ટેકનોલોજીનો ઉપયોગ નહીં કરીએ તો પાછળ રહી જઇશું
પોરબંદરમાં એ.આઇ. (આર્ટીફિશીયલ ઇન્ટેલીજન્સ)ના માધ્યમથી વ્યવસાયમાં કેવી રીતે નવીનતા લાવી શકાય ? તે અંગે સી.એ.હિરેન નંદાનું વકતવ્ય યોજાયું : યુવા ડિસ્ટ્રીકટ ચેમ્બરના પ્રેરણાદાયી આયોજનને આવકાર અર્જુનભાઇ મોઢવાડીયાએ એ.આઇ.નો પોતે ઉપયોગ કરતા હોવાનું પ્રવચનમાં જણાવ્યું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧ર : યુવા ડિસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત એ.આઇ.ના માધ્યમથી વ્યવસાયમાં કેવી રીતે નવીનતા લાવી શકાય ? તે વિષય ઉપર યોજાયેલા સેમીનારમાં મુખ્ય વકતા જામનગરના સી.એ.હિરેન નંદાએ ટેકનોલોજીનો ઉપયોગ આપણે નહી કરીએ તો ઘણા પાછળ રહી જઇશું તેમ જણાવીને એ.આઇ.ના ઉપયોગ અને ફાયદા અંગે વિગતવાર માહીતી આપી હતી.
સેમીનારના વકતા સી.એ.હિરેન નંદાએ આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સના વિવિધ ઉપયોગો પર તેઓએ માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ એ.આઇ.ના માધ્યમથી વ્યવસાય અને દૈનિક જીવનમાં કેવી રીતે નવિનતા લાવી શકાય, સમય અને ખર્ચની બચત સાથે પ્રગતી સાધી શકાય, તે અંગે વ્યાખ્યાન આપ્યું. તેઓની પ્રેરણાદાયી શૈલી અને વિગતોથી ભરપુર રજુઆતો શ્રોતાઓને ઉતમ પ્રતિસાદ આપ્યો. આ ઉપરાંત શ્રોતાઓએ એ.આઇ. સંબંધી પુછેલા પ્રશ્નોના અનુભવ અને ઉદાહરણ દ્વારા વિસ્તૃત સમજુતી આપી. વ્યવસાય ક્ષેત્રે ટેકનોલોજીના વધતા પ્રભાવ અને એ.આઇ.ની ભવિષ્યમાં સંભાવનાઓ અંગે પણ ચર્ચા કરતા હિરેન નંદાએ જણાવ્યું કે કુદકેને ભુસકે વધી રહેલ ટેકનોલોજીનો ઉપયોગ જો આપણે નહિ કરીએ તો ખુબ પાછળ રહી જશું. આજથી પાંચ-સાત વર્ષ પછી એ.આઇ.ટેકનોલોજીનો જ યુગ હશે તેથી તેની સાથે આજથી જ કદમથી કદમ મીલાવી નહી ચાલીએ તો આપણા વ્યાપાર ઉદ્યોગોએ તેની માઠી અસરો ભોગવવી પડશે.
યુવા ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજીત એ.આઇ.નો ઉપયોગ વિષય ઉપર સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં શહેરના ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ અને વિવિધ સંસ્થાના આગેવાનો ઉપરાંત આમંત્રિત તરીકે પોરબંદર વિસ્તારના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા, ડીવાયએસપી શ્રી ઋતુબેન રાબા ઉપસ્થિત રહયા હતા.
સેમીનારનો પ્રારંભ યુવા ડિસ્ટ્રીકટ ચેમ્બરના પ્રમુખ સુમીતભાઇ સલેટના સ્વાગત પ્રવચનથી થયો હતો. મહાનુભાવોમાં ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાને પ્રમુખ સુમીતભાઇ સલેટ, ડીવાયએસપી શ્રી ઋતુબેન રાબા, ડીસ્ટ્રીકટ ચેમ્બરના પુર્વ પ્રમુખ અનિલભાઇ કારીયા, સામતભાઇ ઓડેદરાને ડિસ્ટ્રીકટ ચેમ્બરના ઉપપ્રમુખ ટી.કે.કારીયા અને આ કાર્યક્રમના વકતા સી.એ. શ્રી હિરેન નંદાને યુવા ચેમ્બરના સિધ્ધાર્થભાઇ પતાણીએ સુતરની આંટીથી સ્વાગત કર્યુ.
ધારાસભ્ય શ્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ મહિલા દિનની શુભેચ્છા સાથે શરૂ કરેલ પ્રવચનમાં જણાવ્યું કે તેઓએ પણ થોડા સમયથી એ.આઇ.નો ઉપયોગ કરે છે. ડીવાયએસપી ઋતુબેન રાબાએ પ્રવચનમાં મહિલા દિનની શુભેચ્છાઓ પાઠવી. ડિસ્ટ્રીકટ ચેમ્બરના પ્રમુખ જતીનભાઇ હાથીએ પ્રાસંગીક પ્રવચનમાંસ્ત્રીઓ નેચરલ એ.આઇ. તરીકે ભગવાનનું ઉત્કૃષ્ઠ સર્જન ગણાવ્યું અને કાર્યક્રમના વકતાઓ વિસ્તૃત પરીચય ડિસ્ટ્રીકટ ચેમ્બરના માનદ મંત્રી શ્રી જયેશભાઇ પતાણીએ આપ્યો હતો.
ડિસ્ટ્રીકટ ચેમ્બરના ઉપપ્રમુખશ્રી મુકેશભાઇ ઠક્કરએ આ કાર્યક્રમમાં પોતાનો કિંમતી સમય ફાળવી ઉપસ્થિત રહેવા બદલ આભારની લાગણી વ્યકત કરી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી હાર્દિકભાઇ મોનાણી તથા શ્રી જયેશભાઇ પતાણીએ કર્યુ હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
