<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

જૂનાગઢમાં મામાદેવના મંદિરમાંથી રોકડ, પિતળના હારની ચોરી

ગ્રીલનું તાળું તોડી તસ્‍કરો ખાબકયા, ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૭: જૂનાગઢમાં ફાયર સ્‍ટેશન પાસે આવેલ મામાદેવના મંદિરમાં ગ્રીલનું તાળું તોડી ખાબકી તસ્‍કરો દાનપેટીમાંથી ૬૦૦૦ની રોકડ અને પિતળના હારની ચોરી કરી નાસી ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

શહેરમાં ગિરનાર દરવાજા રોડ પર ફાયર સ્‍ટેશન પાસે મામાદેવનું મંદિર આવેલ છે. ગઈ તારીખ ૧૨ માર્ચના રોજ સવારે ચાપરાજભાઈ જગુભાઈ વાળા મંદિરે આરતી કરવા ગયા હતા. ત્‍યારે મંદિરની લોખંડની ગ્રીલનું તાળું તૂટેલું જોવા મળ્‍યું હતું. અને મામાદેવને પહેરાવેલ પિત્તળનો હાર અને દાનપેટીમાંથી રૂપિયા પાંચ થી છ હજાર જોવામાં આવ્‍યા ન હતા. મંદિરના સીસીટીવી ફૂટેજ જોતા વહેલી સવારે ત્રણ થી ચાર દરમિયાન બે અજાણ્‍યા શખ્‍સ મંદિરે આવ્‍યા હોવાનું માલુમ પડ્‍યું હતું જેમાં એક શખ્‍સ મંદિર બહાર ધ્‍યાન રાખતો હોવાનું અને બીજા શખ્‍સે મંદિરમાંથી ચોરી કરી હોવાનું જણાયું હતું.

ચોરીની ઘટના અંગે ચાપરાજભાઈની ફરિયાદ લઈ એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.(૬.ર)

(10:26 AM IST)