News of Wednesday, 26th March 2025
પંદર વર્ષની બાળાની છેડતી કર્યાની શંકાએ રાજીવને ટીંગાટોળી કરી ઉઠાવી રાંઢવાથી બાંધી બેફામ ધોલાઇ
જુનાગઢ લીરબાઇ પરાનો બનાવઃ વીસ વર્ષના યુવાનને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો

રાજકોટ તા. ૨૬: જુનાગઢમાં રહેતાં વીસ વર્ષના યુવાને પડોશમાં રહેતી પંદર વર્ષની બાળાની છેડતી કર્યાની શંકાએ બાળાના સગાએ આ યુવાન ઘર બહાર રેંકડીમાં સુતો હોઇ અચાનક જ આવી ધોલધપાટ કરી હતી અને બાદમાં ટીંગાટોળી કરી ઉઠાવીને નજીકની શેરીમાં લઇ જઇ રાંઢવાથી હાથ બાંધી ધોકા-થી બેફામ માર મારતાં ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ જુનાગઢ પોલીસ હેડક્વાર્ટર પાછળ લીલબાઇ પરા રામ ચોકમાં રહેતો રાજીવ હરસુખભાઇ સોલંકી (ઉ.વ.૨૦) પરમ દિવસે રાતે ઘર પાસે શેરીમાં રેંકડીમાં સુતો હતો ત્યારે અચાનક જ પડોશમાં રહેતાં શખ્સો આવ્યા હતાં અને ધોકાવાળી કરી હતી. બાદમાં તેને ટીંગાટોળી કરી નજીકની શેરીમાં લઇ ગયા અને ફરીથી ધોકાથી ફટકાર્યો હતો. સવાર સુધી આ રીતે તેને મારકુટ કરવામાં આવી હતી. બાદમાં તેના મોટાબાપુ આવી જતાં તેને બચાવી જુનાગઢ હોસ્પિટલમાં ખસેડયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
રાજીવે જણાવ્યું હતું કે પોતે પ્લાસ્ટીક ભંગારનો ધંધો કરે છે. પોતે રાતે સુતો હતો ત્યારે પડોશમાં રહેતાં શખ્સોએ હુમલો કર્યો હતો અને ટીંગાટોળી કરી ઉઠાવી જઇ હાથ રાંઢવાથી બાંધી દઇ બેફામ ધોકા ફટકાર્યા હતાં. પડોશીની છોકરીની પોતે છેડતી કરી છે તેવો આરોપી મુકી માર મારવામાં આવ્યો હતો. તેમજ પોતાની પાસેથી રોકડા અને મોબાઇલ પણ પડાવી લેવાયા હોવાનો આક્ષેપ તેણે કર્યો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ જુનાગઢ સી-ડિવીઝન પોલીસને જાણ કરતાં તપાસ શરૂ થઇ છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
