<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

પૂજ્ય ભાઈશ્રી શ્રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં સાંદીપનિમાં આયોજિત દ્વિદિવસીય સંસ્કૃતિ ચિંતન સાહિત્યિક રંગોત્સવનું સમાપન

જેમ ભગવાન અવતરે એમ આ પણ શબ્દરૂપ બ્રહ્મનું અવતરણ છે. અને ભગવાન જ્યારે અવતરે છે ત્યારે એ માત્ર સાકાર જ નથી થતો સગુણ થાય છે. સગુણ સાકાર. એમાં શબ્દરૂપ બ્રહ્મ એ જે સગુણ બને છે. – પૂજ્ય ભાઈશ્રી

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં હોળી ધૂળેટી ઉત્સવ પૂર્વે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સન્નિધિમાં સંસ્કૃતિ ચિંતન : સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠીનું હોળીના દિવસે સમાપન થયું. ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકારો, ચિંતકોએ લેખકોએ પોતાના વિષયોને લઈને ખુબ જ સુંદર વ્યાખ્યાનો પ્રસ્તુત કર્યા.

   સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠીના ઉદ્ઘાટન સત્રનો પ્રારંભ મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્યથી અને ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચારથી થયો. દીપ પ્રાગટ્ય બાદ ભાગ્યેશભાઈ જહા એ સમગ્ર કાર્યક્રમની ભૂમિકા રજુ કરી  અને સાંદીપનિના ટ્રસ્ટી તેમજ આ જ્ઞાનગોષ્ઠીના મનોરથી તુષારભાઈ જાનીએ શાબ્દિક સ્વાગત અને પ્રસંગોચિત ઉદ્બોધન આપ્યું હતું. ત્યારબાદ સુપ્રસિદ્ધ ચિંતક અને શિક્ષણવિદ્ ડૉ.નરેન્દ્રભાઈ પાઠકએ પોતાના ઉદ્બોઘનમાં સાંદીપનિને સંસ્કૃતિ, સંસ્કાર અને સાહિત્યનુ એપીસેન્ટર ગણાવ્યું હતું.  જ્ઞાનગોષ્ઠીના બીજા ત્રીજા અને ચોથા સત્રમાં ગુજરતના વિવિધ શહેરોમાંથી આવેલા સાહિત્યકારોએ પોતાના વિષયમાં ખુબ જ રસપૂર્ણ અને ભાવાવાહી શૈલીમાં વ્યાખ્યાનો રજુ કર્યા હતા.સંસ્કૃતિ ચિંતનના પહેલા દિવસની રાત્રીએ ધાબા પરિષદ્ થીયેટર ગ્રુપ દ્વારા આદ્ય ગુરુ શંકરાચાર્યના જીવનપ્રસંગોની ઝાંખી કરાવતું સરળ સંસ્કૃત ભાષામાં સરસ સંવાદ સાથેનું સુંદર નાટક પ્રસ્તુત થયું હતું.
જ્ઞાનગોષ્ઠીના બીજા દિવસે છઠ્ઠા સત્રમાં નાટ્યકલામાં ભારતીયતા, ચિત્રકલામાં ભારતીયતા અને શિક્ષણમાં ભારતીયતા, ગુજરાતમાં ભક્તિ પરંપરા અને ભક્તિ સાહિત્ય જેવા વિષયને લઈને પ્રસિદ્ધ સાહિત્યકારો દ્વારા ચિંતનીય અને રસાળ શૈલીમાં વ્યાખ્યાનો પ્રસ્તુત થયા.
સમાપન સત્ર
સંસ્કૃતિ ચિંતન : જ્ઞાનગોષ્ઠીના સમાપન સત્રમાં પોરબંદરના પ્રખ્યાત ઈતિહાસવિદ્ નરોત્તમ પલાણ ઉપસ્થિત રહ્યા તેઓએ પણ આ સંસ્કૃતિ ચિતનની બેઠકને બિરદાવી હતી એ પોતાને ઉપસ્થિત રહેવાનો રાજીપો વ્યક્ત કર્યો તો સાથે-સાથે સાંદીપનિના તુષારભાઈ જાનીએ જણાવ્યું કે મને આ બે દિવસ મારી માં માતૃભાષાના ખોળામાં રહ્યો એવી લાગણી અનુભવાય છે અને મારી જાતને ધન્ય માનું છું કે આવો અવસર મને પ્રાપ્ત થયો. ભાગ્યેશભાઈ જહા એ ઉપસ્થિત રહેલા સૌ વક્તાઓનો અભાર વ્યક્ત કર્યો. પૂજ્ય ભાઈશ્રી એ આ સમગ્ર સંસ્કૃતિ ચિંતનના સૌ વક્તાઓનું સન્માન કર્યું હતું.
પૂજ્ય ભાઈશ્રીના આશીર્વચન
પૂજ્ય ભાઈશ્રી એ પોતાની વાતના પ્રારંભમાં જણાવ્યું કે આજે મૌન બોલે છે. કારણ કે માં સરસ્વતીની આરતી થઇ હોય અને છેલ્લે મંત્ર પુષ્પાંજલિની વાત આવે અને ન કરું તો પાછું મૌન લાજે. આ બે દિવસમાં એવું લાગ્યા કરતુ હતું કે સાંદીપનિના પટ ઉપર માં શારદાના ખોળે માં સરસ્વતીના બધાય વરદપુત્રો આ બધા સારસ્વત બાળકોનો એક મેળાવડો જામ્યો છે. ગોષ્ઠી કરે છે. અમારે સનત્કુમારોની વાત આવે ત્યારે એને ભગવતચર્ચા વગર ન ચાલે. કોઈ સાંભળવા વાળું હોય તો ચારે એક સાથે બેસી અને સમવેત સ્વરોમાં ગાયન કરે. અને એવું કોઈ ન હોય તો એક ભાઈ બોલે ને ત્રણ ભાઈ સાંભળે. એક નીચે ઉતરે તો સનાતન ઉપર આવે સનક, સનંદન, સનાતન અને સનત્કુમાર એ ચારેય ભાઈઓ છે. પણ એ ભગવદ વાર્તા નિયમિત રૂપે થાય એમ આ મેળાવડો આ મેળાપ . અમારે ભાગવત કથા હોય ને ત્યારે વૈયક્તિક આયોજન હોય ત્યારે  બધા જ ભાઈઓને કાકાના મોટા બાપાના મામાના માસીના ફુવા ફઈબા એના છોકરાઓ છોકરાઓનું પરણાવ્યા એટલે વેવાઈઓ તે બધા ભેગા થાય અને કથાને બાને ભેગા થાય કથા સાંભળે પણ ઘણીવાર એક કથા સિવાયનો જે સમય હોય એ આખા પરિવાર માટે એટલો બધો અગત્યનો હોય અને એમાં પરસ્પર સહવાસ અને ચર્ચને કારણે તેમાં જે સંવાદ થાય અને એને કારણે એક ફેમિલી બોન્ડેજ જેવું થાય. તો ઘણા લોકો મને એમ કે અમને તો કથાનું એક આ વિશેષ ફળ મળ્યું કે અમારો પરિવાર વધુ નજીક આવ્યો. નવી પેઢીના છોકરાઓ એકબીજાને જાણતા થયા સમજતા થયા ઓળખતા થયા અને એમાં કથા એની પોતાની ભૂમિકા ભજવી. એમ આટલા દિવસથી આમ તો દોઢ દિવસનો ગાળો એ બહુ ટૂંકો સમય છે. પરંતુ એ જે અવસર પ્રાપ્ત થાય છે. ભાવકો તરીકે અમને તો એનો વિશેષ આનંદ અને એનો લાભ પ્રાપ્ત થાય જ છે પણ આ સારસ્વત મંડળને માટે પણ મને એમ લાગે છે કે ઘણું બધું લાભપ્રદ છે આ મળવું, સાથે રહેવું આ સંવાદ કરવો અને અહીંયા સિવાયની પણ જે બીજી પાછી સાઈડમાં બેઠકો થતી હોય એમાંથી પણ જે કંઈક સારૂ નીપજે.
શબ્દનું ગોત્ર આકાશ છે શબ્દ આકાશગોત્રીય હોય છે. આપણે ત્યાં સાંખ્યદર્શન હોય કે એના અનુગામી બીજા જે દર્શન હોય એમાં જે સૃષ્ટિના સર્જનનો ક્રમ બતાવવામાં આવ્યો છે. એમાં તામસ અહંકારમાંથી પંચમહાભૂતોની ઉત્પત્તિની વાત કહી. એમાં આકાશથી વાયુ, વાયુથી અગ્નિ,  અગ્નિથી જળ, જળથી પૃથ્વી. આકાશનો ગુણ છે શબ્દ. અથવા તો શબ્દ તન્માત્ર છે અને એનો આકાશ મહાભૂત સાથેનો સંબંધ છે. એટલે શબ્દ એનું ગોત્ર છે આકાશ અને તેથી જેમ આકાશ અવકાશ આપે આકાશ વિના અવકાશ નથી. શબ્દ પણ એક અવકાશ આપે છે. અપાયેલો વિષય અને વક્તાને એક અવકાશ આપે. સંભળાયેલો શબ્દ ભાવકને અવકાશ આપે. પણ આકાશના એ ગુણ અવકાશને એ શબ્દપોતાની સાથે લઈને ચાલે છે એમ એના પછીની જે આખી પરંપરા સર્જાય છે. આકાશથી વાયુ, અને વાયુની પાસે સ્પર્શ અને ગતિ એમ શબ્દ પણ સ્પર્શે છે અને જે સ્પર્શી જાય એ બળુકો શબ્દ. એ મૂર્તિમાં પ્રતિષ્ઠા થઈ, એ સજીવ થઈ એ બળુકો અને સજીવન થઇ ઉઠેલો શબ્દ. વાયુ જેવો આવે પ્રાણવાયુ પ્રાણ આવ્યા પછી જ પ્રાણ એવી સંજ્ઞા થાય છે ને એટલે વાયુવાળો જે ગુણ છે એ પણ પછી શબ્દ લઈ અને ગતિ કરે. સ્પર્શે, પ્રાણ આપે જીવન આપે. વાયુથી અગ્નિ. તેજ તત્વ અને તેથી શબ્દ જે રીતે આલોકિત કરે અને શબ્દ જે રીતે હુંફ આપે. તેજ તત્ત્વના જે ગુણો છે. આ અવતરણ છે. જેમ ભગવાન અવતરે એમ આ પણ શબ્દરૂપ બ્રહ્મનું અવતરણ છે. અને ભગવાન જ્યારે અવતરે છે ત્યારે એ માત્ર સાકાર જ નથી થતો સગુણ થાય છે. સગુણ સાકાર. એમાં શબ્દરૂપ બ્રહ્મ એ જે સગુણ બને છે. કારણ કે આ ચિંતનસત્ર હતું એટલે ચિંતનની યાત્રા સ્વાભાવિક રીતે શબ્દ બ્રહ્મને લઈને આગળ વધે. આલોકિત પણ કરે છે અને ઉષ્મા પણ આપે છે. શબ્દોની કેવી હુંફ હોય છે. બોલાયેલો શબ્દ આપણા શાસ્ત્રોમાં વાણીના દેવ અગ્નિ છે એવું કહ્યું. પાંચ જ્ઞાનેન્દ્રિયો જેનાથી  આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનું જ્ઞાન થાય અને પછી પાંચ કર્મેન્દ્રિયો એમાં જીહ્વા રસના એ જ્ઞાનેન્દ્રિય છે. તો વાક એ કર્મેન્દ્રિય છે. અને જીહ્વાના દેવ વરુણ છે પણ બોલાતી વાણીના દેવ અગ્નિ છે. તો શબ્દ જ્યારે એ બોલાયેલો શબ્દ હોય અગ્નિ ખરેખર પ્રકાશિત કરે, ઉષ્મા આપે. અગ્નિથી જળ. આગળ નું સૂત્ર છે. ભીંજાયેલો શબ્દ અને ભીંજવી નાખે એવો શબ્દ. આ બધા ભક્ત કવિઓની વાણી. શબ્દ ભીંજવે છે. ભીજાયેલો ભાવથી ભરેલો, શબ્દની અંદર એની પોતાની એક આદ્રતા. પછી જળથી પૃથ્વી આગળનો ક્રમ છે એ. અને પૃથ્વીનો ગુણ જે ગંધ છે તેમ શબ્દની પોતાની એક સુગંધ અને દુર્ગંધ પણ હોઈ શકે કારણ કે ગંધ એટલે ગંધ એ પૃથ્વીનો ગુણ છે એ સુગંધ પણ હોઈ શકે અને દુર્ગંધ. ગંધાતા શબ્દો હોય અને મહેકતા શબ્દો પણ હોય. માથું ફાડી નાખે એવી વાસ પણ આવે. એના આપણે વાસ કહીએ. પણ શબ્દ ધરણીની જેમ ધારણ કરે, શબ્દ પોતાની એક ગંધ લઈ વહેતો હોય છે, વછૂટતો હોય છે. તો શબ્દ ઉપર બ્રહ્મનું જે આ અવતરણ થાય છે સારસ્વતોના માધ્યમથી, કવિઓના માધ્યમથી, લેખકોના માધ્યમથી. તમે જ સૌ સાહિત્યકારો મૂર્તિના ઘટનારા તમે જ એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરનારા. શિલ્પીઓએ તમે, પુરોહિતો તમે અને પછી જ્યારે અહીંયાથી કંઈક રજૂ કરો ત્યારે પૂજારી પણ તમે. અમે તો સામે બેઠા-બેઠા દ્વારકાના મંદિર, શ્રીહરિ મંદિરની કે સોમનાથ મંદિરની સામે એક ભાવક તરીકે હાથ જોડીને આરતીના દર્શન કરીએ, પૂજાના દર્શન કરીએ, અભિષેકના દર્શન કરીએ અને અમને જે તમે પછી પ્રસન્નતાનો એનાથી પ્રસાદ પ્રાપ્ત થાય એનાથી અમારી એક ભાવક તરીકેની  ધન્યતા. ગઈકાલ પ્રારંભથી જ તે એક એક જે વક્તવ્યો અપાયા. ખુબ જ સરસ રહ્યા.. આમ કહીને પૂજ્ય ભાઈશ્રીએ સૌ વક્તાઓને બિરદાવ્યા. સમાપન સત્રમાં ઉપસ્થિત રહેલા નરોત્તમ પલાણ પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરી અને અંતે આ વર્ષની જ્ઞાનગોષ્ઠીના મનોરથી તુષારભાઈ જાની અને સમગ્ર ઉપક્રમના સંયોજક ભાગ્યેશભાઈ જ્હાનું સન્માન કર્યું હતું. સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠીના દરેક સત્રોમાં પ્રસ્તુત થયેલા વ્યાખ્યાનોનો અનેક લોકોએ લાભ લીધો હતો

(7:56 PM IST)