<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું : હિટ વેવ દરમિયાન નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

બપોર ના ૧૨ વાગ્યા થી ૩ વાગ્યા સુધી તડકામાં ન જાવ, જ્યારે તમે બપોરના બહાર હોવ ત્યારે શ્રમ પડે તેવી પ્રવૃત્તિ ન કરો, ઉઘાડા પગે બહાર ન જાવ,રસોડામાં હવાની અવર જવર માટે બારી બારણા ખુલ્લા રાખો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.13  :  ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે.જિલ્લામાં હિટવેવ અંગેની અસરને ધ્યાને લેતા જાહેર જનતા માટે સાવધાની માટે કેટલાક સુચનો અનુસરવા ડિસ્ટ્રીકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા અનુરોધ કરાયો છે. 

આટલું કરો

રેડિયો સાંભળો, ટી.વી જુઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો અથવા હવામાન વિશેની માહિતી આપતી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો.તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવો.  

વાઈ, હૃદય, કીડની કે યકૃત સંબધિ બિમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાં પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતા પહેલા ડૉકટરની સલાહ લેવી. 

શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનુ ઓસામણ, નાળિયેર પાણી વગેરેનો ઉપયોગ કરો.વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સૂતરાઉ વસ્ત્રો પહેરો.જો તમે ઘરની બહાર હોવ તો, માથાનો ભાગ કપડા, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો.આંખોના રક્ષણ માટે સન ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સન સ્ક્રીન લગાવો.પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો. બાળકો, વૃદ્ધો,બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ લુ ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે.તેમની વિશેષ કાળજી લો. 

કામદાર અને નોકરીદાતા માટે  : આટલું કરો

કાર્યના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરો.તમામ કામદાર માટે આરામની વ્યવસ્થા, શુદ્ધ પાણી, છાસ, ઓ.આર.એસ, બરફના પેક, પ્રાથમિક સારવારની પેટીની વ્યવસ્થા કરો. કાર્ય કરતી વખતે સીધો સુર્ય પ્રકાશ આવે તેવી સ્થિતિને ટાળો, સખત મહેનતનું કામ દિવસના ઠંડા સમયે ગોઠવો. 

બહારની પ્રવુત્તિઓ માટે વિશ્રાંતિ સમય અને તેની સંખ્યા વધારો. જે કામદાર વધુ ગરમી વાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયલ નથી તેમને હળવુ તેમજ ઓછી અવધી માટે કામ આપો. સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક નબળાઈ ધરાવતા કામદાર ઉપર વિશેષ ધ્યાન આપો.કામદારોને હીટ વેવ એલર્ટ વિશે માહિતગાર કરો.ઢીલા કપડા પહેરો.

આપના કાર્યાલય કે રહેઠાણના સ્થળે આવતા ફેરિયા કે ડીલીવરી માણસને પાણી પીવડાવો, કાર પુલીંગ અથવા તો જાહેર વાહન વ્યવહારના સાધનનો ઉપયોગ કરો. 

જો તમને ચક્કર આવતા હોય કે બિમાર હોવ તો તબીબી સલાહ લો.

ઘરને શીતળ રાખવા માટે : આટલું કરો

ઘરની દીવાલોને સફેદ રંગથી રંગો.ઘરમાં ઓછા ખર્ચે ઠંડક મેળવવા માટે ફુલ રુફ ટેક્નોલોજી, હવાની અવર જવર માટે ક્રોસ વેંટીલેશન અને થર્મોકુલ ઇન્સ્યુલેશનનો ઉપયોગ કરો.સૂકા ઘાસની ગંજી છત ઉપર રાખો અથવા શાકભાજી પણ ઉગાડી શકો. ઘરની બારીઓ ઉપર સુર્યપ્રકાશને પરાવર્તિત કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલ કવર વાળા પુંઠા લગાવો.ઘેરા રંગના પડદા, બારીઓને રંગીન કાચ લગાવો અથવા સનશેડ લગાવો અને ફક્ત રાત્રે બારીઓ ખોલો.બને ત્યા સુધી નીચેના માળ ઉપર રહો, લીલા રંગના છાપરા, ઈન્ડોર છોડ મકાનને કુદરતી રીતે ઠંડું રાખે છે અને એયર કંડીશનરનો ઉપયોગ ઘટાડે છે અને તેમાથી બહાર નીકળતી વધારાની ગરમીને ઓછી રાખે છે. એયર કંડીશનરનુ તાપમાન ૨૪ ડીગ્રી કે તેનાથી વધુ રાખો. આને કારણે તમારું વિજળીનું બિલ ઓછું કરશે અને સાથે તમારી સ્વસ્થતાનું પણ ધ્યાન રાખશે.નવા ઘરના બાંધકામ વખતે રાબેતા મુજબની દીવાલને બદલે છીદ્રાળુ દીવાલ ચણતર કરો જે ગરમીને રોક્શે અને વધુ હવાને પરસ્પર થવા દેશે. દીવાલને રંગવા માટે ચુનો અથવા કાદવ જેવી કુદરતી સામગ્રીનો ઉપયોગ કરો.

લુ લાગેલ વ્યક્તિની સારવાર

ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો.શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ.અથવા લીંબુ સરબત જેવું પ્રવાહી આપો.વ્યક્તિને તાત્કાલિક નજીકના સ્વાસ્થ્ય કેંદ્ર પર લઈ જાવ.જો શરીરનુ તાપમાન એક્ધારુ વધતું હોય, માથાનો અસહ્ય દુખાવો હોય.ચક્કર આવતા હોય. નબળાઈ હોય, ઉલ્ટી થતી હોય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવો.  

આટલુ ન કરો

બપોર ના ૧૨ વાગ્યા થી ૩ વાગ્યા સુધી તડકામાં ન જાવ, જ્યારે તમે બપોરના બહાર હોવ ત્યારે શ્રમ પડે તેવી પ્રવૃત્તિ ન કરો. ઉઘાડા પગે બહાર ન જાવ.રસોડામાં હવાની અવર જવર માટે બારી બારણા ખુલ્લા રાખો.શરીરમાથી પાણીનુ પ્રમાણ ઘટાડે તેવા પીણા જેમકે શરાબ, ચા, કોફી, સોફટ ડ્રીક્સ ન લો, પ્રોટીનની વધુ માત્રા વાળા, મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠા વાળા આહારને ત્યજો. 

કૃષિ વિષયક: આટલુ કરો

ઉભા પાકને હળવુ તેમજ વારવાર સિંચન કરો. પાક વિકાસની મહત્વના સ્તરે સિંચાઈની માત્રા વધારો.નિંદામણ કરીને જમીનના ભેજનું પ્રમાણ જાળવો.વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો. જો તમારો વિસ્તાર હીટ વેવ કે લુ ફુંકાતા પવનમાં આવતો હોય તો સ્પ્રિક્લરથી સિંચાઈ કરો. 

પશુપાલન -આટલુ કરો

પશુઓને છાયડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠંડું પાણી પુષ્કળ પ્રમાણમાં આપો.તેમની પાસેથી સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી કામ ન લો. આશ્રય સ્થાનનુ તાપમાન ઓછું કરવા માટે તેના છતને ઘાસની ગંજીથી ઢાંકો, અથવા તો છાણ કાદવ અથવા સફેદ રંગથી રંગો. આશ્રય સ્થાનમાં પંખા લગાવો, પાણીનો છટકાવ કરો કે, ફોગસ લગાવો.બહુ જ ગરમી હોય તેવા સંજોગોમાં પાણીનો છટકાવ કરો અથવા પશુને પાણીના હવાડા નજીક લઈ જઈ આહારમાં તેમને લીલો ચારો આપો.પ્રોટીન ચરબી વગરનો આહાર આપો, ખનીજ દ્ર્વ્ય યુક્ત ખોરાક આપો. જ્યારે બહુ ગરમી ન પડતી હોય એ સમયે ચરાવા લઈ જાવ.મરઘા ઉછેર કેંદ્રમાં પડદા લગાવો અને હવા ઉજાસની યોગ્ય વ્યવસ્થા કરો. 

 

(1:09 PM IST)