News of Tuesday, 25th March 2025
એપ્રિલનાં મધ્યમાં કેસર કેરી બજારમાં ધુમ મચાવશે : પુષ્કળ પાક : ભાવ સસ્તો રહેશે
મે મહિનામાં પુષ્કળ પાક ઠલવાશે

રાજકોટ, તા.૨૫: આ વર્ષે પણ વાતાવરણમાં પરિવર્તનને કારણે કેસર કેરીના પાક પર અસર પડી છે છતાં કેરીના શોખીનોએ ચિંતા કરવાની જરૂર નથી. આ સિઝનમાં ખેડૂતો સરેરાશ પાક નોંધાવી રહયા છે, એપ્રિલના મધ્ય સુધીમાં ફળ બજારમાં આવવાની અપેક્ષા છે અને મે સુધીમાં પુષ્કળ પુરવઠો મળવાની અપેક્ષા છે, જેના કારણે ભાવમાં ઘટાડો થશે.
કેસર કેરી હાલમાં ૧૦ કિલોના બોક્સ દીઠ ૩,૦૦૦ થી ૪,૦૦૦ રૂપિયા સુધીના જથ્થાબંધ ભાવે ઉપલબ્ધ છે. ખેડૂતો એપ્રિલના મધ્ય સુધીમાં સૌરાષ્ટ્રની કેસર કેરીના સંપૂર્ણ આગમનની અપેક્ષા રાખે છે.
ડિસેમ્બર-જાન્યુઆરીમાં ફૂલોનો સમય આશાસ્પદ રહયો હતો, પરંતુ તાપમાનમાં ફેરફાર અને રોગોએ પાકને અસર કરી. ૨૦૦ કેરી ઉગાડનારાઓનું પ્રતિનિધિત્વ કરતી ખેડૂત ઉત્પાદક સંસ્થા (FPO) ના ડિરેક્ટર તુષાર ધમેલિયાએ જણાવ્યું હતું કે, ‘‘નવેમ્બરથી જાન્યુઆરીમાં આવતા પહેલાના ફૂલો ફળ આપી શકતા ન હતા. જોકે, જાન્યુઆરી પછી ખીલેલા ફૂલો ફળમાં ફેરવાઈ ગયા અને અમને સરેરાશ પાક આપશે. અમે ૮૦ ગામડાઓની મુલાકાત લીધી અને જોયું કે કેટલાક ખેતરોમાં મોટા પાયે પાક થયો હતો, જ્યારે કેટલાક ઝાડ પર ફળ નહોતા.'' તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ જણાવે છે.
ખેડૂતો મે મહિનામાં પુરવઠો નોંધપાત્ર રહેવાની અપેક્ષા રાખે છે, ૧૫ મે થી ૫ જૂન દરમિયાન કેસર કેરીના ભાવમાં ઘટાડો થવાનો અંદાજ છે. ‘‘આ વર્ષે પાક ગયા વર્ષ કરતા ઓછો છે, પરંતુ અમારું માનવું છે કે એકંદરે મોસમ સારી રહેશે,'' જામવાલા ગીર વિસ્તારના કેરી ઉત્પાદક દેનીશ વેકરિયાએ જણાવ્યું.
પરંપરાગત કેરી ઉગાડતા પ્રદેશો જેમ કે તલાલા અને જૂનાગઢના કેટલાક ભાગોમાં વૃદ્ધ વૃક્ષો અને રોગોને કારણે ઓછી ઉપજ જોવા મળી રહી છે. છેલ્લા ૧૦-૧૫ વર્ષમાં ઉના, ગીર ગઢડા, મેંદરડા, ધારી અને સાવરકુંડલા જેવા સ્થળોએ ઉગાડવામાં આવેલા નાના બગીચાઓ આશાસ્પદ ઉપજ આપી રહયા છે.
ગીર ગઢડાના ખેડૂત જયેશ હિરપરાએ જણાવ્યું હતું કે, ‘‘આ વર્ષે પાકને સરેરાશ કરતા ત્રણ ગણું વધારે નુકસાન થયું છે. ઝાડ પરથી ખરી પડેલી કાચી કેરીનું પ્રમાણ પ્રતિ પાંચ વિઘા જમીન પર ૧૫ કિલો નોંધાયું છે. આ સંખ્યા પહેલા ૫ કિલો હતી.‘‘ આ કાચી કેરીનો ઉપયોગ સામાન્ય રીતે અથાણા બનાવવામાં થાય છે.''
સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે, જેમાં ચાર જિલ્લાઓ - ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર - મુખ્ય ઉત્પાદન કેન્દ્રો છે. ગયા વર્ષે કેરીનું વાવેતર ૪૨,૦૦૦ હેક્ટરમાં થયું હતું, જેમાં આશરે ૨.૮૨ લાખ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું હતું.(૨૩.૧૧)
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
