તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
કચ્છના અંજારમાં શરૂ થઈ રખડતા ભટકતા ગૌવંશને સન્માનપૂર્વક સાચવતી રાજ્યની પ્રથમ નંદી શાળા
એક સંતે બીજા સંતનો સાદ ઝીલ્યો : મહંત ત્રિકમદાસજીના મુખેથી ‘રાધે રાધે' શબ્દ સાંભળતા જ ૭૦૦ થી વધુ નંદીઓ કાન સરવા કરી તેમનું વહાલ ઝીલવા પડાપડી કરે છે, મુખ્યમંત્રીએ પણ નંદી શાળાની નોંધ લઈ રખડતા ગૌવંશની સમસ્યા નિવારવા સૂચનો માંગ્યા, ગૌવંશને નંદી કહેવું ફરજીયાત છે આખલો કહેનારને ૧૦૦૦ રૂ. દંડ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૯: મીડિયામાં અવારનવાર રખડતા ભટકતા ગૌવંશને કારણે લોકોને સર્જાતી મુશ્કેલીના સમાચાર વાંચતા અને લખતા સમયે પત્રકાર મિત્ર મયુર બોરીચા સાથે જ્યારે ચર્ચા થાય ત્યારે તેઓ અચૂક કહે એકવાર તમે અંજાર ચાલો અને મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજ દ્વારા સ્થપાયેલ નંદી શાળાની મુલાકાત લ્યો.
તાજેતરમાં જ ભુજમાં અજરામર ટ્રસ્ટ આયોજિત ગૌસેવા પ્રકલ્પના કાર્યક્રમમાં મહારાજશ્રી સાથે પરિચય થયો અને ચારેક દિવસ પૂર્વે જ અંજાર જવાનો સુયોગ ગોઠવાયો. ઐતિહાસિક સચ્ચિદાનંદ મંદિરે દર્શન કરી મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજના આર્શિવાદ મેળવી તેમની સાથે નંદી શાળા જવા નીકળ્યા. વિશાળ સ્વચ્છ પરિસર સાથેની નંદી શાળામાં પર્યાવરણની કાળજી વર્તાઈ આવે. ‘રાધે રાધે' શબ્દો વડે મહંતશ્રીએ જેવો સાદ દીધો એ સાથે જ સામે ‘રાધે રાધે' નો પ્રત્યુત્તર આપતા હોય એમ એક સામટા સેંકડો નંદીઓ મહારાજશ્રીનું વ્હાલ ઝીલવા પડાપડી કરવા લાગ્યા. સામાન્ય રીતે બે અથવા તો એનાથી વધુ ગૌવંશ ભેગા થાય એટલે મોટેભાગે તોફાન સાથે નાની મોટી બુલફાઇટ થઈ જ જાય. પણ અહીં ડાહ્યા ડમરાં બનેલા નંદીઓને જોઈ લાગલો જ સવાલ કર્યો મહારાજશ્રી આ શું ચમત્કાર છે? હસતા હસતા મહારાજશ્રી નો જવાબ આવ્યો કે નંદી મહારાજ અમારી પ્રેમ પૂર્વકની સેવાને સ્વીકારી રહ્યા છે. સાથે જ ટકોર કરી કોઈ પણ બીજા સવાલો કરો તો ગૌવંશ માટે આખલા શબ્દનો પ્રયોગ નહીં કરતા રૂ. ૧૦૦૦ દંડ પડશે. અહીં નંદી કહેવું અને નંદીનું સન્માન રાખવું એ અમારી પ્રથમ શરત છે. સેવા કરતી ગૌશાળાઓ ઘણી છે પણ ગૌવંશ માટેની રાજ્યની પ્રથમ નંદી શાળા શરૂ કરીને મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજે પ્રેરણાદાયી પહેલ કરી છે. ગૌશાળાને બદલે નંદી શાળા કેમ? અહીં સંત પરંપરાનું મહાત્મ્ય સમાયેલું છે. એક વિચાર બીજ સેવાનું વિશાળ વટવળક્ષ કેવી રીતે બની શકે? સચ્ચિદાનંદ મંદિરના આ ગાદીપતિ મહંત કહે છે કે આના માટે નિમિત્ત બન્યા છે પથમેડા જાગીર (રાજસ્થાન)ના મહંતશ્રી શરણાનંદજી મહારાજ !! દેશની સૌથી મોટી અને વિશાળ ગૌશાળા ચલાવનારા આ સંત મહાત્માએ કચ્છના નારાયણ સરોવર મધ્યે સંત રાજેન્દ્રદાસજી મહારાજના વ્યાસાસને ગૌકથાનું આયોજન કરાયું હતું ત્યારે એક બેઠક દરમ્યાન સંત શરણાનંદજી મહારાજે કહ્યું કે હું નંદીઓને રખડતા ભટકતા જોઈ શકતો નથી. શું તમારા માંથી કોઈ નંદી શાળા બનાવી શકે છે? આજે ખેતીમાં કે વાહનવ્યવહારમાં (બળદગાડી) નો ઉપયોગ નથી એટલે ગૌવંશને રખડતા ભટકતા મૂકી દેવાય છે. તરછોડી દેવાયેલા આ ગૌવંશ કતલખાને જાય છે અથવા તો ઠેબા ખાઈ રખડે ભટકે છે. બસ તે દિ'ની ઘડી અને આજનો દિ', સંત ત્રિકમદાસજી મહારાજ કહે છે મેં નંદી શાળા માટે સંકલ્પ કર્યો આજે ૬ વર્ષ થયા ગુજરાતમાં અંજાર મધ્યે રાજ્યની ઙ્કથમ નંદી શાળા શરૂ કરી. એક સંતનો સાદ બીજા સંતે ઝીલી લીધો. ૧૧ નંદીઓ સાથે શરૂ થયેલ આ નંદી શાળામાં અત્યારે ૭૦૦ થી વધુ નંદીઓ આશ્રય લઈ રહ્યા છે. પોતે તો નાનકડો પ્રયાસ કર્યો છે એવું નમ્ર ભાવે કહેતા મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજ કહે છે કે, સમગ્ર ગુજરાતમાં આજે રખડતા ભટકતા ગૌવંશને નિહાળી છું એ જોતાં એવું લાગે છે કે, આવી વધુ નંદી શાળાઓ થવી જોઈએ. કયાંક કયાંક ધીમે ધીમે નંદી શાળાઓ શરૂ થઈ પણ છે. જોકે, આ પ્રયાસો વ્યાપક બનાવવા સમગ્ર સમાજના સાથની જરૂરત છે. સામાન્ય ગૌશાળા કરતા નંદીશાળામાં ખર્ચનું પ્રમાણ વધુ છે. અંજારની નંદી શાળામાં પશુ આશ્રય માટે મોટા અને સ્વચ્છ શેડ, ઘાસ ગોડાઉન, ઘાસચારાનો આગોતરો સંગ્રહ, નિયમિત પશુ ચિકિત્સકની સુવિધા, ઓફિસરૂમ, સર્વન્ટ ક્વાર્ટર સહિતની સગવડ છે. દિલેર દાતાઓ મનમુકીને નંદી શાળાને દાન આપે છે. નાના મોટા પ્રસંગોએ તેમ જ સુખ દુઃખના અવસરે પુણ્ય સ્વરૂપે સૌ કોઈ દાન આપી શકે એવી વ્યવસ્થા પણ મહારાજશ્રી દ્વારા કાર્યાન્વિત છે. રાજ્યમાં રખડતા ભટકતા ગૌવંશની સમસ્યા નિવારવા શું કરી શકાય? નંદી શાળા કઈ રીતે ચાલે છે? આ સમસ્યા અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહારાજશ્રીને ગાંધીનગરનું તેડું પણ આવી ચૂકયું છે.
વિશાળ અનુયાયી વર્ગ ધરાવતા સરળ, નિખાલસ અને સેવાભાવની અનુકંપા ધરાવતા સંતશ્રી ત્રિકમદાસજી મહારાજે અંજારમાં પ્રથમ નંદી શાળા શરૂ કરીને જીવદયા ક્ષેત્રે એક નવી રાહ ચીંધી છે. નંદી શાળા અંગેની વધુ જાણકારી માટે ‘‘અકિલા''ના આપ સૌ કોઈ ગૌસેવક વાંચક મિત્રો મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજનો સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર ૯૮૨૫૨ ૨૭૬૩૫.(૨.૨)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
