<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

ભુજના માધાપર ગામે ટ્રેલર કટ મારતા એક્ટિવા ચાલક યુવતી કચડાઈ

પુરપાટ દોડતા ઓવરલોડ વાહનો અને રસ્તા ઉપરની કાંકરીએ લીધો યુવાન શિક્ષિકાનો ભોગ, સરકાર હેલમેટ ફરજિયાત ભલે કરે પણ વાહનોનું નિયંત્રણ અને રસ્તાની હાલત સુધારે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ : કચ્છમાં વાહન અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ક્યાંક ઓવરલોડ વાહનો તો ક્યાંક ખખડધજ રસ્તાઓના કારણે રાજમાર્ગો રક્ત રંજીત બની વાહનચાલકો માટે મોતનું કારણ બની રહ્યા છે. ભુજના માધાપર ગામે ટ્રેલરની હડફેટે યુવાન શિક્ષિકાના મોતના બનાવે અરેરાટી સર્જી છે. માધાપરથી ભુજની મુક્તજીવન મહિલા કોલેજના ૨૫ વર્ષીય યુવાન પીટી ટીચર નંદનીબેન લાલજી પિંડોરિયા પોતાના દૈનિક રૂટિન મુજબ એક્ટિવા ઉપર ભુજ આવી રહ્યા હતા ત્યારે સર્જાયેલા અકસ્માતમાં આ યુવતીનો ભોગ લેવાયો હતો. મળતી હકીકત મુજબ ટ્રેલર ચાલકે કટ માર્યો હતો અને રસ્તા ઉપરની કાંકરીને કારણે એક્ટિવા સ્લીપ થઈ જતા આ યુવતી ટ્રેલર ના પૈડા તળે કચડાઈ ગઈ હતી. કચ્છના મુખ્ય શહેરોને જોડતા મોટા ભાગના રસ્તાઓ ઉપર ખાડા, રસ્તાની બંને સાઈડ કાંકરી તેમ જ ધૂળના ઢગલા અને હોર્નની ચિચિયારી સાથે નીકળતા ઓવરલોડ વાહનો વાહનચાલકો માટે ભયનું કારણ બની જીવનું જોખમ સર્જે છે. હેલમેટ માટે કડક બનતી સરકાર ઓવરલોડ વાહનો તેમ જ રસ્તાની હાલત માટે પણ નિષ્ફળ જનાર જવાબદારોની ભૂમિકા ફિક્સ કરી કડકાઈ દાખવે એ જનહિતમાં છે.

(9:38 AM IST)