<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

ઢોરને લઈ કોર્પોરેશને કડક કામગીરી કરતા માલધારી સમાજે રેલી યોજી

ઘાસનો જથ્થો ઘુસાડનારાઓ ઉપર આજે ફરી તવાઇઃભાજપા કાર્યાલય ખાતે શહેર ભાજપા પ્રમુખને આ અંગે રજૂઆત કરી હતી

જામનગર,તા.૨૪

જામનગર શહેરમાં રખડતા ઢોર મુદ્દે જામનગર મ્યુ.કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરાઈ રહી છે અને ઘાસચારો જપ્ત કરવામાં આવી રહ્યો છે.

આ અંગે માલધારીઓ દ્વારા આજે રેલી યોજી હતી અને શહેર ભાજપા કાર્યાલય ખાતે શહેર ભાજપા પ્રમુખને આ અંગે રજૂઆત કરી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર મુદે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જામનગર શહેરમાં ગેરકાયદે રીતે ઘાસચારાનું વેચાણ કરવામાં આવે છે, અને વહેલી સવારે શહેરના કેટલાક વિસ્તારોને જાહેરમાં ઢોરવાડો બનાવી દેવામાં આવે છે. તેમાંથી નગરજનોને મુક્તિ મળે તે માટેની જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા છેલ્લા એકાદ સપ્તાહથી કવાયત કરવામાં આવી છે. ઉપરાંત અદાલતના હુકમનું પાલન કરવા માટે શહેરને રસ્તે રઝળતા ઢોરથી મુક્ત કરવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવાઇ રહી છે, ત્યારે શહેરમાં ઘાસનો જથ્થો ઘુસાડનારાઓ ઉપર આજે ફરી તવાઈ બોલાવવામાં આવી હતી.

ત્યારે આજે માલધારીઓ દ્વારા આજરોજ વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો. માલધારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ રેલી યોજી હતી અને શહેર ભાજપા કાર્યાલય ખાતે પહોંચ્યા હતાં. શહેર ભાજપા પ્રમુખ બિનાબેન કોઠારીને પશુધનના ચારાને જપ્ત ન કરવા રજૂઆત કરી હતી. મોટી સંખ્યામાં લોકો એકઠા થતા પોલીસ પણ દોડી ગઇ હતી.

(9:31 PM IST)