<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

નર્મદા કેનાલમાં પાણી બંધ થતાં કચ્છના રાપર તાલુકામાં સંકટ : ૯૭ ગામો અને ૨૪૭ વાંઢામાં ૧ એપ્રિલથી પાણીની રામાયણ શરૂ થવાની ભીતિ

રિપેરિંગ કામગીરી માટે કેનાલ બંધ : ઉનાળામાં પીવાના પાણીની મુશ્કેલી સાથે ખેડૂતોને પણ ફટકો

ભુજ,  (વિનોદ ગાલા): કચ્છની જીવાદોરી ગણાતી નર્મદા યોજનાની કચ્છ બ્રાન્ચ કેનાલમાં ૧ એપ્રિલથી રિપેરિંગ કામગીરી માટે પાણીનો પુરવઠો બંધ કરવામાં આવશે. આનાથી રાપર તાલુકાના ૯૭ ગામો અને ૨૪૭ વાંઢામાં પીવાના પાણીની રામાયણ શરૂ થવાની ભીતિ સેવાઈ રહી છે. આગામી બે થી અઢી મહિના સુધી કેનાલ બંધ રહેવાથી ઉનાળાની ઋતુમાં પાણીની સમસ્યા વધુ તીવ્ર બનશે, જેની સીધી અસર રાપર શહેર, ગ્રામ્ય વિસ્તારો અને ખેડૂતો પર પડશે.
નર્મદા કેનાલ બંધ થવાથી ઉદ્ભવતું પાણીનું સંકટ
નર્મદા યોજનાની કચ્છ બ્રાન્ચ કેનાલ, જે બનાસકાંઠાના સલીમગઢથી શરૂ થઈને કચ્છના રણ વિસ્તારમાં પ્રવેશે છે, તેના રિપેરિંગ કામ માટે પાણીનો પ્રવાહ ૧ એપ્રિલથી બંધ કરવામાં આવશે. આ કેનાલ દ્વારા કચ્છ જિલ્લાને પાણીનો મુખ્ય પુરવઠો મળે છે, પરંતુ હવે આગામી બે થી અઢી મહિના સુધી પાણીનો પુરવઠો નહીં મળે. પરિણામે, રાપર તાલુકાના ૯૭ ગામો અને ખડીર વિસ્તારના ૨૪૭ વાંઢામાં પીવાના પાણીની ભારે અછત સર્જાશે. નર્મદા યોજના પર આધારિત આ વિસ્તારોમાં પાણીની સમસ્યા ગંભીર બનવાની શક્યતા છે.

વૈકલ્પિક વ્યવસ્થા પણ અપૂરતી:
નર્મદા કેનાલ બંધ થવાથી કચ્છ જિલ્લા અને રાપર તાલુકામાં પાણીનું વિતરણ માળિયા-સામખિયાળી પાઈપલાઈન દ્વારા કરવામાં આવશે. જોકે, આ પાઈપલાઈનથી મળતું પાણી અપૂરતા પ્રમાણમાં હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત, આ પાઈપલાઈનમાં અનેક સ્થળોએ કંપનીઓ, હાઈવે હોટલો અને ફાર્મ હાઉસો દ્વારા પાણીની ચોરી થતી હોવાની ફરિયાદો છે, જેના કારણે રાપર તાલુકા સુધી પૂરતું પાણી પહોંચી શકતું નથી. આવી સ્થિતિમાં ઉનાળાના મોકાણ ભર દિવસોમાં પાણીની મોટી મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે.

ખેડૂતો અને પશુઓ પર પડશે ગંભીર અસર:
રાપર તાલુકાના ખેડૂતોએ ઉનાળામાં પશુઓ માટે ઘાસચારાની વાવણી કરી છે, પરંતુ નર્મદા કેનાલનું પાણી બંધ થવાથી તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. પાણીના અભાવે ઘાસચારો સુકાઈ જવાની ભીતિ છે, જેનાથી પશુપાલન પર આધારિત ખેડૂતોની આજીવિકા પર સીધી અસર પડશે. ખેડૂતોનું કહેવું છે કે, આ સમયે પાણીની વ્યવસ્થા નહીં થાય તો તેમનું મોટું નુકસાન થશે.

ડેમ અને તળાવોમાં મર્યાદિત પાણી:
નર્મદા યોજના દ્વારા રાપર તાલુકામાં સુવઈ અને ફતેહગઢ ડેમ ભરવામાં આવ્યા છે, જ્યારે રાપર શહેર માટે નગાસર તળાવમાં પાણીનો સંગ્રહ કરાયો છે. પરંતુ આ ડેમ અને તળાવોનું પાણી માત્ર ૧૫ થી ૨૦ દિવસ સુધી જ ટકી શકે તેમ છે. તેમજ, મુખ્ય કેનાલમાં મોમાઈ મોરાથી સુવઈ સુધી પીવાના પાણી માટે રિઝર્વ રાખવામાં આવેલું પાણી પણ લગભગ ૧૫ દિવસ સુધી ચાલે તેમ છે. આ પછી પાણીની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

પેટા કેનાલો પણ બંધ:
નર્મદા યોજનાની તમામ પેટા કેનાલો પણ બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે ગામડાઓ અને વાંઢાઓમાં પાણીનું વિતરણ થઈ શકશે નહીં. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આગામી બે થી અઢી મહિના સુધી પાણીની રામાયણ ટાળવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી છે. જો સમયસર પગલાં નહીં લેવાય તો ઉનાળામાં પાણીની સમસ્યા લોકો માટે મોટી મુસીબત બની શકે છે.

લોકોમાં ચિંતા:
રાપર તાલુકાના લોકોમાં આ સમાચારથી ચિંતા ફેલાઈ ગઈ છે. ઉનાળાની શરૂઆતમાં જ પાણીની અછતનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સામે લોકો સરકાર પાસે ઝડપી ઉકેલની આશા રાખી રહ્યા છે. નર્મદા યોજનાના અધિકારીઓએ રિપેરિંગ કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની વાત કરી છે, પરંતુ ત્યાં સુધી પાણીની વ્યવસ્થા કેવી રીતે થશે તે અંગે હજુ સ્પષ્ટતા નથી. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)

 

(7:29 PM IST)