તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Monday, 10th March 2025
જસદણ પાલિકાની ચૂંટણીમાં દિનેશ બાંભણિયાએ પાટીદાર યુવાનોને હરાવ્યા હતાઃ ગજેન્દ્ર રામાણી
પાટીદાર સમાજના જ યુવાનોને હરાવી જીતેલા પાટીદાર સભ્યોનું સન્માન સમારંભ રાખવો કેટલે અંશે વ્યાજબી છે ? પાલિકાની ચૂંટણી બાદ જસદણમાં જૂથવાદ સપાટી પર પાટીદાર સમાજના બે જુથો સામ સામે

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૧૦ આમ તો જસદણ પાલિકાની ચૂંટણી બાદ પ્રમુખ પદના ઉમેદવાર માટે ભાજપનો જૂથવાદ સપાટી ઉપર આવ્યો હતો બાદ પાટીદાર અગ્રણી ગજેન્દ્રભાઈ રામાણીએ પાટીદાર યુવાનોને હરાવવા દિનેશ બાંભણિયાએ એડી ચોટીનું જોર લગાવ્યું હોવાનો અને પછી જીતેલા પાટીદાર સભ્યોનાં સન્માન સમારોહ અંગે બાંભણીયાની ે ધારી નિતી હોવાનો ખુલ્લો આક્ષેપ કરતા ભારે ચર્ચા જાગી છે.
આ અંગે જસદણ ભાજપના અગ્રણી ગજેન્દ્રભાઈ રામાણીએ સોશિયલ મીડિયામાં એક સમાચાર સંસ્થાને આપેલા ઇન્ટરવ્યૂમાં પાસના આગેવાન અને ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયા સામે ખુલ્લા આક્ષેપો કરી જણાવ્યું હતું કે જસદણ નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપમાંથી લડતા અમુક પાટીદાર યુવાનોને દિનેશ બાંભણિયાએ હરાવ્યા છે બાદમાં બીજા જીતેલા પાટીદાર સભ્યોનું સન્માન સમારોહ રાખવો એ ચોરને કે ખાતર પાડો અને ધણીને કે જાગતા રહો તેવી નીતિ બરાબર છે.
ગજેન્દ્રભાઈએ દિનેશ બાંભણિયા સામે અક્ષેપો કરતા જણાવ્યું હતું કે દિનેશ બાંભણિયા અગાઉ એવું કહેતા હતા કે ભાજપની ૧૦ ટિકિટ પાટીદાર ભવનના ખીચામાં છે પણ એવું ન થતા દિનેશભાઈ અને પાટીદાર ભવનની ટીમ પાર્ટીની લાઈન બહાર કામ કરી ભાજપના અને પાટીદાર સમાજના પાંચ યુવાનોને હરાવ્યા એ સત્ય છે દિનેશ બાંભણિયાએ માત્ર પાટીદાર યુવાનોને જ નહીં પરંતુ રઘુવંશી મહિલા આગ્રણી સોનલબેન વસાણીને પણ હરાવવા માટે તનતોડ પ્રયાસો કર્યા હતા પરંતુ સોનલબેન વસાણીના અગાઉના કામો બોલતા હોય તેવો જીતી ગયા હતા. અત્રે ઉલ્લેખની છે કે અગાઉ સોનલબેન વસાણી અને દિનેશ બાંભણિયા વચ્ચે પણ ચકમક ઝરી હતી.
તેમણે વીડિયોમાં વધુમાં જણાવ્યું હતું કે દિનેશ બાંભણીયાએ ભાજપ પાસે તેમના મળતીયાઓ માટે ભાજપ પાસે ટિકિટો માંગેલી તે ન મળતા તેમના મળતીયા પાટીદાર યુવાનોને અપક્ષ તરીકે લડાવી ભાજપના જ ઉમેદવારોને હરાવ્યા હતા ગઈ ટર્મમાં જસદણ પાલિકામા પાટીદાર સમાજના ભાજપના ૧૪ સભ્યો ચૂંટાયા હતા જ્યારે આ ટરમમાં માત્ર છ સભ્યો જ ચૂંટાયા હોય દિનેશ બાંભણિયાએ મોટું પાપ કરી જસદણનાં પાટીદાર ભવનને કરડ ભૂશ કરી નાખ્યું છે.
અમરેલીના પાયલ ગોટીના બનાવમાં પણ દિનેશ બાંભણીયા એ વખતે વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ખોડલધામ તરફથી આ બાબતે મને ઘી ના ઠામમાં ઘી કરવા કામગીરી સોંપી હતી પરંતુ તેમાં પણ દિનેશ બાંભણિયા પાયલ ગોટીને હેરાન કરનાર સામેના જૂથમાં બેસી ગયા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે જસદણનું આ પાટીદાર ભવન કયારેક આપની ભૂમિકામાં હોય છે તો કયારેક કોંગ્રેસને ભૂમિકામાં પણ હોય છે.
જસદણના આ પાટીદાર ભવનનો હેતુ શિક્ષણનો છે પરંતુ આ પાટીદાર ભવનમાં સમાજ ન સ્વીકારે તેવી પ્રવળત્તિઓ થાય છે તેઓ પણ આક્ષેપ કર્યો છે.
આ પાટીદાર ભવનની સ્થાપના સમયે હું કમલેશ હિરપરા સહિત અનેક અગ્રણીઓ આમાં જોડાયા હતા પરંતુ પ્રવળત્તિઓ યોગ્ય ન લાગતા અમે પાટીદાર ભવન છોડી દીધું હતું તેમણે પાટીદાર સમાજમાં જસદણ સહિત સૌરાષ્ટ્રમાં ચાલતા જૂથવાદમાં આવા ભાગલાવાદી શખ્શો જ ભાગલા પડાવે છે તેવો આક્ષેપ પણ દિનેશ બાંભણિયા સામે કર્યો હતો.
અનામત આંદોલનના નામે માર્કેટમાં આવેલા કે જેને ભૂતકાળમાં કોઈ ઓળખતું પણ નહોતું પણ સમાજના નામે બહાર આવેલા અને હવે સમાજના નામે ચરી ખનારા સમાજને મોટું નુકસાન હાલ કરી રહ્યા છે આ બાબતે અમે ગુજરાત ભાજપના ટોચના નેતાઓને પણ લેખિત અને મૌખિક જાણ કરી છે કે ભાજપના નામે ચરી ખાતા દિનેશ બાંભણિયા જસદણમાં ભાજપની ઘોર ખોદી રહ્યો છે.
તેમણે અંતમાં જણાવ્યું હતું કે દિનેશ બાંભણિયા લોકસભા હોય ધારાસભા હોય માર્કેટિંગ યાર્ડ હોય કે નગરપાલિકા બધે જ તેની ટોળકીને સાચવવા અને ટોળકીને ગમે ત્યાં ગોઠવવા પ્રયાસો કરતા હોય છે દિનેશભાઈ નું કહ્યું કરે એ સમાજ અને દિનેશભાઈ નું કહ્યું ન કરે એ સમાજની વિરુદ્ધ નો માણસ દિનેશભાઈ ગણે છે.
તેમણે જણાવ્યું હતું કે હું પણ ઈચ્છું છું કે પાટીદાર સમાજ એક થાય પરંતુ આવા લોકો કયાંક ને કયાંક પાટીદાર સમાજને એક નથી થવા દેતા તેમણે પાટીદાર સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓને ખેંચા ખેચ બંધ કરી એક થવા અપીલ પણ કરી હતી ભૂતકાળમાં પાટીદાર સમાજ એક હતો અને હવે એક થાય એ માટે પણ તેમણે સમાજના રાજકીય અગ્રણીઓ અને સામાજિક અગ્રણીઓને અપીલ કરી છે.
ગજેન્દ્ર રામાણી સામે પણ
ભોળાનાથના આક્ષેપો થયા હતા
(વિજય વસાણી દ્વારા)આટકોટ, તા.૧૦ છાસવારે ગમે તેની સામે આક્ષેપો કરતા ગજેન્દ્રભાઈ રામાણી સામે પણ ગત ધારાસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને સમર્થન કર્યાના આક્ષેપો થયા હતા. ગત ધારાસભાની ચૂંટણીમાં ભાજપના કુંવરજીભાઈ બાવળીયા સામે કોંગ્રેસના ભોળાભાઈ ગોહિલ ચૂંટણી લડતા હતા ત્યારે ભાજપના ઉમેદવારના બદલે કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલના સમર્થનમાં આડકતરી રીતે “જય ભોળાનાથ” બોલી ભોળાભાઈને સમર્થન આપ્યું હોવાનો આક્ષેપ ગજેન્દ્રભાઈ સામે થયેલો અને આ અંગે પ્રદેશ ભાજપ સુધી ફરિયાદો પણ થઈ હતી.
ગજેન્દ્રભાઈના આક્ષેપો રાજકીય છે દિનેશ બાંભણિયા
(વિજય વસાણી દ્વારા) આટકોટ : તા.૧૦: ગજેન્દ્રભાઈ રામાણી કરેલા આક્ષેપો અંગે દિનેશ બાંભણિયા સાથે થયેલ ટેલીફોનિક વાતચીતમાં દિનેશ બાંભણિયાએ આ અંગે પ્રથમ તો કશું કહેવાનું ઇન્કાર કર્યો હતો પરંતુ તેમને જણાવ્યું હતું કે ગજેન્દ્રભાઈ અવાર-નવાર દરેક આગેવાનો સામે આક્ષેપો કરતા હોય છે મારી સામે પણ તેઓએ રાજકીય આક્ષેપો કર્યા છે ત્યારે હું કોઈ રાજકીય બાબતોમાં પડતો નથી અમે પાટીદાર ભવનના માધ્યમથી સામાજિક કાર્ય કરીએ છીએ જેથી આ અંગે મારે કોઈ જ વાતનો ખુલાસો કરવો નથી. રહી વાત ગજેન્દ્રભાઈ જસદણ પાલીકાના પાટીદાર સમાજનાં જીતેલા સભ્યોને સન્માન સમારોહમાં ન જવા કહ્યું હોવા છતાં. બધા જ ચૂંટાયેલા સભ્યો સન્માન સમારોહમાં આવ્યા જ હતા
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
