News of Monday, 17th March 2025
ઈન્સ્ટાગ્રામ સ્ટાર પત્ની પૂનમ ઠાકોરના પ્રેમી અને મિત્રના ડબલ મર્ડરનો આરોપી પતિ બે સાગરીતો સાથે કચ્છમાંથી ઝડપાયો
મૃતકના પુત્રનો આક્ષેપ પત્નીના પ્રેમ પ્રકરણથી વાકેફ આરોપી પતિએ કાર અને રૂપિયા પડાવ્યા હતા, પૂનમ ઠાકોરના ઇન્સ્ટા ઉપર ૨ લાખ ફોલોઅર અને ૩૦૦ વીડિયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ : ગાંધીનગર પાસે સાંતેજ નજીક બનાસકાંઠાના જાણીતા જમીન દલાલ દશરથભાઈ ઉર્ફે ટીનાજી સોમાજી ઠાકોર અને તેમના મિત્ર ગિરીશ કાંતિજી ઠાકોરની મળી આવેલ લાશના કિસ્સામાં ડબલ મર્ડરનો ગુનો નોંધાયો હતો. આ બનાવે ઘણી જ ચકચાર સર્જી હતી. આ ચકચારી ડબલ મર્ડર પ્રકરણમાં ક્યાંક ને ક્યાંક કંઇક રંધાયું હોય એવી ચર્ચા હતી. જોકે, પોલીસ હત્યા કરનાર આરોપીઓ સુધી નાટ્યાત્મક સંજોગોમાં પહોંચી હતી. કચ્છના રાપરમાં બસ સ્ટેશન પાસે એક બેગ સાથે ત્રણ શંકાસ્પદ ઇસમો આંટા મારી રહ્યા હોવાની સ્થાનિક પોલીસને માહિતી મળી હતી. જેને પગલે પીઆઇ જે.બી. બુબડીયા રાપર બસ સ્ટેશને ધસી ગયા હતા. જ્યાં શંકાસ્પદ રીતે ફરનાર ત્રણેય પાસેથી પોલીસે ૫ લાખ ૯૩ હજાર રૂ. ઝડપી પૂછપરછ કરી હતી. ઝડપાયેલ ત્રણેય આરોપીઓએ સાંતેજ ડબલ મર્ડર અંગે વટાણા વેરી દીધા અને આ સમગ્ર પ્રકરણનો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. મૃતક જમીન દલાલ દશરથ ઉર્ફે ટીનાજી સોમાજી ઠાકોરનું ઇન્સ્ટાગ્રામ સ્ટાર પૂનમ ઠાકોર સાથેનું પ્રેમ પ્રકરણ હત્યાનું નિમિત્ત બન્યું. ૨ લાખ ફોલોઅર અને ૩૦૦ વીડિયો સાથે ઇન્સ્ટા ઉપર છવાયેલ પૂનમના પતિ ભરત જેમ્તુમલ ઠાકોરે પત્નીના પ્રેમીની હત્યાનો પ્લાન ઘડ્યો. આરોપી ભરતે પોતાના બે મિત્રો મેઘરાજ રૂગનાથ ઠાકોર અને પ્રકાશ વસરામ ઠાકોર સાથે મળી જમીન સોદા માટે પત્ની પૂનમના પ્રેમી દશરથ ઉર્ફે ટીનાજી ઠાકોરને વિશ્વાસમાં લીધા હતા. મિત્ર ગિરીશ કાંતિજી ઠાકોર સાથે જમીનના સોદા માટેના બાનાના રૂપિયા ૬ લાખની લેતીદેતી માટે આવેલ દશરથ ઉર્ફે ટીનાજી ઠાકોરને જમવામાં ઊંઘની ગોળી આપી બન્નેનું અપહરણ કરી તેમને આરોપીઓ ભરત, મેઘરાજ અને પ્રકાશ ત્રણેય એ સાથે મળી સાંતેજ પાસે નર્મદા કેનાલમાં ફેંકી દીધા હતા. રાપર પોલીસે ત્રણેય આરોપીઓને સતર્કતા સાથે ઝડપી સાંતેજ પોલીસને સોપ્યા છે. દરમ્યાન મૃતકના પુત્ર અને ફરિયાદી માહીલ દશરથજી ઠાકોરે પોતાની ફરિયાદમાં પિતાની હત્યામાં તેમની પ્રેમિકા અને ઈન્સ્ટા સ્ટાર પૂનમના પતિ ભરત સહિત ત્રણેય હત્યારાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પૂનમનો પતિ ભરત પત્નીના પ્રેમ પ્રકરણથી વાકેફ હોવાનું અને અવારનવાર રૂપિયા પડાવતો તેમ જ નવી કાર પણ લીધી હોવાનું જણાવ્યું હતું.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
