News of Monday, 10th March 2025
ગોંડલથી ગૂમ થયેલા યુવાનનું તરઘડીયા પાસે વાહન અકસ્માતમાં મોતઃ પિતાની સીબીઆઇ તપાસની માંગ
ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના બંગલા પાસે માથાકુટ થયા બાદ પુત્ર તા.૨ના રોજ ગૂમ થયાની અરજી પિતાએ રાજકોટ એસપીને કરી હતીઃ શોધખોળ થઇ રહી હતી ત્યાં પુત્ર તા.૪ના રોજ કુવાડવા નજીક મૃત્યુ પામ્યાની પરિવારને ખબર પડતાં અરેરાટી : પરિવારજનોએ શંકા દર્શાવતા ૨૨ વર્ષિય રાજકુમાર જાટના મૃતદેહનું રી-પોસ્ટમોર્ટમ કરાવાયું: ત્રીજી તારીખે તરઘડીયા પાસેના આશ્રમે યુવાન જોવા મળ્યો હતોઃ ૪થીએ વહેલી સવારે અકસ્માતમાં મૃત્યુ થયુઃ એસીપી બારીયાઃ કુવાડવા પોલીસે ‘હિટ એન્ડ રન'નો ગુનો નોંધ્યોઃ ગોંડલ પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં રાજકુમાર તા. ૨/૩ના રાતે પિતા સાથે ઝઘડો થયા બાદ ચાલીને નીકળી જતો દેખાયો હતોઃ છેક શાપર સુધી ચાલતો જતો હોવાના ફૂટેજ મળ્યા હતાં: ૪ના વહેલી સવારે તરઘડીયા પાસેના આશ્રમેથી ચાલીને નીકળ્યા બાદ બ્રીજ પર અકસ્માતનો ભોગ બન્યો હતોઃ અભ્યાસનું ટેન્શન હોવાથી ગૂમ થયાની નોંધ કરાવાઇ હતી

સિવિલ હોસ્પિટલ ખાતે મૃતક યુવાન રાજકુમારના પિતા સહિતના પરિવારજનો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૧૦: ગોંડલમાંથી અઠવાડીયા પહેલા પાઉભાજીના ધંધાર્થીનો પુત્ર ગુમ થયો હતો તેમાં આક્ષેપો સાથેની લેખિત ફરિયાદ અરજી એસપીને કરવામાં આવી હતી, જેના પગલે તપાસ શરૂ થઇ હતી. આ વચ્ચે એવી વિગત ખુલી હતી કે ગત ૪ તારીખે કુવાડવાના તરઘડીયા બ્રીજ ઉપર વાહન અકસ્માતમાં જે અજાણ્યા યુવાનનું મોત થયું હતું એ યુવાન બીજો કોઇ નહિ પણ ગોંડલનો ગૂમ થયેલો યુવાન હતો. આ બનાવમાં કુવાડવા પોલીસે હિટ એન્ડ રનની ઘટના નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ પરિવારજનોએ મૃતદેહના રી-પોસ્ટમોર્ટમની માંગણી કરતાં પોલીસે આ અંગે કાર્યવાહી કરી હતી. એસીપી આર. એસ. બારીયાએ જણાવ્યું હતું કે યુવાન ત્રીજી તારીખે તરઘડીયા પાસેના આશ્રમે આવ્યો હતો અને ચોથીએ વહેલી સવારે ત્યાંથી નીકળ્યા બાદ નજીકમાં ઇજા થવાથી મૃત્યુ થયું હતું. બીજી તરફ ગોંડલ પોલીસે પણ સીસીટીવી ચેક કરતાં તા. ૨ના રાતે યુવાન અને તેના પિતા ઝઘડો કરતાં દેખાયા હતાં. બાદમાં યુવાન ઘરેથી નીકળી ગયેલો અને એકલો ચાલીને જતો દેખાયો હતો.
જો કે આ બનાવમાં પિતાએ રાજકોટ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે આક્રંદ સાથે આ બનાવ હત્યાનો હોવાની રજૂઆત કરી સીબીઆઇ તપાસની માંગણી કરી હતી. એક તબક્કે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરાયો હતો. પણ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં કોઇ શંકાસ્પદ ઇજાઓ ન આવતાં અંતે મૃતદેહ સ્વીકારવા પરિવારજનો તૈયાર થયા હતાં. વિગત એવી છે કે ગોંડલ ગાયત્રીનગર-૩ રામ મંડપવાળી શેરીમાં રહેતો રાજકુમાર રતનલાલ જાટ-ચોૈધરી નામનો યુવાન ગત તા.૨ના રોજ ગોંડલથી ગૂમ થયો હતો. આ અંગે તેના પિતા રતનલાલ જાટે રાજકોટ રૂરલ એસપી અને ગોંડલ સીટી બી-ડિવીઝનમાં લેખીત ફરિયાદ અરજી કરી હતી અને તેમાં ચોકાવનારા આક્ષેપો કર્યો હતાં. લાપતા રાજકુમારની શોધખોળ યથાવત હતી એ દરમિયાન ગોંડલ પોલીસને માહિતી મળી હતી કે ગત તા. ૪/૩ના રોજ કુવાડવાના તરઘડીયા ઓવરબ્રીજ પર એક યુવાનનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હતું એ યુવાન ગૂમ થયેલો રાજકુમાર હોઇ શકે છે. આ અંગે ખરાઇ કરાવવા ગઇકાલે રાજકુમારના પરિવારજનોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવી મૃતદેહ બતાવતાં ઓળખ થઇ હતી. મૃતદેહ રાજકુમારનો જ હોવાનું ખુલતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
કુવાડવા પોલીસે મુળ ભીલવાડા રાજસ્થાનના વતની એવા મૃતક રાજકુમારના જીજાજી અર્જુન ચોૈધરી બદરીલાલ જાટની ફરિયાદ પરથી અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ રાજકુમારને ઠોકરે લઇ મૃત્યુ નિપજાવી નાશી જવાનો-હિટ એન્ડ રનનો ગુનો નોંધ્યો હતો. જો કે પરિવારજનોએ રી-પોસ્ટમોર્ટમની માંગણી કરતાં પોલીસે આજે ફરી પોસ્ટમોર્ટમ કરાવડાવ્યું હતું.
બીજી તરફ મૃતકના પિતા ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે રાજકોટ જિલ્લા પોલીસવડાને લેખિત ફરિયાદ કરીને આક્ષેપ કર્યા હતો કે ગત તા. ૨ માર્ચે પોતાના પુત્ર રાજકુમાર સાથે ઘરે જવાં બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્યના બંગલા સામેથી પસાર થયા ત્યારે અટકાવીને કેટલાક માણસોએ બેફામ માર માર્યો હતો. બાદમાં પિતા-પુત્ર બન્ને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયો હતો, પણ પછી રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે પિતા રતનલાલ જાટે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરી પણ કોઇ ફરિયાદ નહીં લેતાં બે દિવસ પુત્રની શોધખોળ કર્યા બાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, જેના આધારે તપાસની સૂચના આપતા ગોંડલ પોલીસ સફાળી જાગી હતી અને લાપત્તા યુવકના પોસ્ટર લગાવીને શોધખોળ આરંભી હતી.
આ દરમિયાન રાજકોટ પોલીસને ચાર દિવસ પહેલા કૂવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મળત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દીશામાં તપાસ શરૂ કરી હતી. જેમાં ગોંડલના ગુમ યુવકના પિતા રતનલાલ જાટને રાજકોટ બોલાવીને કોલ્ડરૂમમાં રાખવામાં આવેલો મળતદેહ દેખાડતા એ પોતાના પુત્ર રાજકુમાર (ઉં.વ.૨૨)નો જ હોવાનું ઓળખી બતાવ્યું હતું. કુવાડવા પોલીસ સુત્રોએ જણાવ્યું કે, ગત તા. ૩ના રોજ મધરાત્રે ૩ વાગ્યે ચોટીલથી એક દર્દીને રાજકોટ મુકવા આવેલી ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ પરત જતી હતી ત્યારે કવાડવા નજીક રોડ પર કોઈ વાહનની ઠોકર લાગવાથી ઈજા પામેલી હાલતમાં યુવાન મળી આવતા તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલે લઈ આવ્યા હતા, જ્યાં એકાદ કલાકની સારવાર બાદ તેનું મોત થતાં અજાણ્યા મળતદેહને કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો, જેનું મોસ્ટમોર્ટમ કરાયું હતું, પણ હજુ રીપોર્ટ આવ્યો નથી. હવે મળતકની ઓળખ થઈ જતા અને શંકાસ્પદ કેસ હોવાથી આજે રી-પોસ્ટમોર્ટમ કરાવાયું હતું.
દરમિયાન રાજકોટ એસીપી આર. એસ. બારીયાએ કહ્યું હતું કે યુવાન રાજકુમાર જાટ તરઘડીયા પાસે રોડ પર ઇજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ને મળતાં રાજકોટ ખસેડાયેલ. પણ મૃત્યુ થયુ હતું. આ યુવાન તા. ૩ના રોજ તરઘડીયાના આશ્રમે જોવા મળ્યો હતો. ચોથી તારીખે વહેલી સવારે તેની સાથે અકસ્માતની ઘટના બની હતી. આ મામલે મૃતકના બનેવીની ફરિયાદ નોંધાઇ છે.
બીજી તરફ ગોંડલ સીટી બી-ડિવીઝન પોલીસે જણાવ્યું હતું કે રાજકુમાર જાટને ભણતરનું ટેન્શન હોવાથી તા. ૩/૩ના રાતે ૯:૩૦ કલાક આસપાસ ગૂમ થયા બાદ તા. ૬/૩ના રોજ ગોંડલ પોલીસમાં ગૂમની નોંધ તેના પિતા રતનલાલ જાટે કરાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ, સીડીઆર, ઇ-મેઇલ, સોશિયલ મિડીયા વિશે માહિતી મેળવી હતી. તપાસ કરતાં જાણવા મળેલુ કે તા. ૨/૩/૨૫ના રાતે ૨૩:૧૪ કલાકે પોતાના મકાનથી થોડે દૂર પટમાં યુવાન અને તેના પિતા ઝઘડો કરી જીભાજોડી કરતાં હોય તેવું સીસીટીવીમાં દેખાયુ છે. પછી રાતે ૨:૦૩ કલાકે રાજકુમાર પાણીની બોટલ લઇ ચાલીને જતો દેખાય છે. રાતે ૨:૧૦ કલાકે ગોંડલ બસ સ્ટેશનના ગેઇટ પાસે એકલો ચાલતો જતો દેખાય છે. તા. ૩/૩ના રાતે ૨:૨૨ કલાકે ગોંડલ રિલાયન્સ પંપ પાસે ચાલતો જતો દેખાય છે. એ પછી ૨:૪૫ વાગ્યે રામદ્વારા રોડ પર ચાલતો જતો દેખાય છે. ૨:૪૩ કલાકે આશાપુર ચોકડીએ એકલો ચાલતો, ૨:૫૪ કલાકે ભોજપરા ગામ રોડ પર ચાલતો જતો અને ૩:૧૪ કલાકે ડ્રીમસીટી ગેઇટ પાસે ચાલતો દતો અને ૩:૧૭ કલાકે ભોજપરા ગામ પાસેથી ચાલતો જતો તથા ૩:૪૦ કલાકે બીલીયાળા પાસે ચાલીને જતો અને સવારે ૪:૧૨ કલાકે રાજકોટ આઇવે પર પાન એગ્રી પાસે ચાલતો જતો તેમજ સવારે ૫:૧૩ કલાકે ભરૂડી ટોલનાકે ચાલતો જતો દેખાય છે. તેમજ સવારે ૫:૨૬ કલાકે માલધારી હોટલ રીબડા રોડ પર એકલો ચાલતો જતો અને સવારે ૬:૫૦ વાગ્યે શાપર ગુજરાત ઇન્ટ્રક્સ પાસે ચાલતો જતો દેખાયો હતો.
એ પછી કુવાડવા પોલીસે જાણ કરી હતી કે તા. ૪/૩ના સવારે એક યુવાન તરઘડીયા પાસેથી ઇજાગ્રસ્ત મળ્યા બાદ મૃત્યુ પામ્યો છે. આ લાશની ખરાઇ કરતાં તે રાજકુમારની હોવાનું અને વાહન અકસ્માતમાં મૃત્યુ થયાનું સ્પષ્ટ થયું હતું. કુવાડવા પોલીસે ફુટેજ ચેક કરતાં ૩/૩ના સાંજે ૬:૩૪ કલાકે રામધામ આશ્રમના ગેઇટના સીસીટીવી ફૂટેજમાં આશ્રમમાં પ્રવેશતો દેખાયો હતો. તા. ૪ના રાતે ૨:૦૨ કલાકે એકલો બહાર નીકળતો દેખાયો હતો. સિવિલ હોસ્પિટલે મૃતકના પિતાએ ન્યાયી તપાસ, સીબીઆઇ તપાસની માંગણી સાથે રજૂઆત કરી મૃતદેહ સ્વીકાર્યો હતો. અંતિમવિધી માટે મૃતદેહ રાજસ્થાન લઇ જવામાં આવ્યો હતો. (૧૪.૧૨)
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
