<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

સિંધી સમાજના કાર્યક્રમમાંથી પરત આવતી વખતે જેતપુરના યુવાનનું અકસ્‍માતમાં મોત

૩૯ વર્ષનો નરેશભાઇ માવા જુનાગઢથી જેતપુર આવતો હતો ત્‍યારે બનાવઃ મિત્રનો નજીવી ઇજા સાથે ચમત્‍કારીક બચાવ

રાજકોટ તા. ૨૪: જુનાગઢ નજીક વડાલ અને ચોકી વચ્‍ચે મોટરસાઇકલ સ્‍લીપ થઇ જતાં જેતપુરના યુવાનનું ગંભીર ઇજા થતાં મોત થયું હતું. જ્‍યારે તેના મિત્રનો નજીવી ઇજા સાથે ચમત્‍કારીક બચાવ થયો હતો. બંને મિત્રો જુનાગઢ ખાતે સિંધી સમાજના વેલકમ કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતાં. ત્‍યાંથી પરત આવતી વખતે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ જેતપુર ચાંદની ચોકમાં રહેતો નરેશભાઇ ત્રિકમદાસ માવા (ઉ.વ.૩૯) નામનો યુવાન આગામી ચેટીંચાંદનો તહેવાર આવી રહ્યો હોઇ ગઇકાલે જુનાગઢ ખાતે સિંધી સમાજ દ્વારા વેલકમ કાર્યક્રમ યોજાયો હોઇ તેમાં ભાગ લેવા માટે ત્‍યાં ગયો હતો. વળતાં તે પોતાના મિત્રના મોટરસાઇકલમાં બેસીને પરત જેતપુર આવી રહ્યો હતો ત્‍યારે વડાલ અને ચોકી ગામ વચ્‍ચેના રસ્‍તા પર વાહન સ્‍લીપ થઇ જતાં નરેશભાઇને ગંભીર ઇજા થતાં જુનાગઢ  સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ગત મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેના મિત્રનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇ, કાનાભાઇ સહિતે જેતપુર તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર નરેશભાઇ ત્રણ ભાઇમાં નાનો હતો અને કાપડની મીલમાં નોકરી કરતો હતો. યુવાન દિકારના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:34 AM IST)