<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

જામનગર શહેરમાં કેટલ પોલીસી ને લઈને માલધારી સમાજ ના ઉપસ્થિત થયેલા પ્રશ્ન નું નિરાકરણ લાવતા શહેર ભાજપ પ્રમુખ : મોટી સંખ્યામાં શહેર ભાજપ કાર્યાલય પર રજૂઆત કરવા ગયેલા માલધારી સમાજ ને ઘાસચારા ના પ્રશ્ને શહેર પ્રમુખ દ્વારા હૈયા ધારણાં અપાઈ

માલધારી સમાજ દ્વારા રસ્તે રઝળતી ગાયો ને પકડવામાં કોઈ વિરોધ નહીં: માત્ર ભેંસો ને ઘાસ ચારો મળી રહે તેવી વ્યવસ્થા કરવા રજુઆત : બીનાબેન કોઠારી દ્વારા સ્થળ પરથી જ મહાનગરપાલિકાના તંત્ર સાથે ટેલિફોનિક વાતચીત કરી

 (મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૫  : જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં કેટલ પોલીસીનો કડક હાથે અમલ કરાવાઈ રહ્યો છે, અને શહેરમાં ઘાસચારાનું વેચાણ બંધ કરાવ્યું છે, સાથોસાથ ઘાસ ના વિક્રેતાઓનો ઘાસનો જથ્થો દિન પ્રતિ દિન જપ્ત કરી લેવામાં આવે છે, જેને લઈને શહેરી વિસ્તારમાં માલધારીઓના ઘાસચારાના પ્રશ્ને ભારે તંગી સર્જાઈ છે, અને પશુઓને ઘાસચારો મળતો નથી, તેને લઈને ગઈકાલે માલધારી સમાજ દ્વારા રેલી યોજીને શહેર ભાજપ કાર્યાલય પર પહોંચી શહેર ભાજપ પ્રમુખ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, જે મુદ્દે શહેર ભાજપ પ્રમુખ દ્વારા સમાધાન કારી વલણ અપનાવાયું છે, અને સરકારની કેટલ પોલિસી જળવાઈ રહે, તેમજ માલધારીઓનો ઘાસચારાનો પ્રશ્ન પણ ઉકેલાઈ જાય તેવો વચલો રસ્તો કાઢીને  માલધારી સમાજને પણ પૂરો ન્યાય મળી રહે, તેવી હૈયા ધારણા આપી છે.

જામનગરના શહેરી વિસ્તારમાં પશુઓને દૂર કરવા માટેના અદાલતના આદેશ બાદ મહાનગરપાલિકા દ્વારા માલધારી સમાજને એક સપ્તાહનું અલ્ટીમેટમ અપાયું હતું, જેની સમય મર્યાદા ગઈકાલે પૂર્ણ થઈ હતી, ઉપરાંત જામનગરના શહેરી વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ઘાસચારાનું વેચાણ મહાનગરપાલિકા દ્વારા બંધ કરાવાયું છે, અને ઘાસનો જથ્થો જપ્ત કરી લેવામાં આવે છે. જેને લઈને શહેરના માલધારીઓ માટે પોતાના પશુઓને ઘાસચારો આપવાનું સદંતર બંધ થયું છે.

 જેમાં ખાસ કરીને શહેરી વિસ્તારમાં માલધારીઓની ભેંસને પાંચ દિવસથી કોઈપણ પ્રકારનો ચારો મળી શક્યો નથી, તે મુદ્દે માલધારી સમાજ દ્વારા ગઈકાલે વિશાળ રેલી યોજીને શહેર ભાજપના કાર્યાલય પર પહોંચી રજૂઆત કરવામાં આવી હતી.

 જેઓને શહેર ભાજપ કાર્યાલય પર શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી દ્વારા તાકીદની બેઠક યોજાઈને તમામ માલધારી આગેવાનોને સાંભળવામાં આવ્યા હતા.

 માલધારી સમાજ દ્વારા પોતાના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવાયા અનુસાર માલધારી સમાજ કે જેઓ રસ્તે રઝળતી ગાયોને પકડવા માટેનો પ્રશ્ન છે, તેમાં તેઓ પૂરતો સહકાર આપવાની ખાતરી આપી રહ્યા છે, અને રસ્તે રઝળતી ગાયને મહાનગરપાલિકાની ટીમ પકડી લેશે તો તેમાં પોતાને કોઈ વાંધો નથી, અને તેમાં તેઓ મદદ કરવા માટે પણ તૈયાર છે, તેવી રજૂઆત શહેર પ્રમુખ સમક્ષ કરવામાં આવી હતી.

 પરંતુ છેલ્લા પાંચ દિવસથી માલધારી સમાજની ભેંસો કે જે ક્યાંય રસ્તે રઝળતી જોવા મળતી નથી, અને તમામ ભેંસો ને માલધારી સમાજ દ્વારા પોતાના રહેણાક વિસ્તારમાં અથવા તો પોતાના દ્વારા નિર્મિત પશીઓના વાડા સહિતના અન્ય સ્થળો પર બાંધવામાં આવે છે, અને તેઓને માટે જે સ્થળે ઘાસનું વેચાણ કરવામાં આવે છે, અને ત્યાંથી ભેંસોને પહોંચાડવામાં આવે છે. જે સ્થળ ઘાસ ના વેચાણ માટે કોઈ નળતરરૂપ નથી અને સરકારની કેટલ પોલિસી પણ જળવાઈ રહે તેવા પ્રશ્ન સાથે રજૂઆત કરવામાં આવી હતી.

 મનપા ના તંત્ર દ્વારા આવા સ્થળો પર થી ઘાસ નો જથ્થો જપ્ત કરી લેવામાં આવે છે, અથવા તો ચાર દિવસથી ભેંસોને ઘાસચારો મળ્યો નથી, જે ઘાસ મળતું રહે, તેવી માલધારી સમાજ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

 જે પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે અને મહાનગરપાલિકાની કેટલ પોલિસી જળવાઈ રહે, ઉપરાંત માલધારીઓનો પ્રશ્ન પણ ઉકેલાઈ જાય તે માટેનું સમાધાન કારી વલણ અપનાવ્યું હતું.

 શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી દ્વારા સ્થળ પરથી જ મહાનગરપાલિકાના તંત્ર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, અને માલધારીઓનો ભેંસો માટેના ઘાસચારા નો પ્રશ્ન ઉકેલાઈ જાય, તેવી રજૂઆત કરી હતી. અને માલધારી સમાજને પણ આ મુદ્દે તંત્ર દ્વારા પૂરતો સહકાર મળી રહે, તેવી હૈયાધારણાં આપીને સમાધાન કરી વલણ અપનાવાયું હતું, જેથી માલધારી સમાજ સંતુષ્ટ થયો હતો. 

 

*શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાયેલા રહે તે માટે સીટી એ. ડિવિઝનના પી.આઈ. ની અપીલ*

 

 જામનગરના માલધારી સમાજ દ્વારા શહેરમાં રેલી યોજીને શહેર ભાજપના કાર્યાલય પર પોતાના પ્રશ્નની રજૂઆત કરવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા, તે સમયે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે, તે માટે સિટી એ. ડિવિઝનના પી.આઇ. એન. એ. ચાવડા પોતાના પોલીસ કાફલા સાથે માલધારી સમાજની રજૂઆત સમયે હાજર રહ્યા હતા, અને કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાયેલી રહે, તેની પૂરી તકેદારી રાખી હતી.

આ ઉપરાંત તેઓએ પણ માલધારી સમાજને કેટલ પોલિસી ની અમલવારીમાં સહકાર આપવા, અને કોઈપણ પ્રકારનો કાયદો હાથમાં નહીં લેવા કડક સૂચન કર્યું હતું.

(10:55 AM IST)