<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

છ'ગાઉં યાત્રામાં જય આદિનાથના નાદ ગુંજયા

પાલીતાણામાં આજે ફાગણ સુદ-૧૩ના રોજ શત્રુંજય ખાતે છ ગાઉં યાત્રાના પુણ્‍યનું ભાથુ બાંધતા ભાવિકોઃ દેરાસરોમાં શત્રુંજય ભાવયાત્રા-પાલ ભકિતના આયોજન

ભાવનગરઃ જૈનોના પવિત્ર તીર્થધામ પાલીતાણા ખાતે આજે છ ગામની યાત્રા- ફાગણસુદ તેરસના ઢેબરીયા મેળામાં હજારો યાત્રીકો ઉમટી પડયા હતા. (તસ્‍વીર- અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી- ભાવનગર)

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૨: જૈન સમુદાયમાં વિશેષ મહત્‍વ ધરાવતી શેત્રુંજય તિર્થની છ ગાઉ યાત્રાનો પાલીતાણા ખાતે આજે તા. ૧૨માર્ચને શનિવારે વહેલી પરોઢે શરૂ થશે. ઢેબરા તેરસ તરીકે ઉજવાતી આ યાત્રામાં લાખો જૈન અને જૈનતરો ઉપરાંત વિદેશી ભાવિકો જોડાયા હતા. ફકત રાજકોટ શહેરમાં જ ૩૫ થી ૪૦ બસો દ્વારા યાત્રાળુઓ પાલીતાણા પહોંચી હતી.

સમગ્ર જૈન સમાજમાં પાલીતાણા છ ગાંઉ યાત્રાનું વિશેષ મહત્‍વ રહેલું છે. એક લોકવાયકા મુજબ ફાગણ શુદ ૧૩ના દિવસે ભગવાન શ્રી કળષ્‍ણના પુત્રો શામ્‍બા અને પ્રદ્યુમન સાડા આઠ કરોડ મુનિઓ સાથે અનશન કરીને પાલીતાણા પર્વત ઉપર છ ગાઉની પ્રદિક્ષણા કરીને ‘મોક્ષ'પદને પામ્‍યા હતાં.

શેતુંજય પર્વત ઉપર સાડા ત્રણ હજાર પગથીયા ચડીને ફકત આજના ફાગણ શુદ ૧૩ના દિવસે જ ખુલ્લો રહેતો કેડી રસ્‍તો પસાર કરી, આદેશ્વરદાદાના પક્ષાલનું જલ જે કુંડમાં આવે છે. ત્‍યાં દર્શન કરી, ત્‍યાંથી અજીતનાથ સ્‍વામી એનશાંતિનાથ સ્‍વામીની ડેરીએ યાત્રાળુઓ શાંતિષાોતનું સ્‍મરણ કરે છે. ચંદન તલાવડીએ ઉકાળેલા પાણીની પ્રસાદી લઈ, હસ્‍તગીરી તિર્થ અને શિધ્‍ધશીલા ગુફા, સૂરજ કુંડના દર્શન કરી, કેડી રસ્‍તે આદપૂર ગામે ખુલ્લા મેદાનમાં વિશાળ જગ્‍યામાં ઉભા કરાયેલા પાલમાં પહોંચ્‍યા હતા.

 યાત્રા દરમ્‍યાન રસ્‍તામાં ઠેર ઠેર પાણીની વ્‍યવસ્‍થા, મેડીકલ સહાય, કોલોનવોટરવાળા નેપકીનો, પાણીના ફુવારા, ચુસ્‍ત બંદોબસ્‍ત વિ.વ્‍યવસ્‍થા શેઠ શ્રી આણંદજી કલ્‍યાણજીની પેઢી દ્વારા કરવામાં આવી રહેલ છે.

કુલ ૩૫ જેટલા ડોમમાં ભાવિક યાત્રાળુઓનું પગના અંગૂઠા ધોઈને બહુમાન કરી, કુમકુમ તિલક કરી, સિકકાઓ દ્વારા બહુમાન કરવામાં આવે છે. અંદાજીત ૫૦થી ૬૦ પ્રભાવના (સિકકા) આપવામાં આવે છે, યાત્રાળુઓ આ રકમ વિવિધ ગૌશાળાની દાનની પેટીમાં પધરાવી દેતા હોય છે.

આજના યાત્રા દિવસે દરેક પાલમાં શુધ્‍ધ જૈન વાનગીઓમાં ચા- દુધ, તજ- લવીંગનો ઉકાળો, લીબું- વળીયારીનું શરબત, રાજસ્‍થાની લચ્‍છી, ઢેબરા, પુરી થેપલા, દહિં, ખાખરા, સેવ- ગાઠીયા- બુંદી, પપૈયાનો સંભારો, લીલી- કાળી દ્રાક્ષ, તરબુચ વિ. વ્‍યંજનો યાત્રાળુઓને આગાહપૂર્વક આમંત્રીત કરી, પુરેપુરા આતિથ્‍ય ભાવથી બેસાડીને પીરસવામાં આવે છે.

શેઠ આણંદજી કલ્‍યાણજીની પેઢીના સીનીયર મેનેજર અપૂર્ણ રમણલાલ શાહ,? ટ્રસ્‍ટી શ્રીપાલભાઈ, કલ્‍પેશભાઈ શાહ, ભાવનગરના મનિષભાઈ શાહ વિ.જહેમત ઉઠાવી રહેલ છે. ડીવાય.એસ.પી. તથા કલેકટર દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત, એસ.ટી.ની વધારાની ૫૦ બસો આખો દિવસ ફેરા કરશે. ડોકટરોની ટીમ, એમ્‍બ્‍યુલન્‍સ, ફીઝીયોથેરાપીસ્‍ટો વિ.ની સેવાઓ ગોઠવાયેલ છે.

યાત્રાળુઓને આરામ માટે વિશાળ ડોમમાં ગાદલા, પંખા વિ.સુવિધાઓ સાથે અદપૂરમાં ઉભા કરાયેલ દેરાસરમાં સ્‍નાનવીધી તથા નવા પૂજાના કપડાની જોડની પણ વ્‍યવસ્‍થા કરાયેલ છે. આયંબીલ અને એકાસણાના પાલની સાથે ઉકાળેલા પાણીની પણ વ્‍યવસ્‍થા કરાયેલ છે.

યાત્રા દરમ્‍યાન કુલ ૧૨૫૦ નાના- મોટા દહેરાસરના દર્શનો લાભ લેવા માટે સમગ્ર દેશમાંથી લાખો ભાવીકો ઉમટી પડશે. મુંબઈ, વડોદરા, શિહોર, જેસર, વઢવાણ, પાલીતાણા, નોંધણવદર, કલકત્તા, અમદાવાદ, વસલાડ, દિહોર- રાજસ્‍થાન, સુરત, રાજકોટ, ડભોઈ, લતીપર, ચેન્નાઈ, ભાવનગર, લીંબડી વિ.સેન્‍ટરોના કાર્યકરો સેવાભાવથી પાલભકિત કરતાં કરે છે.(૨.૨)

 

 

પાલિતાણામાં છ'ગાઉની યાત્રા માટે ૧૫૦૦ સ્‍વયંસેવકો ખડેપગે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧રઃ ભાવનગરના જૈન તીર્થધામ પાલિતાણામાં આજે છ'ગાઉની પરંપરાગત યાત્રા યોજાઇ છે. કચ્‍છી સમાજ દ્વારા છ'ગાઉની યાત્રા કરવામાં આવી હતી. જેમાં ત્રણેક હજાર યાત્રિકો યાત્રા કરશે. જ્‍યારે વિધિવત યાત્રા આજે યોજાઇ છે. જેમાં જપ તળેટીથી યાત્રાનો પ્રારંભ થઈ ચંદન તલાવડી ખાતે ધાર્મિક વિધિ પૂર્ણ કરી સિદ્ધવડ ખાતે યાત્રા પૂર્ણ થશે. ૩૫થી વધુ સંઘો અને યાત્રિકો દ્વારા સંઘ પૂજન કરાશે. ૮૮ ભક્‍તિપાલ ઉભા કરી યાત્રિકો માટે ચા-દૂધ, ઉકાળો, ગાંઠિયા, થેપલા, દહીં, ફૂટ, ખાખરા, લચ્‍છી, છાશ, પૂરી અને સાંજે ચૌવિહારની પણ વ્‍યવસ્‍થા વ્‍યક્‍તિપાલમાં કરાઈ છે.

છ'ગાઉ યાત્રા નિર્વિઘ્‍ને સંપન્ન થાય અને યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તે માટે શેઠ આણંદજી કલ્‍યાજી પેઢી દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્‍યો છે. પેઢી દ્વારા સિકયુરીટી, ઉકાળેલું પાણી, મેડિકલ ટીમની માર્ગમાં સેવા પૂરી પાડવમાં આવશે. જ્‍યારે ભાવનગરના પ્રાર્થના યુવક મંડળના ૧૦૦થી વધુ, પાલિતાણાજૈન સંઘ અને અન્‍ય શહેરના સંઘોના યુવાનો મળી ૧૫૦૦થી વધુ સ્‍વયંસેવકો જય તળેટીથી સિદ્ધવડ સુધી સેવામાં ખડેપગે રહેશે. પોલીસ સહિતના સરકારી તંત્રએ પણ યાત્રા નિર્વિઘ્‍ને પૂર્ણ થાય તે માટે કમર કસી છે. છ'ગાઉ યાત્રાને લઈ એસ.ટી. વિભાગ તરફથી સિદ્ધવડથી એકસ્‍ટ્રા બસો દોડાવવામાં આવનાર છે.

 

 

દેરાસરમાં શત્રુંજય ભાવયાત્રાઃ દર્શન કરતા ભાવિકો

આજે ફાગણસુદ-૧૩ના દિવસે પાલીતાણામાં શત્રુંજય તીર્થની છ ગાઉં યાત્રા યોજાઇ છે. લાખો ભાવિકો વહેલી સવારથી જ યાત્રાનો જય આદીનાથના નાદ સાથે પ્રારંભ કરે છે ત્‍યારે જે ભાવિકો પાલીતાણાની છ ગાઉં યાત્રામાં નથી જઇ શકતા તેમના માટે દેરાસરોમાં શત્રુંજય ભાવયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. સાથે પાલ સેવા પણ યોજાય છે અને પરમાત્‍માને મનમોહક આંગી રચવામાં આવે છે. ઉપરોકત તસ્‍વીરમાં રાજકોટના ચોૈધરી હાઇસ્‍કુલ સામે આવેલ મણીયાર દેરાસર ખાતે શત્રુંજય ભાવયાત્રા કરી પુણ્‍યનું ભાથું બાંધતા ભાવિકો દર્શાય છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)(૨.૧૮)

 

(11:04 AM IST)