<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

વિસાવદર વિધાનસભાની પેટા ચુંટણીમાં ગોપાલ ઈટાલિયાના નામની જાહેરાતના પગલે કોંગ્રેસ-ભાજપ-આપ વચ્‍ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે કે, કોંગ્રેસ-આપ વચ્‍ચે સમજૂતી સધાશે..? ચારેકોર ચર્ચાઃ અવનવા તર્કવિતર્ક

 

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૨૪: વિસાવદર વિધાનસભાની બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાની સત્તાવાર જાહેરાત કરાતા સમગ્ર મતક્ષેત્રમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ બેઠક પર વર્ષોથી લેઉવા પાટીદારોનો પ્રભાવ છે.

વિસાવદરના પૂર્વ ધારાસભ્‍ય ભૂપતભાઈ ભાયાણીના રાજીનામા બાદ વિધાનસભાની ખાલી પડેલી વિસાવદર બેઠક પર પેટા ચુંટણી યોજાવાની સંભાવના છે. જેને લઈને આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર લેઉવા પાટીદાર એવા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્‍યા છે. મહત્ત્વપૂર્ણ છે કે, ચૂંટણી પંચે હજુ સુધી ચૂંટણી માટે તારીખ જાહેર કરી નથી પણ તે પહેલાં જ આમ આદમી પાર્ટીએ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ૧૯૯૫થી લઈ ૨૦૨૨ સુધી આ બેઠક પરથી લેઉવા પાટીદાર ઉમેદવાર જ જીતતા આવ્‍યા છે. આ સીટ પરથી જ જીતીને કેશુભાઈ પટેલ ૧૯૯૫માં પહેલીવાર મુખ્‍યમંત્રી બન્‍યા હતા.

ગોપાલ ઈટાલિયાને અત્‍યારથી જ સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરવા સબંધે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ જણાવ્‍યું છે કે, વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ‘આપ' ના નેશનલ જોઈન્‍ટ સેક્રેટરી ગોપાલભાઈ ઈટાલીયા ઉપર પસંદગી ઉતારી છે. વ્‍યવસાયે એડવોકેટ એવા ગોપાલભાઈ ઈટાલીયા ખેડૂતોના હિત માટે તેમજ ગુજરાતની  કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતિ સુધારવા તેમજ સિસ્‍ટમમાં સુધારવા ઘણાં વર્ષોથી સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે. ગરીબ અને મધ્‍યમ વર્ગના નાનામાં નાના માણસો પ્રત્‍યે ગોપાલભાઈ ઈટાલીયાને ખુબ પ્રેમ છે. ખેડૂતોના પ્રશ્ને ગોપાલ ઈટાલિયા હંમેશા સક્રિય રહ્યાં છે. ‘આપ'ના પ્રદેશ મંત્રી મનોજભાઈ સોરઠીયાએ વધુમાં જણાવ્‍યું હતું કે, ગોપાલભાઈ ઈટાલીયાનું ગુજરાત વિધાનસભામાં આવવાથી ખેડૂતો અને ગરીબ તેમજ મધ્‍યમ વર્ગનો અવાજ બનશે. વિધાનસભામાં ગુંજશે તેવી આશા સમગ્ર ગુજરાતને છે. ગોપાલભાઈ ઈટાલીયા રેકોર્ડ બ્રેક બહુમતીથી વિજેતા બનશે તેવી આમ આદમી પાર્ટીને આશા છે તેમ મનોજભાઈ સોરઠીયાએ વધુમાં જણાવ્‍યુ હતુ.

૨૦૨૨માં કતારગામ સીટ પરથી ઇટાલિયાની થઈ હતી હારઃ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં સુરત શહેરની કતારગામ બેઠક ગોપાલ ઇટાલિયાનો ભાજપના વિનુભાઈ મોરડિયા સામે હાર થઈ હતી. આ ચૂંટણીમાં મોરડિયાને ૧૨૦૪૩૨ મત મળ્‍યાં હતા. જ્‍યારે ગોપાલ ઇટાલિયાને ૫૫૭૧૩ મત મળ્‍યાં હતા. આમ ૬૪૬૨૯ મતથી ઇટાલિયા હારી ગયા હતા.

વિસાવદર બેઠક ખાલી થયાને સવા વર્ષ છતાં કેમ યોજાઈ નથી પેટાચૂંટણી?  વર્ષ ૨૦૨૨માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભુપતભાઈ ભાયાણી વિજયી થયા હતા. હાઇકોર્ટમાં વિસાવદર બેઠક પરથી હારેલા ઉમેદવારએ જીતેલા ઉમેદવારની જીતને પડકારી હતી. જેની ઇલેક્‍શન પિટિશન પેન્‍ડિગ હોવાથી વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાતી નથી. ત્‍યારે કુલ ત્રણ અરજી હરેશભાઈ ડોબરિયા, મોહિતભાઈ માલવિયા અને હર્ષદભાઈ રીબડીયા દ્વારા કરવામાં આવી હતી. જેમાંથી પહેલાં મોહિત માલવિયા દ્વારા અરજી પરત ખેંચવામાં આવી હતી. બાદમાં હર્ષદભાઈ રીબડીયાએ પણ અરજી પરત ખેંચી હતી. જોકે, હરેશભાઈ ડોબરિયાએ હજી સુધી અરજી પરત ખેંચી ન હોવાથી પેટાચૂંટણીનો માર્ગ મોકળો થયો નથી. વિસાવદરમાં પેટા ચૂંટણી યોજવા માટે વર્ષ૨૦૨૪માં હાઇકોર્ટમાં થયેલી એક જાહેર હિતની અરજીમાં ઇલેક્‍શન કમિશન વતી ઉપસ્‍થિત થયેલા વકીલે જણાવ્‍યું હતું કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદા મુજબ ઇલેક્‍શન પિટિશન પેન્‍ડિંગ હોય તો તેનો નિકાલ ના થયા ત્‍યાં સુધી પેટા ચૂંટણી યોજી શકાય નહીં. કોર્ટે કહ્યું હતું કે, ઇલેક્‍શન પિટિશન પરત ખેંચાય તો આગળ કાર્યવાહી થાય. પેટા ચૂંટણી નહીં યોજાવા પાછળ ઇલેક્‍શન કમિશન જવાબદાર નથી. આ એક ન્‍યાયિક પ્રક્રિયા છે.

 અમરેલીની પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્‍યાય અપાવી ન શકતા ગોપાલ ઈટાલિયાએ જાતે જ પટ્ટા માર્યા હતા, ત્રણ મહિના પહેલા અમરેલીના લેટરકાંડમાં પાયલ ગોટીની ધરપકડ કરાયા બાદ પોલીસે રિકન્‍સ્‍ટ્રક્‍શનના નામે રસ્‍તા પર ફેરવતાં રાજ્‍યભરમાં ચર્ચા જાગી હતી. જામીન મળ્‍યા બાદ યુવતીએ પોલીસ પર માર માર્યાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ સુરતમાં જાહેરમાં પોતાના શરીર પર પટા મારી માફી માગી હતી.

કોણ છે ગોપાલ ઈટાલિયા..?  પાટીદાર યુવાન ગોપાલ ઈટાલિયાએ પહેલી નોકરી પોલીસ-કોન્‍સ્‍ટેબલ તરીકે કરી હતી. અમદાવાદના માધુપુરામાં પોસ્‍ટિંગ મળ્‍યા પછી રેવન્‍યુની એક્‍ઝામ પાસ કરી અમદાવાદ કલેક્‍ટર ઓફિસમાં ક્‍લાર્ક બન્‍યા. ત્‍યાંથી ઈટાલિયાની બદલી ધંધૂકા સબ રજિસ્‍ટ્રાર કચેરીમાં રેવન્‍યુ ક્‍લાર્ક તરીકે થઈ. આ તેની છેલ્લી નોકરી. એનું કારણ એક જ હતું કે તેમણે આક્રમક વિચારોને અમલમાં મૂકવાનું શરૂ કર્યું. ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી આવી રહી હતી ત્‍યારે ઈટાલિયા ગાંધીનગર સચિવાલય પહોંચી ગયા. તક જોઈને તત્‍કાલીન ગળહમંત્રી પર ચંપલનો ઘા કર્યો. ચંપલ વાગ્‍યું નહીં, પણ ઈટાલિયા સામે આ હરકત કરવા બદલ કાર્યવાહી થઈ. આ જ વર્ષમાં ગોપાલ ઈટાલિયાએ નીતિનભાઈ પટેલને ફોન કર્યો અને રાજ્‍યમાં પ્રોહિબિશનના કાયદાના નબળા અમલીકરણ માટે ઉગ્ર ભાષામાં વાત કરી. આ ઓડિયો આખા ગુજરાતમાં વાઇરલ થયો અને ગોપાલ ઈટાલિયાનું નામ ચર્ચામાં આવી ગયું. જોકે આના કારણે ગોપાલ ઈટાલિયા સામે કાર્યવાહી પણ થઈ હતી.

વિસાવદર બેઠક પર ૨૦૨૨માં ભૂપતભાઈ ભાયાણીની જીત થઈ. ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ રિબડિયા અને ‘આપ'ના ભૂપતભાઈ ભાયાણી વચ્‍ચે જામેલા ચૂંટણી જંગમાં ભૂપતભાઈ ભાયાણી વિજેતા બની ધારાસભ્‍ય બન્‍યા હતા. જો કે ડિસેમ્‍બર, ૨૦૨૩માં તેમણે રાજીનામુ ધરી દેતા ફરી વિસાવદર બેઠક ખાલી પડી હતી. ધારાસભ્‍ય પદેથી રાજીનામું આપ્‍યા બાદ ભાયાણી ભાજપમાં જોડાઈ ગયા હતા.

વિસાવદર બેઠક પર ૫૦ ટકા લેઉવા પટેલ મતદારોનો સમાવેશ, વિસાવદર વિધાનસભા બેઠક પર પાટીદાર ધારાસભ્‍ય ચૂંટાઈને આવી રહ્યા છે. અહીંયાના મતદારોની વાત કરવામાં આવે તો કુલ ૨.૭૦ લાખથી વધુ મતદારોનો સમાવેશ થાય છે અને તેમાં ૫૦ ટકા લેઉવા પટેલ મતદારોનો સમાવેશ થાય છે. વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાનાં ૧૭૦થી વધુ ગામોનો આ મત વિસ્‍તારમાં સમાવેશ થાય છે. છેલ્લા એક દાયકામાં એટલે કે ૨૦૧૪થી ૨૦૨૪ સુધીના સમયમાં કેશુભાઈ પટેલ, હર્ષદભાઈ રિબડિયા અને ભૂપતભાઈ ભાયાણી એમ કુલ ૩ ધારાસભ્‍યોએ ચાલુ ટર્મ દરમિયાન રાજીનામું આપ્‍યું હોવાની ઘટના બનવા પામી છે.

વિસાવદર બેઠક પર ૧૯૯૫થી કોણ કયારે જીત્‍યું..? ૧૯૯૫ સ્‍વ. કેશુભાઈ પટેલ (ભાજપ), ૧૯૯૮ સ્‍વ. કેશુભાઈ પટેલ (ભાજપ), ૨૦૦૨ કનુભાઈ ભાલાળા (ભાજપ), ૨૦૦૭ કનુભાઈ ભાલાળા (ભાજપ), ૨૦૧૨ સ્‍વ. કેશુભાઈ પટેલ (જીપીપી), ૨૦૧૪ હર્ષદભાઈ રિબડિયા (કોંગ્રેસ), ૨૦૧૭ હર્ષદભાઈ રિબડિયા (કોંગ્રેસ), ૨૦૨૨ ભૂપતભાઈ ભાયાણી (આમ આદમી પાર્ટી)નો સમાવેશ થાય છે.

(1:46 PM IST)