સાયલા પાસે ડમ્પરે સ્કુલવાનને ટક્કર મારતા ધો.૮ ના વિદ્યાર્થીનું મોતઃ ૧૧ને ઇજાઃ ઉમાપર જતા'તા

(ફારૂક ચોહાણ દ્વારા) વઢવાણ, તા. ૧: સાયલા-પાળિયાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં માંતેલા સાંઢની માફક ધસી આવેલા ડમ્પરે સ્કૂલ વાનને ટક્કર મારતા એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે, જ્યારે ૧૧ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આ્યા છે.
સુદામડા ઉપાસના વિદ્યાલયના વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલવાન વિદ્યાર્થીઓને લઈને ઉમાપર ગામ તરફ જઈ રહી હતી. આ દરમિયાન વાંટાવચ્છ ગામના પાટીયા નજીક બેફામ ડમ્પરે સ્કૂલવાનને ટક્કર મારી હતી. આ અકસ્માતની જાણ થતાં પોલીસ અને ૧૦૮ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડિકલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ધો.૮માં અભ્યાસ કરતા રોહિત ભરતભાઈ વજકાણીનું મોત નિપજ્યું હતુ.
પ્રાથમિક તપાસમાં આજે ઈદની રજા હોવા છતાં સ્કૂલ સંચાલકોએ સાંસ્કળતિક કાર્યક્રમોની તૈયારી માટે વિદ્યાર્થીઓને શાળામાં બોલાવ્યા હતા. જ્યાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને લઈ જતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. હાલ તો પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નાની મોલડીમાં કિશોરનું અપહરણ
સુરેન્દ્રનગરમાં વધુ એક અપહરણની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના નાની મોલડી નજીકથી ૧૬ વર્ષીય કિશોરનું અપહરણ કરી અજાણ્યા શખ્સો નાશી છૂટતા ચકચાર મચી છે.
નાની મોલડી નજીકથી સુરેશ વાઢેર નામના યુવકનું અપહરણ થયું છે. અપહરણ થયાનું કારણ હજુ અકબંધ છે. પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.(૬.પ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
