News of Thursday, 13th March 2025
પોરબંદરની હેરીટેજ મીડલ સ્કુલનો જીર્ણોધ્ધાર કરાશે
ખંઢેર હાલતમાં ફેરવાઇ ગયેલા મીડલ સ્કુલના રીસ્ટોરેશન માટે બજેટમાં ખર્ચની જોગવાઇઃ વિધાનસભામાં અર્જુનભાઇ મોઢવાડીયાએ પુછેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રી ડો. કુબેરભાઇ ડીંડોરે માહીતી આપી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૩ : ઐતિહાસિક બાંધકામ ધરાવતી મીડલ સ્કુલના મકાનનો જીર્ણોધ્ધાર કરવા માટે રાજય સરકારે બજેટમાં ખર્ચની જોગવાઇ કરી છે. મીડલ સ્કુલના જીર્ણોધ્ધારના ટેન્ડરની પ્રક્રિયા પુર્ણ થતા તુરંત કામગીરી શરૂ કરવામાં આવશે તેમ શિક્ષણમંત્રી ડો.કુબેરભાઇ ડીંડોરે વિધાનસભામાં ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ પુછેલા પ્રશ્નના જવાબમાં વિગતવાર આપી હતી.
હેરિટેજ બાંધકામ ધરાવતી મીડલ સ્કુલના મકાનનું આગામી સમયમાં રીસ્ટોરેશન કરવામાં આવનાર છે. આ કામગીરી અંગે ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નના જવાબમા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે આગામી બજેટમાં હેરીટેજ શાળાઓના નવીનીકરણની જોગવાઈ કરવામાં આવેલ છે. જેમાં પોરબંદર સ્થિત મીડલ સ્કુલનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદરમાં આવેલ હેરિટેજ બાંધકામ ધરાવતી મીડલ સ્કુલના મકાનના રીસ્ટોરેશન માટે બજેટમાં જોગવાઈ કરેલ છે. જેના વહીવટી ખર્ચને મંજુરી મળતાની સાથે જ ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરીને આગામી ટુંક સમયમાં રીસ્ટોરેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે શિક્ષણમંત્રીએ વિધાનસભામાં જણાવ્યું છે કે પોરબંદરમાં આવેલ હેરીટેઝ બાંધકામ ધરાવતી મોડલ સ્કુલના મકાનના રીસ્ટોરેશન માટે થનાર ખર્ચ અંગેના એસ્ટીમેટની કામગીરી પ્રગતિ હેઠળ છે. રીસ્ટોરેશનની કામગીરી શરૂ થયા બાદ ૧૧ મહિનામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
જિલ્લામાં કાર્યરત સરકારી અને ખાનગી પ્રાથમીક શાળાઓ તેમજ તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં ૩૦૭ સરકારી પ્રાથમિક શાળાઓ અને ૧૦૭ ખાનગી પ્રાથમિક શાળાઓ આવેલ છે. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર શહેરમાં ૩૨ સરકારી અને ૫૨ ખાનગી પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. જ્યારે પોરબંદર ગ્રામ્યમાં ૧૨૮ સરકારી અને ૨૨ ખાનગી પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. જ્યારે રાણાવાવ તાલુકામાં ૭૫ સરકારી અને ૨૦ ખાનગી પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. કુતિયાણા તાલુકામાં ૬૯ સરકારી અને ૧૩ ખાનગી શાળાઓ કાર્યરત છે. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં આવેલ ૩૦૭ સરકારી પ્રાથમિક શાળાઓમાં કુલ ૩૭,૫૨૧ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જ્યારે જિલ્લાની ૧૦૭ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૩,૬૬૭ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે પૈકી પોરબંદર શહેરની સરકારી પ્રાથમિક શાળાઓમાં ૮,૬૯૨ અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૧૩૯૨૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પોરબંદર ગ્રામ્ય વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧૩,૭૨૨ અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૩૩૪૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રાણાવાવ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ૮,૭૪૧ અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૪,૯૦૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કુતિયાણા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ૬,૩૩૩ અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૧૪૮૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
