<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

ધોરાજી નગરપાલિકા પ્રમુખે 13 દિવસમાં જ રાજીનામુ આપતા રાજકારણ ગરમાયુ : લલિત વસોયાએ કર્યા ભાજપ પર પ્રહાર

ભાજપે એક કે બે લોકોના અહમને પોષવા તેની આબરૂ અને શાખ દાબ પર લગાવી : નક્કી હતું કે સંગીતાબેનને રાજીનામું આપવાનું છે

ધોરાજીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ફરી એક વખત રાજકારણ ગરમાયું છે.  નગરપાલિકાનાં પ્રમુખ સંગીતા બારોટે ફક્ત 13 જ દિવસમાં પ્રમુખ પદ પરથી રાજીનામું ધરી દીધું છે.  સંગીતા બારોટે રાજકોટ જિલ્લા કલેકટરને પોતાનું રાજીનામું સોંપ્યું છે. અંગત પારિવારિક કારણોનાં લીધે રાજનામું આપ્યાનું હાલ જાણવા મળ્યું છે.

 

રાજીનામું આપ્યા બાદ સંગીતા બારોટે કહ્યું કે, મેં સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. કોઈનો કાઇ વાંક નથી. પક્ષ સાથે હું જોડાયેલી જ છું. નગરપાલિકાના કોઈ કામ હશે તો હું હાજર રહેવાની જ છું. મારા સામાજિક કામ અને મારી ક્ષમતાથી કામ વધુ હતું એટલે રાજીનામું આપ્યું છે. મારી શક્તિ કરતાં નગરપાલિકામાં વધુ કામ હતું એટલે રાજીનામું આપવું પડ્યું. પક્ષ અને સંઘ મારી સાથે જ છે. મને કોઈ દબાણ નથી. 

 

રાજીનામું આપતા પત્રમાં જણાવ્યું હતું કે, નગરપાલિકાની સામાન્ય ચુંટણી-2025  તા. 16/02/2025ના રોજ યોજાયેલ હતી અને તેની મત ગણતરી તા. 18/02/2025 ના રોજ યોજાયેલ, જેમાં અમો વોર્ડ નં 9 માંથી પછાતવર્ગ સ્ત્રીની બેઠક પર ચુંટાયેલ છીએ. ગત તા. 05/03/2025 ના રોજ પ્રમુખ પદ માટેની ચુંટણી યોજાયેલ, જેમાં સર્વાનુમતે અમોની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ હતી. હાલમાં અમો ધોરાજી નગરપાલિકાના પ્રમુખ પદે કાર્યરત છીએ. પરંતુ મારી કાર્યક્ષમતા કરતા નગરપાલિકાની કામગીરી ખુબજ વધારે હોય હું કામગીરીને પૂર્ણ ન્યાય આપી શકું તેમ નથી. તદ-ઉપરાંત સામાજિક અને પારિવારિક પણ જોડાયેલા રહેવાનું હોય તેવા કારણોસર હાલ અમે ધોરાજી નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું આપીએ છીએ. જેનો સ્વીકાર કરવા વિનંતી છે.

 

ધોરાજીમાં નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી. બક્ષીપંચ મહિલા પ્રમુખ પદ આવતા ભાજપે એક બે લોકોનો ઉપકાર ચૂકવવા માટે પ્રમુખ પદ તરીકે સિલેકટ કર્યા હતા. સંગીતબેનનું રાજીનામું પડશે એવું ધોરાજીની પ્રજા, ભાજપ અને સૌ માણસો પણ માનતા હતા. 8 થી 10 દિવસમાં તેમને પ્રમુખ પદ પરથી રાજીનામું આપવાનું છે. પ્રિ પ્લાનિંગ મુજબસંગીતબેનનું રાજીનામું ભાજપ દ્વારા લઈ લેવામાં આવ્યું છે. લોકોમાં અનેક ચર્ચાઓ છે. સંગીતાબેનનો વીડિયો ચૂંટણી પહેલા પણ સામે આવ્યો હતો. ત્યારે જ સંગીતા બહેનને પ્રમુખ ન બનાવવા જોઈ પણ કયા કારણો સર સંગીત બહેનને પ્રમુખ બનાવ્યા છે એ પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. પરંતુ ભાજપનો વ્યક્તિગત નિર્ણય છે.  પ્રમુખ બનાવ્યા ત્યારે એક કે બે લોકોના અહમને પોષવા ભાજપે તેની આબરૂ  અને શાખ દાબ પર લગાવી હતી. પરંતુ કોઈએ કોઈ પર કરેલ ઉપકારનો બદલો ચૂકવવા માટે સંગીતા બેનને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા અને ત્યારે જ નક્કી હતું કે, સંગીતાબેનને રાજીનામું આપવાનું છે. ચૂંટણી પંચના નિયમ મુજબ નગરપાલિકાના પ્રમુખે આ રાજીનામું નગરપાલિકા નિયામકને આપવાનું હોય છે. પરંતુ કલેકટરને રાજીનામું સુપ્રત કર્યું છે. કલેકટ આ રાજીનામું મંજૂર કરે છે કે મંજૂર થવા માટે મોકલે છે એ જોઈએ. 

નગરપાલિકાના પ્રમુખ બનતા જ સંગીતાબેન બારોટની જીભ લપસી હતી. તેમણે પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીને મુખ્યમંત્રી તરીકે સંબોધ્યા હતા. સંગીતાબેન બારોટે દેશના પીએમને મોદીને મુખ્યમંત્રી તરીકે સંબોધતા તેનો વીડિયો વાયરલ થયો હતો. જોકે પાસે ઉભેલા લોકએ ભૂલ સુધારી હતી. અગાઉ પણ સંગીતાબેન બારોટના વીડિયો ઘણી વખત વાયરલ થઇ ચૂક્યા છે. જેમાં અગાઉ ચૂંટણી સમયે સંગીતાબેન બારોટનો બીયર તેમજ હુક્કો ફૂંકતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 

(6:59 PM IST)