News of Thursday, 13th March 2025
મોટા દડવામાં દિકરો યુવતિને ભગાડી જતાં માતા મંજુબેનનું અપહરણ કરી ધોલધપાટ
યુવતિના પરિવારજનોએ મહિલાને કારમાં નાંખી વડીયા લઇ જઇ માર માર્યોઃ પછી તબિયત લથડતાં આરોપી જ પોલીસ સ્ટેશન પાસે ઉતારી ભાગી ગયાઃ આટકોટ પોલીસે યુવતિના પિતાની ધરપકડ કરી

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૧૩: ગોંડલ તાબેના અને આટકોટ પોલીસ સ્ટેશનની હદમાં આવતા મોટા દડવા ગામે રહેતો એક યુવાન પોતે જેને પ્રેમ કરતો હતો એ યુવતિને ભગાડી જતાં યુવતિના પરિવારજનોએ રોષે ભરાઇ આ યુવાનની માતાનું કારમાં અપહરણ કરી લીધુ હતું. મોટા દડવાથી તેણીને વડીયા લઇ જઇ બેફામ માર મારતાં હાલત બગડતાં આરોપી પૈકીનો જ એક શખ્સ આ મહિલાને પોલીસ સ્ટેશને લઇ જતાં સમગ્ર ઘટના સામે આવી હતી. આટકોટ પોલીસે આ મામલે યુવતિના માતા, પિતા સહિતના વિરૂધ્ધ ગુનો દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.
આ અંગે આટકોટ પોલીસે જેમનું અપહરણ થયું હતું તે ગોંડલ તાલુકાના મોટાદડવા ગામે રહેતા મંજુબેન મનીષભાઈ રાઠોડ (ઉ.વ.૫૫)ની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યો છે. મંજુબેને પોલીસને જણાવ્યું હતું કે મારો દિકરો વિક્રમ ગામના બાવચંદ પુંજાભાઈ ચૌહાણની પુત્રી પ્રિયા સાથે નાશી ગયો હોવાની શંકાને આધારે બાવચંદ પુંજાભાઈ ચૌહાણ તેમના પત્નિ સોનલ અને બીજા બે અજાણ્યા શખ્સોએ મારા ઘરે આવી મને પૂછયું કે તારો પુત્ર અને મારી પુત્રી કયાં છે? જેથી મેં તેને આ બાબતે મને કોઇ ખબર નથી તેમ કહેતાં ચારેયએ ઉશ્કેરાઇ જઇ મારકુટ કરી હતી અને મને ઇકો કારમાં નાંખી બળજબરીથી ઉઠાવી ગયા હતાં.
રરસ્તામા મને બાવચંદ અને તેમના પત્નિ સોનલે મને બેફામ માર મારેલ અને કારમાં રહેલ ધારીયુ બતાવી મારી નાંખવાની અને એસિડ છાંટી દેવાની ધમકી પણ આપી હતી. પોલીસે તપાસ શરૂ કરી એક શખ્સને સકંજામાં લીધો હતો. વધુ માહિતી મુજબ મંજુબેનનું મોટા દડવાથી મંજુબેનનું અપહરણ કર્યા બાદ આરોપીઓ તેમને વડીયા લઈ ગયા હતા જ્યાં તેણીને ખુબ મારકુટ કરતાં તેણીની તબીયત બગડી ગઇ હતી. જેથી આરોપીઓ ગભરાઇ ગયા હતાં. એક આરોપી મંજુબેનને ઉતારીને ભાગી ગયા હતાં. અને અપહરણ મારકુટની કોઇ વાત પોલીસને ન કરવા ધમકી દીધી હતી. વડીયા પોલીસની પુછતાછમાં મંજુબેને સાચી હકીકત જણાવતા વડીયા પોલીસે ગુનો દાખલ કરી આટકોટ પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે ફરિયાદ મોકલી હતી.
આટકોટ પોલીસે હાલ મંજુબેનને માર મારનાર અને અપહરણ કરનાર યુવતીના પિતા બાવચંદ પૂજાભાઈ ચૌહાણની ધરપકડ કરી લીધી છે. જ્યારે તેમના પત્નિ સોનલબેનની સાંજ સુધીમાં ધરપકડ કરી લેવામાં આવશે તેવું આ ગુનાની તપાસ કરી રહેલા આટકોટ પીએસઆઇ આર.એસ સાંકળિયાએ જણાવ્યું હતું.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
