તા. ૧૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૩ સોમવાર
News of Monday, 24th March 2025
વિસાવદરમાં વર્ષો પહેલા ગુજરાતી ફિલ્મ‘‘કરિયાવર''નું શૂટિંગ થયેલુ જેને લોકો આજે પણ રસપૂર્વક વાગોળે છે..!!
૧૯૭૭માં તનુજા-રાજીવ સહિતના કલાકારોનો કાફલો મહિનાઓ સુધી વિસાવદરમાં રહેલો : વિસાવદર ગામ-સિમાડાના દ્રશ્યો ઉપરાંત અનેકવિધ સ્થાનિક લોકોના અભિનય-દ્રશ્યો ફિલ્મના કેમેરે કંડારાયેલ : આજેય અણનમ ‘‘તનુજા ગ્રાઉન્ડ'' આ ફિલ્મના શૂટિંગની યાદ અપાવે છે : ‘‘કરિયાવર'' ફિલ્મ તેના કલાકારો અને વિસાવદર સાથેના જોડાણની જાણી-અજાણી રસપ્રદ વાતો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૪ : વિસાવદરમાં વર્ષો પહેલા ગુજરાતી લોકપ્રિય ફિલ્મ ‘‘કરિયાવર''નુ શૂટિંગ થયેલુ જેને લોકો આજે પણ રસપૂર્વક વાગોળે છે..! તનુજા-રાજીવ સહિતના કલાકારોના કાફલો મહિનાઓ સુધી વિસાવદરમાં શૂટિંગના હેતુસર રહ્યો હતો. વિસાવદર ગામ-સિમાડાના દ્રશ્યો ઉપરાંત અનેકવિધ સ્થાનિક લોકોના અભિનય-દ્રશ્યો ફિલ્મના કેમેરે કંડારાયેલ હતા. આજેય વિસાવદરમાં અણનમ ‘‘તનુજા ગ્રાઉન્ડ'' ની ઓળખ આ ફિલ્મના શૂટિંગની યાદ અપાવે છે. ‘‘કરિયાવર'' ફિલ્મ તેના કલાકારો અને વિસાવદર સાથેના જોડાણની જાણી-અજાણી રસપ્રદ વાતો અત્રે પ્રસ્તુત છે.
વિસાવદરમાં જેનુ શૂટિંગ થયેલ તે ગુજરાતી ચલચિત્ર ‘‘કરિયાવર''નુ રીલીઝ વર્ષ : ૧૯૭૭ છે. આ ફિલ્મમાં કલાકારો તનુજા, રાજીવ, દુલારી, દિનેશ હિંગુ, દેવયાની ઠક્કર, આરતી, શેખર પુરોહિત, મુળરાજ રાજડા, જયશ્રી પરીખ, જમુના હિંગુ, મહેન્દ્ર ઝવેરી, ઈન્દ્ર પુરોહિત, શેખ, મોહિત, અરવિંદ પટેલ, હરેન શાહ, સુમતિ થાનાવાલા, ભક્તિ પ્રિયા, મિનાક્ષી દવે, લીલા દેશપાંડે, પુષ્પા પટેલ, મિનાક્ષી યાજ્ઞિક, નરેન્દ્ર જોશી, જીતુ, જે.બી,, રતિલાલ રાણા, ધીરૂભાઈ પટેલ, કુસુમ સહિતના નામી-અનામી કલાકારોએ અભિનયના ઓજસ પાથર્યા હતા.
આ ફિલ્મના નિર્માતા : જયંત શાહ, દિગ્દર્શક : કાંતિલાલ દવે, સંગીત દિગ્દર્શક : સુરેશ કુમાર, ગીતો : ધીરજ વોરા, પાશ્વ ગાયકો : મહેન્દ્ર કપૂર, ઉષા મંગેશકર, મનુ પુરુષોત્તમ વિગેરેનો સમાવેશ થાય છે.
વિસાવદરમાં જેનુ શૂટિંગ ઉતરેલ એ લોકપ્રિય ફિલ્મ ‘‘કરિયાવર''ના ગીતો પણ ખૂબ જ કર્ણપ્રિય છે. જેમા (૧) ‘‘આંખો લૂછી લે બેની આજ ના રોવાય, દીકરીને ગાય...'' (ભાગ ૧,૨) ગાયકો - ઉષા મંગેશકર, સાથી.. (૨) ‘‘હેજીરે...મદભર રજનીરાણી...ઝૂલે જોબનીયું આજ..'' ગાયકો-મહેન્દ્ર કપૂર, ઉષા મંગેશકર,સાથી...(૩) ‘‘ભઈલા જેની બાયડી ભૂંડી...બાઈઓ જેનો ભાયડો ભૂંડો...'' ગાયકો - મહેન્દ્ર કપૂર, મીનુ પુરુષોત્તમ (૪) ‘‘પ્રીતડી બાંધતા રે બંધાય ના, બંધન જનમોજનમના ભૂલાય ના...'' ગાયકો-મહેન્દ્ર કપૂર, ઉષા મંગેશકર (૫) ‘‘સાચું સંસારે શરણું તારું... હું આરતી ઉતારું, જય જય શીતળા માં '' ગાયકો-ઉષા મંગેશકર, સાથી (૬) ‘‘સાચું સંસારે શરણું તારું હું આરતી ઉતારું...જય જય શીતળા માં '' ગાયિકા-ઉષા મંગેશકર સહિતના ગીતોનો સમાવેશ થાય છે.
ગુજરાતી ચલચિત્ર ‘‘કરિયાવર''માં મુખ્ય હિરોની ભૂમિકા જાજરમાન અભિનેતા રાજીવે ભજવી હતી. ખૂબ જ દેખાવડા,શાંત અને સૌમ્ય અભિનેતા રાજીવની સાદગી અને સાલસ સ્વભાવ સૌને સ્પર્શી જતો..રાજીવનો જન્મ ૧૯૪૫માં દિલ્હી ખાતે થયો હતો. ગુજરાતી ફિલ્મોના અભિનેતા રાજીવનું મૂળ નામ જગદીશ ગઢિયા હતું. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લીધા પછી, અભિનય-શિક્ષણ માટે પુણેની ફિલ્મ ઇન્સ્ટિટયૂટમાં પ્રવેશ લીધો. માતાપિતાની ઇચ્છાને કારણે સી.એન.ફાઇન આર્ટસ કોલેજ અમદાવાદ ખાતે ચિત્રકલાનો અભ્યાસ પણ કર્યો. કારકિર્દીનો આરંભ કેન્દ્ર સરકારના.માહિતીખાતાના ‘સાગ એન્ડ ડ્રામા' વિભાગથી કર્યો. ચાર વર્ષના વ્યાવસાયિક અનુભવ બાદ પોતાના પિતાજીના મિત્ર પૂનમચંદ શાહની હિન્દી ફિલ્મ ‘માઇ ફ્રેંડ'(૧૯૭૪)માં પ્રથમ અભિનય કર્યો. આ ફિલ્મનું સંગીત નૌશાદે આપ્યું હતું. ફિલ્મની પ્રધાન નાયિકા પ્રેમા નારાયણ હતી, પરંતુ ફિલ્મ નિષ્ફળ ગઈ...ગુજરાતી ભાષાની ફિલ્મોનો સુવર્ણયુગ શરૂ થતાં અને સામાજિક ચલચિત્રોનો પ્રવાહ શરૂ થતાં રાજીવ તે તરફ વળ્યા. સંજીવકુમાર જેવા પ્રસિદ્ધ અભિનેતાને મળતો આવતો ચહેરો હોવાને કારણે ૧૯૭૫માં બનેલી ગુજરાતી ફિલ્મ ‘તાના-રીરી'માં સંજીવકુમારના સ્થાને મહેમાન કલાકારની સફળ ભૂમિકા ભજવી. રાજીવની સંપૂર્ણ ભૂમિકા સાથેની પ્રથમ ફિલ્મ ‘મેનાં ગુર્જરી' હતી; પરંતુ તે પહેલાં તેમની ‘‘રા'માંડલિક'' ફિલ્મ રજૂ થઈ. ૧૯૭૫ આસપાસ પત્નીનું અકસ્માતમાં અવસાન થયું. આ પછી ૧૯૮૧માં શીખ યુવતી પરમજિત કૌર સાથે તેમણે પુનર્લગ્ન કર્યાં હતા.
અભિનયના બેતાજ બાદશાહ રાજીવનુમાત્ર ૪૮ વર્ષની વયે મગજના રક્તસ્રવને કારણે ૨૮ ડિસેમ્બર ૧૯૯૩ના રોજ મુંબઈ ખાતે અવસાન થયુ અને ગુજરાતી ચલચિત્રનો તેજસ્વી તારલો અકાળે અસ્ત થઈ જતા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એ વખતે સન્નાટો છવાઇ ગયો હતો. વિસાવદરમાં સને-૧૯૭૭માં જેનુ શૂટિંગ ઉતરેલ તે ગુજરાતી ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીની ભૂમિકામાં એ જમાનાની જાજરમાન અભિનેત્રી તનુજાએ અભિનયના ઓજસ પાથર્યા હતા. ‘‘કરિયાવર''ના શૂટિંગ દરમિયાન તનુજાએ મહિનાઓ સુધી વિસાવદરમા રોકાણ કર્યુ હતુ..એ સમયથી પ્રચલિત ‘‘તનુજા ગ્રાઉન્ડ'' આજે પણ વિસાવદરમાં ઓળખ ધરાવે છે.
તનુજાએ ૧૯૭૩માં ફિલ્મ નિર્માતા શોમુ મુખર્જી સાથે લગ્ન કર્યા. આ દંપતીને બે પુત્રીઓ છે, અભિનેત્રી કાજોલ અને તનિષા . કાજોલે અભિનેતા અજય દેવગન સાથે લગ્ન કર્યા છે. શોમુનું ૧૦ એપ્રિલ ૨૦૦૮ના રોજ ૬૪ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. ફિલ્મ નિર્માતાઓ જોય , દેબ અને રામ તેના સાળા છે. તે અભિનેતા મોહનીશ બહલ , રાની અને શરબાની અને દિગ્દર્શક અયાન મુખર્જીની કાકી છે.
વિસાવદરમાં લગભગ સને-૧૯૭૭માં જેનુ શૂટિંગ ઉતરેલ તે ગુજરાતી ફિલ્મ ‘‘કરિયાવર''ના શૂટિંગ વખતે વર્તમાન સમયની સરખામણીમાં આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ ન હોવાના પરિણામે વાસ્તવિક જીવંત દ્રશ્યોનો વિશેષ સમાવેશ થતો હતો. જૂનવાણી મકાનો, બળદગાડાઓ, ગ્રામ્ય વિસ્તાર, કુવાઓ, સીમ-ખેતર-વાડી સહિત અનેકવિધ દ્રશ્યોથી ભરપૂર સૌએ માણવા જેવી પારાવારિક ફિલ્મ બનાવી હતી. એ વાત પણ પ્રચલિત છે કે, વિસાવદરના માજી ધારાસભ્ય ધીરૂભાઈ પટેલના બનેવી જી.જી.પટેલે ‘‘કરિયાવર'' ફિલ્મના શૂટિંગ માટે વિસાવદર પર પસંદગી ઉતારી હતી. ધીરૂભાઈ પટેલ, શંભુભાઈ માળવીયા, રતિલાલ રાણા સહિત અનેકવિધ વિસાવદરવાસીઓએ આ ફિલ્મમાં ભૂમિકા નિભાવી હતી.
તનુજાનુ રોકાણ મોટાભાગે ધીરૂભાઈ પટેલના નિવાસસ્થાને રહ્યુ હતુ. હરિભાઈ રિબડીયાના નિવાસસ્થાને પણ દ્રશ્યો કેમેરે કંડારાયા હતા. આ ઉપરાંતની અનેક જાણી-અજાણી વાતો; આજે પણ ‘‘કરિયાવર'' ફિલ્મના શૂટિંગ વિશેની વાતો વિસાવદરવાસીઓ રસપૂર્વક વાગોળે છે..!!
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
