<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસન સેન્ટરના અધિકારીઓએ ધ્રોલના મોટા ઈટાળા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત લઈ આયુર્વેદ સેવાઓ અને હર્બલ ગાર્ડનની ઝીણવટભરી માહિતી મેળવી

દક્ષિણ કોરીયાથી આવેલી ટીમે દર્દીઓના પ્રતિભાવો, દવાઓનું સ્ટોક મેન્ટેનન્સ અને રેકોર્ડ જાળવણીથી પ્રભાવિત થઈ : મેડિકલ ઓફિસરની કામગીરીને બિરદાવી

જામનગર: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન હેઠળના ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસન સેન્ટર (GTMC)ના અધિકારીઓએ ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ખાતે આવેલા આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત લઈ ત્યાં દર્દીઓને પૂરી પાડવામાં આવતી આયુર્વેદ સેવાઓ, કાર્યપદ્ધતિ અને હર્બલ ગાર્ડનની વિગતોની ઝીણવટભરી માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન અધિકારીઓએ આરોગ્ય મંદિરની વ્યવસ્થાઓથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને ત્યાંના મેડિકલ ઓફિસરની કામગીરીની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે દક્ષિણ કોરીયાથી આવેલા ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસન સેન્ટરના અધિકારી યે રિન પર્ક, ડો. વનિતા તેમજ તેમની ટીમે આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત લઈ ત્યાં આપવામાં આવતી આયુર્વેદ સેવાઓની સવિસ્તાર માહિતી મેળવી હતી. ટીમે દવાખાનાના તમામ રેકોર્ડ, દફતર વર્ગીકરણ અને માસિક રિપોર્ટની વિગતોની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત, દવાખાનામાં ઉપલબ્ધ દવાઓ અને તેમના સ્ટોક મેન્ટેનન્સની પણ માહિતી એકત્ર કરવામાં આવી હતી.

અધિકારીઓએ આયુષ્માન આરોગ્ય મંદિર મોટા ઈટાળા ખાતે આવેલા હર્બલ ગાર્ડનની મુલાકાત લઈ ત્યાં ઉગાડવામાં આવેલી આયુર્વેદિક વનસ્પતિઓ અને તેમના ઉપયોગ વિશે જાણકારી મેળવી હતી. આ ગાર્ડનમાં ઉગાડાતી વનસ્પતિઓની વિગતો અને તેનો આયુર્વેદિક સારવારમાં ઉપયોગ કેવી રીતે થાય છે તે અંગેની માહિતીથી અધિકારીઓ પ્રભાવિત થયા હતા. મુલાકાત દરમિયાન ઓપીડીમાં હાજર રહેલા દર્દીઓ સાથે વાતચીત કરીને તેમના પ્રતિભાવો પણ જાણવામાં આવ્યા હતા, જેમાં દર્દીઓએ આરોગ્ય મંદિરની સેવાઓ અંગે સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

આ તમામ માહિતીની સમીક્ષા કર્યા બાદ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસન સેન્ટરના અધિકારીઓએ આયુષ્માન આરોગ્ય મંદિર મોટા ઈટાળા દ્વારા લોકોને પૂરી પાડવામાં આવતી આયુર્વેદ સેવાઓ, હર્બલ ગાર્ડનની જાળવણી, રેકોર્ડનું સંચાલન અને દવાઓના સ્ટોક મેન્ટેનન્સથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. અધિકારીઓએ આરોગ્ય મંદિરના મેડિકલ ઓફિસર ડો. જે.પી. સોનગરાની કામગીરીને બિરદાવી હતી અને તેમના દ્વારા કરવામાં આવતા પ્રયાસોની સરાહના કરી હતી.

આ મુલાકાત દ્વારા ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસન સેન્ટરની ટીમે ભારતમાં આયુર્વેદ આધારિત આરોગ્ય સેવાઓની કાર્યપદ્ધતિ અને તેની અસરકારકતાનો અનુભવ મેળવ્યો હતો. આયુષ્માન આરોગ્ય મંદિરની આ મુલાકાતથી પરંપરાગત ઔષધીય પદ્ધતિઓને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાના પ્રયાસોને વધુ બળ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

 

(8:36 PM IST)