News of Tuesday, 25th March 2025
રાજકોટના ૩ યુવકે ગિરનાર રોપ-વે કેબિનનો ૪.૪૫ લાખનો કાચ તોડી નાખતા ફરિયાદ
સફર દરમિયાન મસ્તીએ ચડી નુકસાન કર્યું, ૨૦,૦૦૦ ડિપોઝિટ પેટે આપી બાકીના પૈસા આપવાનો ઇનકાર કર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૫:.. રાજકોટના ૩ યુવકે મસ્તીએ ચડી ગિરનાર રોપ-વે કેબિનનો ૪.૪૫ લાખનો કાચ તોડી નાખતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ગઈ તારીખ ૧૫ માર્ચના રોજ રાજકોટના વાડોદરિયા પાર્થ કાંતિલાલ, પડારીયા દિશાંત મહેશ અને પાંભર ધ્રુવિન બિપિન નામના પ્રવાસી ગિરનાર રોપ-વેની સફર માણવા આવ્યા હતા. આ દરમિયાન રોપ-વેની કેબીન નંબર ૨૪ માં ગિરનાર ઉપર જતા હતા ત્યારે રસ્તામાં એકબીજા મસ્તીએ ચડી કેબીનની બારીનો કાચ તોડી નાખ્યો હતો. આ અંગેની જાણ થતા ઉષા બ્રેકો કંપનીના રેસીડેન્ટ મેનેજર કુલબીરસિંગ કુલવંતસિંગ બેદી દોડી ગયા હતા.
ત્રણેય પ્રવાસીએ જે કંઈ ખર્ચ થશે તે આપવાની ખાતરી આપી ડિપોઝિટ પેટે રૂપિયા ૨૦,૦૦૦ આપ્યા હતા. દરમિયાન કાચનો કુલ ખર્ચ રૂપિયા ૪,૪૫,૪૩૧ થતો હોવાનું જણાવતા ત્રણેય યુવકે એટલા રૂપિયા અમે નહીં આપીએ તમારા ફરિયાદ કરવી હોય તો કરી નાખો તેમ કહી હાથ ઊંચા કરી દીધા હતા. આ અંગે રેસીડેન્ટ મેનેજર કુલબીરસિંગ બેદીએ ફરિયાદ કરતા ભવનાથ પોલીસે ગુના નોંધી વધુ તપાસ કોન્સ્ટેબલ પી. બી. અખેડે તપાસ હાથ ધરી હતી
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
