News of Wednesday, 12th March 2025
આખો દિ' અસહ્ય તાપઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળો આકરો
સર્વત્ર મહતમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર થઇ જતા લોકો ધોમધખતા તાપથી અકળાયા

રાજકોટ, તા., ૧ર : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આખો દિવસ અસહ્ય તાપથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. મહતમ તાપમાન ૪૦ ડીગ્રીને પાર થઇ જતા લોકો અકળાયા છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ રેકોર્ડ તોડ ગરમીથી જુનાગઢ, સોરઠના લોકો ત્રાહિમામ થઈ ગયા છે. છેલ્લા પાંચ દિવસથી તાપમાનમાં અવિરત વધારો થઈ રહ્યો છે અને મંગળવારે જુનાગઢનો મહત્તમ તાપમાન ૪૧.૮ ડિગ્રી નોંધાતા સમગ્ર વિસ્તાર અગનગોળામાં ફેરવાઈ ગયો હતો.
હજુ આજે અને આવતીકાલે તાપમાન ૪૦ થી ૪૧ ડિગ્રી આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે જેના પગલે આજે સવારે પણ લઘુતમ તાપમાનનો પારો ઉચકાઈને ૨૧ ડિગ્રીએ સ્થિર થયો હતો.
સવારથી શરૂ થયેલી ગરમી વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા રહ્યું હતું. પ્રતિ કલાકની ઝડપ ત્રણ કિલોમીટરની રહી હતી.
સતત અગ્નિ વર્ષાથી સામાન્ય જનજીવનને વ્યાપક અસર થઈ છે. બપોર થતાની સાથે માર્ગો અને બજારો સુમસામ થઈ જાય છે. જેના કારણે વેપારીઓ ઘરાકી વગર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ગોહિલવાડ પંથકમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આજે મહત્તમ તાપમાન વધીને ૩૯.૭ ડીગ્રીએ પહોચતા ભાવનગર વાસીઓએ અંગ દઝાડતી ગરમીનો અનુભવ કર્યો હતો.
ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન વધીને ૩૯.૭ ડિગ્રી નોંધાયું હતું . જ્યારે લઘુતમ તાપમાન ૨૩.૮ ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૭ ટકા રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ ૧૨ કિમી પ્રતિ કલાકની રહી હતી. બપોરે ગરમીને કારણે લોકો અકળાયા હતા.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૧, મહતમ તાપમાન ૩૮.પ, ભેજનું પ્રમાણ ૪ર ટકા, પવનની ગતી પ.૬ કી.મી. રહી હતી.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
