<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

કુવાડવામાં છ મહિનાથી ડીગ્રી વગર દવાખાનુ ચલાવતો પોરબંદરનો રાજ કુબાવત પકડાયો

પીઆઇ એસ. એમ. જાડેજા, પીએસઆઇ ધાસુરા અને ટીમનો દરોડોઃ એસઓજીના ફિરોઝભાઇ શેખ અને કિશોરભાઇ ઘૂઘલની બાતમીઃ કિશોરભાઇ દર્દી બનીને ગયા બાદ કાર્યવાહીઃ ૨૬૧૨૧નો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૨૬: કુવાડવામાં વચ્‍છરાજ ક્‍લિનીક નામના દવાખાનામાં ડીગ્રી વગરના ડોક્‍ટર પ્રેકટીસ કરી માનવ જીંદગી સાથે ચેડા થતાં હોવાની બાતમી પરથી શહેર એસઓજીની ટીમે દરોડો પાડી મુળ પોરબદરના શખ્‍સને પકડી લીધો હતો. છ મહિનાથી તે ડીગ્રી વગર દવાખાનુ ધમધમાવતો હતો.

પ્રાપ્‍ત માહિતી મુજબ શહેર એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ ફિરોઝભાઇ શેખ અને સાથેના કિશોરભાઇ ઘુઘલને બાતમી મળી હતી કે કુવાડવા ગામમાં રાજ કુબાવત નામનો શખ્‍સ વચ્‍છરાજ ક્‍લિનીકમાં ડોક્‍ટર બનીને બેસે છે અને ડીગ્રી વગર દર્દીઓને તપાસી દવા લખી આપે છે, બાટલા ચડાવી આપે છે અને ઇન્‍જેક્‍શન પણ આપે છે. આ માહિતી પરથી હેલ્‍થ ઓફિસરને જાણ કરી બાદમાં એસઓજીના કિશોરભાઇ દર્દી બનીને ગયા હતાં અને બ્‍લડપ્રેશર ચેક કરાવ્‍યું હતું. તેને તપાસ અહિ ડોક્‍ટર તરીકે બેઠેલા શખ્‍સે દવા પણ લખી આપી હતી.

બાદમાં પોલીસે સાચી ઓળખ આપી હતી અને હેલ્‍થ હઓફિસર ડો. રીન્‍કલ વેરડીયા તથા પીએસઆઇ એસ. બી. ધાસુરાએ ડોક્‍ટરની ડીગ્રી હોય તો બતાવવાનું કહેતાં   તેણે ગલ્લા તલ્લા કર્યા બાદ કોઇ માન્‍ય ડીગ્રી નહિ હોવાનું કહેતાં તેની સામે બીએનએસની કલમ ૩૦, ૩૩ તેમજ મેડીકલ પ્રેકટીશનર એક્‍ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ શખ્‍સે પોતાનું નામ રાજ વિનોદભાઇ કુબાવત (ઉ.વ.૩૧-રહે. હાલ કુવાડવા પટેલ ફળીયા, ધરમશીભાઇના મકાનમાં ભાડેથી, મુળ ગામ પોરબંદર, દેવદર્શન પાર્ક, રોકડીયા હનુમાન મંદિર પાસે) જણાવ્‍યું હતું.

પોલીસે તેના દવાખાનામાંથી એલોપેથીક દવાઓ, ઇન્‍જેક્‍શન, બાટલા, મેડિકલને લગતા સાધનો મળી ૨૬૧૨૧નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. એસઓજીએ દરોડો પાડયો ત્‍યારે દવાખાનામાં એક શખ્‍સ ખુરશી પર બેઠેલો અને ગળામાં સ્‍ટેથોસ્‍કોપ લટકાવેલો દેખાયો હતો. અંદર દર્દી માટેના બે ખાટલા, ચડાવવાના બાટલા, એલોપેથીક દવાઓ સહિતની સાધાન સામગ્રી મળી હતી. રાજ કુબાવતે કબુલ્‍યું હતું કે પોતે હોમીયોપેથીની દવા જ આપી શકે છે. આમ છતાં ડીગ્રી વગર એલોપેથીક દવા આપતો હતો. છએક મહિનાથી તેણે આ દવાખાનુ ચાલુ કર્યુ હતું. પીઆઇ એસ. એમ. જાડેજા, પીએસઆઇ ધાસુરા, ફિરોઝભાઇ શેખ, કિશોરભાઇ ઘુઘલ, હરદેવસિંહ જાડેજા સહિતે આ દરોડો પાડયો હતો

(1:57 PM IST)