસ્થા અને સંકલન સેવા સાધના દ્વારા કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત સમગ્ર રૂટ પર ક્રમશઃ મનોજસિંહ અમદાવાદ, અર્જુનસિંહ મકવાણા સાણંદ, રાજેશભાઈ ચનિયારા માલવણ અને ધ્રાંગધ્રા, પંકજભાઈ નકુમ ભચાઉ, દામજીભાઈ જાટીયા, જયદીપભાઈ સોલંકી ધાણેટી, માધાપર એમ પુરા રુટ પર સાઈકલ સેવા યાત્રીઓના સ્વાગત, લીંબુ પાણી, ભોજન વગેરે વ્યવસ્થાઓ સાથે સેવા સાધના ના ટ્રસ્ટી નારાણભાઈ વેલાણી સંપૂર્ણ સેવા યાત્રાનું સંકલન કરી રહ્યા છે.

આ સંપૂર્ણ આયોજનનું નિમિત્ત વિલ્સડન શ્રી સ્વામિનારાયણ મંદિરને પચાસ વર્ષ પૂર્ણ થતાં જુલાઈ મહિનામાં લંડન મુકામે થનાર સુવર્ણ જયંતીના અવસરે થનાર ભવ્યાતિભવ્ય મહોત્સવ સૌની પ્રેરણા બન્યો છે તેવું મેક એ ચેન્જ ફાઉન્ડેશન લંડનના પ્રમુખ કિરણભાઈ અને વિલ્સડન ઉત્સવ સમિતિના સહ કન્વીનર અવનીશ વેકરિયાની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.

(9:42 AM IST)