<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

અનંત અંબાણી કાલે પદયાત્રા પુર્ણ કરશેઃ દ્વારકાધીશ ભગવાનને શીશ ઝુકાવશે

કાલે સવારે ગોમતી નદીનું પુજન કરશેઃ અનેક સેલીબ્રીટીઓ, ઉદ્યોગપતિઓ, ધર્મગુરૂઓ ઉપસ્‍થિત રહેશે

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. પઃ રીલાયન્‍સના યુવા ઉદ્યોગપતિ અનંત અંબાણીએ રીલાયન્‍સ ખાવડીથી દ્વારકા સુધીની પદયાત્રા તારીખ ૩૦ માર્ચના શરૂ કરી હતી જે પદયાત્રા તારીખ ૬ એપ્રિલના સવારે દ્વારકાધીશજીની મંગળા આરતીના સમયે પદયાત્રા પુર્ણ થનાર છે. અનંત અંબાણી તા. ૬ના સવારે ૬ વાગ્‍યાના આસપાસ દ્વારકા નગરમાં પદયાત્રા સાથે ધીરૂભાઇ અંબાણી માર્ગ ઉપરથી પસાર થઇને દ્વારકાધીશ મંદિર તરફ નગરમાં પ્રયાણ કરશે. આ તકે વહેલી સવારે તેમનું આ પદયાત્રા સમારંભમાં દેશની જાણીતી સેલીબ્રીટીઓ, ઉદ્યોગપતીઓ અને ધર્મગુરૂઓ ઉપસ્‍થિત રહેશે તેવા સમાચારો મળી રહ્યા છે.

અનંત અંબાણી પ્રથમ દ્વારકાધીશ મંદિર પરીસર નજીક આવેલ ગોમતીઘાટના પવિત્ર જલથી ચરણસ્‍પર્શ કરી અને દેહશુધ્‍ધી કર્યા બાદ માતા ગોમતી નદીનું પુજન કરી દ્વારકાધીશ મંદિર તરફ પ્રયાણ કરશે. મંદિર પરિસર ખાતે પ્રવેશ સાથે જ ધીરૂભાઇ માર્ગ ઉપર પણ ધાર્મિક કાર્યક્રમો, સાંસ્‍કૃતિક કાર્યક્રમો અને દ્વારકા નગરના જુદા-જુદા સમાજના પ્રતિનીધીઓ અનંત અંબાણીનું સ્‍વાગત સન્‍માન કરશે. આ પદયાત્રા અંતર્ગત દ્વારકા શારદાપીઠનાં બ્રહ્મચારી સ્‍વામી શ્રી નારાયણનંદજીના અધ્‍યક્ષ સ્‍થાને રીલાયન્‍સના પ્રતિનિધિઓની ઉપસ્‍થિતિમાં વેપારી મંડળ, ધાર્મિક સંસ્‍થાઓ, સામાજિક સંસ્‍થાઓ અને જુદા-જુદા સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં અનંત અંબાણીનું પદયાત્રા પુર્ણાહુતી પ્રસંગે ઉમળકાભેર સ્‍વાગત, સન્‍માન કરવા નકકી કરાયું છે.

અત્રે એ નોંધનીય છે કે અનંત અંબાણી દ્વારકાધીશ ભગવાન પ્રત્‍યે અતુટ શ્રધ્‍ધા ધરાવે છે. વારંવાર દ્વારકાધીશજીના દર્શન કરવા આવે છે. તારીખ ૬ એપ્રિલના અનંત અંબાણીનો તિથી મુજબ રામનવમીના દિને એમનો જન્‍મદિન હોય અને તેજ દિવસે તેમની યાત્રા પુર્ણ કરી રહ્યા હોય જેથી સનાતન ધર્મના આ યુવા ઉદ્યોગપતિ મંગળા આરતીના દર્શન કર્યા બાદ દ્વારકાધીશજીની ચરણપાદુકાનું પુજન કરશે અને શારદાપીઠ પરીસરના શંકરાચાર્ય શ્રી સ્‍વરૂપવાનંદ સ્‍વામી સરસ્‍વતીજીની ગાદી ઉપર મસ્‍તક નમાવી દ્વારકાધીશજીની ધ્‍વજાજીની પુજન કરશે આ વખતે દ્વારકાધીશ મંદિરના પુજારી કરશે આ વખતે દ્વારકાધીશ મંદિરના પુજારી પરીવાર અને ગુગળી બ્રાહ્મણો અનંત અંબાણીને શાસ્‍ત્રોકત અને વૈદિક મંત્રોચ્‍ચાર સાથે આશીર્વાદ આપશે. ખાસ કરીને તારીખ ૬ના દીને સમગ્ર દ્વારકાનગરના ઘરોઘર અનંત અંબાણી તરફથી પ્રસાદ (મીઠાઇ) વિતરણ કરવામાં આવનાર છે. (તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(11:47 AM IST)