News of Thursday, 13th March 2025
હવે નખત્રાણામાં ટ્રક હડફેટે બાઈક ચાલકનું મોત: સતત ત્રીજે દિ’ અકસ્માત
રસ્તાઓ ઉપર ભમતા મોત અંગે મક્કમ અને મૃદુ સરકારમાં તંત્ર નિંભર, પ્રજાકીય પ્રતિનિધિઓ મૌન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩ : વાહન અકસ્માતો નિવારવા માટે સરકાર ભલે જાગૃત હોય પણ સ્થાનિકે પરિસ્થિતિ શું છે? કચ્છમાં સતત ત્રીજે દિવસે વધુ એક માર્ગ અકસ્માતે માનવ જિંદગીનો ભોગ લીધો છે. માધાપર અને ભુજ બાદ હવે નખત્રાણામાં બાઇક ચાલક યુવાને જીવ ગુમાવ્યો છે. અહીં રસ્તા ઉપર બાઇક સ્લીપ થતાં ૩૦ વર્ષીય યુવાન સલીમ હારુન રાયમા ટ્રકમાં ભટકાયો હતો જેમાં ગંભીર ઇજાઓના કારણે તેનું મોત નીપજ્યું હતું. રોડ રસ્તાના કારણે નાના મોટા અકસ્માતો તો થતા રહે છે પણ જ્યારે જીવલેણ અકસ્માતો સર્જાય છે ત્યારે દેકારો મચાવવા છતાંયે પરિસ્થિતિ સુધરતી નથી. ઔદ્યોગિક વિકાસ સાથે ટ્રેલર, ડમ્પર જેવા ભારેખમ વાહનોની અવરજવર રહેણાંક વિસ્તારના રસ્તાઓમાં વધી છે. આરટીઓ, પોલીસ હોય કે સ્થાનિક આર એન્ડ બી નું તંત્ર પરિસ્થિતિ શું છે? નખત્રાણામાં ગામમાંથી પસાર થતાં હાઇવે ઉપર રેતીના ઢગલા ઉપાડવા અને વાહનોની ગતિ મર્યાદા માટે સ્પીડ બ્રેકર બનાવવા વારંવાર રજૂઆતો કરાઈ ચૂકી છે. પરંતુ પરિણામ શૂન્ય. માધાપરમાં બાઇક ચાલક યુવતી તૂટેલા રોડ ઉપર ડામર કરવાના બદલે રોડ ઉપર કપચી પાથરી હોઈ એક્ટિવા સ્લીપ થઈ અને અકસ્માતનો ભોગ બની. ભુજમાં રાષ્ટ્પતિના આગમનના સમયે રસ્તા ઉપર થોડો ડામર પાથરી સાઈડો મૂકી દેવાઈ એટલે રસ્તો ઊંચો નીચો થયો. અકસ્માત બાદ પણ તંત્ર સક્રિય ન થયું. પ્રશ્ન એ જ છે કે સરકાર મક્કમ અને મૃદુ છે, પણ તંત્ર નિંભર છે તો અકસ્માતો બાદ પ્રજાકીય પ્રતિનિધિઓ મૌન છે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
