News of Tuesday, 18th March 2025
ભુજના યુવાનને હની ટ્રેપમાં ફસાવી ૨૨ લાખની તોડ કરાવવાના ચકચારી બનાવમાં નગરસેવક સહિત ૫ સામે ફરિયાદ
સોશ્યલ મીડિયા દ્વારા કરાયેલ ફ્રેન્ડશીપ ભારે પડી, ૧૯ લાખ પડાવ્યા બાદ પોલીસમાં અરજી કરવાના મામલે ૩ લાખ વધુ પડાવ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮ : ભુજના મહેબૂબ શબ્બીર ખાટકીએ પોતાની સાથે બનેલ હની ટ્રેપના બનાવ મામલે ફસાવી અને રૂ.૨૨ લાખ પડાવી લેવાના મામલે ભુજ એ ડિવિઝન પોલીસમાં પાંચ શખ્સો સામે ફરિયાદ લખાવી છે. આદિપુરની મુસ્કાન નામની યુવતીએ ફરિયાદી યુવક મહેબૂબ સાથે સોશિયલ મીડિયા દ્વારા ફ્રેન્ડશીપ કરી હતી. બંને ભુજના હીલ ગાર્ડનમાં મળ્યા. ત્યાર બાદ નગરસેવક અબ્દુલ હમીદ સમાએ ફરિયાદી યુવાનના કૌટુંબિક ભાઈ સરફરાઝ રઝાક ખાટકીને યુવતી સાથેના ફરિયાદી યુવાન મહેબૂબના ફોટા મોકલ્યા હતા. આ ફોટા વાયરલ કરવાની ધમકી અપાઈ હતી. તે દરમ્યાન યુવતી મુસ્કાનના બનાવટી પતિ તરીકે અંજારનો મામદ નોડે જોડાયો હતો. યુવતી મુસ્કાન સાથે અન્ય ત્રણ જણા અબ્દુલહમીદ, સરફરાઝ, મામદ એમ ચારેય એ ડરાવી ધમકાવી
૧૯ લાખ રૂપિયા પડાવી લીધા હતા. મામલો પૂરો થયો એવું માને ત્યાં તો ફરિયાદી યુવાન મહેબૂબને વધુ એક અજાણ્યા આરોપીએ પોલીસ તરીકે ઓળખ આપી એ ડિવિઝન પોલીસમાં અરજી થઈ હોવાની ખોટી માહિતી સાથે ડરાવી વધુ ૩ લાખ પડાવી લીધા. ગત ૧૭ નવેમ્બર ૨૪ થી ૨ ફેબ્રુઆરી ૨૦૨૫ ના સમયગાળા દરમ્યાન રૂપિયા ગુમાવ્યા બાદ પોતે હની ટ્રેપનો ભોગ બન્યો છે એવી માહિતી મળતાં ફરિયાદી મહેબૂબ શબ્બીર ખાટકીએ પોલીસ સ્ટેશનના દરવાજા ખટખટાવ્યા છે.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
