<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

મોરબીની ત્રાજપર ચોકડી પાસે હાઈવે ઉપર ટેન્‍કર પલ્‍ટી મારતા કેમિકલની રેલમછેલ

ટેન્‍કરમાંથી ઢોળાયેલા એસિડની તીવ્ર દુર્ગંધ ફેલાઈઃ ૮૫ પરિવારો સગા-સબંધીઓને ત્‍યાં ચાલ્‍યા ગયાઃ અનેક વિભાગના અધિકારીઓ ઘટના સ્‍થળે દોડી આવ્‍યા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.,૨૬ : મોરબીમાં ત્રાજપર ચોકડી નજીક ગુરૂકળપા હોટેલ પાસે નેશનલ હાઇવે ઉપર રાત્રીના સમયે એક કેમિકલ ભરેલું ટેન્‍કર પલ્‍ટી મારતા સર્વિસ રોડ ઉપર કેમિકલની રેલમછેલ થઈ હતી. આ કેમિકલની તીવ્ર દુર્ગંધ ફેલાતા મહારાણા પ્રતાપ સોસાયટી અને સિદ્ધાર્થ સોસાયટીમાંથી ૮૫ જેટલા પરિવારો પોતાના સગા-સંબંધીઓને ત્‍યાં ચાલ્‍યા ગયા હોવાનું જાણવા મળ્‍યું છે.

અકસ્‍માતની જાણ થતાં જ ઈન્‍ડસ્‍ટ્રીયલ સેફટી ડિપાર્ટમેન્‍ટ, ડે. મ્‍યુનિસિપલ કમિશ્રર કુલદીપસિંહ વાળા, ફાયર બ્રિગેડ, નેશનલ હાઇવે ઓથોરિટી, પોલીસ સહિતનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી આવ્‍યો હતો. ત્રણ ફાયર ફાયટર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્‍યો હતો.

બાદમાં અકસ્‍માતગ્રસ્‍ત ટેન્‍કરને સંતકળપા ક્રેઈનની મદદથી ઉભું કરી પાણીનો મારો ચલાવી હાઈવેને પણ થોડીવાર માટે બંધ કરાયો હતો.

સાથે જ રોડ ઉપર ઢોળાયેલા એસિડ ઉપર ધૂળ અને રેતી નાખી કેમિકલની અસરને ખાળવા પ્રયાસ કરાયો હતો. નોંધનીય છે કે, અકસ્‍માતની આ ઘટના બાદ ડે. કમિશ્રર કુલદીપસિંહ વાળા, ડીવાયએસપી વી.બી. દલવાડી, બી ડિવિઝન પીઆઈ વસાવા, ઈન્‍ડસ્‍ટ્રીયલ સેફટીના અધિકારી અને હાઇવે ઓર્થોરિટીના અધિકારી ખડેપગે રહ્યા હતા અને પરિસ્‍થિતિ થાળે પાડી હતી.થાળે પાડવામાં આવી હતી. સાથે જ જુદા જુદા વિભાગોના અધિકારીઓની ટીમ સતત ખડેપગે રહી હતી.

(1:52 PM IST)