<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

જસદણમાં પિતાના હાથે પુત્રની ફાયરીંગ કરી હત્યાની ઘટનામાં ચોંકાવનારી વિગતો ખુલી

૭૦ વર્ષના પિતાએ લગ્નની જીદ પકડી, ઝઘડો થતાં પુત્રને પતાવી દીધાનું ખુલ્યું : હત્યાનો ભોગ બનનાર સેવાભાવી પ્રતાપભાઇ બોરીચાના ધર્મપત્નિ જયાબેનની ફરિયાદ પરથી સસરા રામકુભાઇ બોરીચા વિરૃધ્ધ ગુનો નોંધી ધરપકડ

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા. ૧૦ જસદણના સેવાભાવી કાઠી યુવાન પ્રતાપભાઈ બોરીચાની નિર્દયી પિતા રામકુભાઈએ હત્યા કરતા જસદણ તેમજ કાઠી સમાજમાં ભારે  અરેરાટી પ્રસરી ગઈ હતી સેવાભાવી યુવાનની સ્મશાન યાત્રામાં તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ગઈકાલે જસદણના ગીતાનગર ખાતે રહેતા સરળ,નિખાલસ,લાગણીશીલ અને સેવાભાવી યુવાન પ્રતાપભાઈ બોરીચાની તેમના પિતા રામકુભાઇ આલેખભાઇ બોરીચાના હાથે હત્યા થયા બાદ આ બનાવમાં પ્રતાપભાઈના ધર્મ પત્નિ જયાબેને જસદણ પોલીસમાં સસરા નહીં પણ તેમના ભરથારના હત્યારા રામકુભાઈ બોરીચા સામે જસદણ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

તેમણે ફરિયાદમાં જણાવ્યા મુજબ મારા સાસુ ૨૦ વર્ષ પહેલા મરણ પામ્યા હોય અને મારા સસરાને બીજા લગ્ન કરવા હોય તે બાબતે અમારા ઘરના સભ્યો સાથે અવારનવાર ઝઘડો કરતા હતા.

મારા પતિ જણાવતા હતા કે હવે તમે આ ઉંમરે બીજા લગ્ન કરો તો ઘરની આબરૃ જાય જેથી અમે પરિવારના સભ્યો બીજા લગ્ન કરવાની ના પાડતા હતા આ બાબતે મારા સસરા અને મારા પતિ વચ્ચે ક્યારેક બોલાચાલી થતી હતી પરંતુ ગઈકાલે અમો ઘરે હતા ત્યારે આ બાબતે મારા સસરા અને મારા પતિ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ રામકુભાઈએ પિસ્તોલ જેવા હથીયારમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરી શરીરે ગંભીર ઇજા કરી તેમનું મોત નીપજાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પોતાના જ પુત્ર ઉપર ફાયરિંગ કરી મોત નિભાવ્યા બાદ આરોપી રામકુભાઈ જાણે કંઈ જ બન્યું ન હોવાનું અને લેસ માત્ર પસ્તાવો કર્યા વગર સૂઈ ગયા હતા પ્રતાપભાઈને હોસ્પિટલે લઈ જવા કુટુંબીજનો આવ્યા ત્યારે પણ તેઓ સુતા જ હતા ત્યારબાદ પોલીસ આવી અને તેમને ઘેરથી જ લઈ ગઈ હતી ત્યારે પણ તેઓ સુતા જ હતા !

પ્રતાપભાઈની હત્યાના સમાચાર જસદણમાં પ્રસરી જતા જસદણના તમામ સમાજના લોકોમાં અરેરાટી છવાઈ ગઈ હતી અને લોકો સાંજે પ્રતાપભાઈની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા.

મરણ જનાર પ્રતાપભાઈ કાઠી સમાજના આસ્થાના કેન્દ્ર સુરજદેવળ અને જસદણ ખાતે આવેલ સમાતની જગ્યામાં ખૂબજ સેવા આપતા હતા આ ઉપરાંત જસદણમાં જુદી જુદી સંસ્થાઓ જુદા જુદા જ્ઞાતિ મંડળો દ્વારા યોજાતા ધાર્મિક કે સેવાકીય યજ્ઞોમાં પોતે તન મન ધન થી સેવા આપતા હોય જસદણમાં તેમના અવસાનથી શોક છવાઈ ગયો છે અને કાઠી સમાજમાં પણ આ બનાવથી અરેરાટી  ફેલાઈ ગઈ છે. (૭.૧૯)

(11:14 AM IST)