News of Wednesday, 12th March 2025
ભુજના સ્મૃતિ વન પાસે ટ્રક હડફેટે બાંટવાના યુવાનનું મોતઃ અધૂરા ડામર કામે ભોગ લીધો
તંત્રના નકારાત્મક અભિગમ સામે લોકોમાં ભારે આક્રોશ, સતત બીજે દિ' મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૨: બેફામ દોડતા ઓવરલોડ વાહનો અને બિસ્માર રસ્તાઓના કારણે કચ્છના રાજમાર્ગો ઉપર સતત મોત ઝળૂંબી રહ્યું હોય એમ વધુ એક માર્ગ અકસ્માતે યુવાન જિંદગીનો ભોગ લીધો હતો. ભુજના સ્મળતિ વન પાસે ડબલ સવારીમાં જતા સ્કૂટરને ટ્રકે હડફેટે લેતા ૩૫ વર્ષના યુવાન વૈભવ માનસિંગ પરમારનું અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું. મૂળ રાજકોટના બાંટવાનો આ યુવાન ભુજના હિત દિનેશગીરી ગોસ્વામી સાથે સ્મળતિ વનમાં કામ પૂર્ણ કર્યા બાદ પરત ઘેર જઈ રહ્યો હતો ત્યારે અકસ્માતનો આ બનાવ બન્યો હતો. ગઈકાલે માધાપરમાં યુવતીના મોત બાદ બીજે દિવસે વધુ એક યુવા જિંદગીનો ભોગ તંત્રના પાપે લીધો છે. માધાપરમાં રસ્તા ઉપર પાથરેલી કપચી સ્કૂટી ચાલક યુવતીના મોતનું કારણ બની હતી અહીં ભુજમાં રાષ્ટ્રપતિની મુલાકાત સમયે રોડ ઉપર અધૂરું ડામર કામ થયું હોઈ રોડની સપાટી ઊંચી નીચી થઈ છે જેને કારણે ટુ વ્હીલર વાહનો સ્લીપ થાય છે. ઊબડખાબડ રસ્તાએ ભોગ લીધો છે. અહીંથી પસાર થતાં ભારે વાહનો રહેવાસીઓ માટે યમદૂત બની રહ્યા છે ત્યારે તંત્ર સામે લોકોમાં ભારે રોષ છે. ભારે વાહનોની અવરજવર અન્ય બાયપાસ રોડ ઉપર કરવાની માંગણી લોકો કરી રહ્યા છે.(૬.૬)
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
