News of Tuesday, 18th March 2025
જામનગરના પ્રદર્શન મેદાનમાં હંગામી એસ.ટી. બસ ડેપો કાર્યરત
જુદા જુદા નવ પ્લેટફોર્મ પરથી અલગ અલગ રૂટ પર સંચાલન શરૂ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮: જામનગરના એસ.ટી. બસ સ્ટેન્ડ કે જે જર્જરિત થઈ જતાં તેના નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું છે, અને તે સ્થળે નવા બસ ડેપોના નિર્માણ માટે રવિવારે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાઈ ગયો.
ત્યારબાદ સોમવારથી નવા અને હંગામી બસ ડેપો તરીકે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ૧૦,૦૦૦ ચોરસ મીટર જગ્યામાં હંગામી એસટી બસ સ્ટેશન નું નિર્માણ કરવામાં આવ્યું છે, અને ત્યાંથી લગભગ બે થી અઢી વર્ષ સુધી એસ.ટી દ્વારા સંચાલન કરવામાં આવશે. જેનો કાલથી વિધિવત પ્રારંભ થઈ ગયો છે, અને વહેલી સવારથી જામનગર થી અલગ અલગ રૂટ માટે ૪૫૦થી વધુ ઉપડતી એસટી બસોને રવાના કરવામાં આવી હતી.
જે માટેનો તમામ જરૂરી સ્ટાફ પ્રદર્શન મેદાનમાં ટ્રાન્સફર કરી લેવામાં આવ્યો છે. એડવાન્સ બુકિંગ, પૂછપરછ વિભાગ સહિતની અલગ અલગ વિન્ડો કાર્યરત થઈ ગઈ છે, અને તે માટે ૨૪ કલાક માટે જરૂરી સ્ટાફ ને તહેનાતમાં કરી દેવામાં આવ્યો છે.
હંગામી બસ ડેપોમાં અલગ અલગ ૯ પ્લેટફોર્મ બનાવાયા છે, અને ત્યાંથી સમગ્ર રાજ્યમાં અલગ અલગ રૂટ પર બસો મોકલવા માટેના એસ.ટી. બસના રૂટ નો પ્રારંભ થઈ ગયો છે.
આવનારા દિવસોમાં કોઈ સમસ્યાઓ સર્જાશે, તો તેને પહોંચી વળવા માટે પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. એસ.ટી. બસમાં મુસાફરી કરવા માટે આવનારા લોકો માટે હવે જુના બસ સ્ટેન્ડને બદલે પ્રદર્શન મેદાનના હંગામી બસ ડેપો પર પહોંચવા માટેનો અનુરોધ કરાયો છે.(તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
