News of Saturday, 5th April 2025
જામનગરના ફલા ગામથી જૂનાગઢના ગાત્રાળ સુધી ગોપાલક માલધારી સમાજની 30 વર્ષથી ચાલતી ચૈત્ર નવરાત્રી પદયાત્રાનું ધોરાજીમાં ભવ્ય સ્વાગત
પરંપરાનો 30 વર્ષનો ઇતિહાસ : ધોરાજીમાં સ્વાગત અને મહાપ્રસાદ : માતાજીના દર્શન અને આરાધના

ધોરાજી: જામનગર જિલ્લાના ફલા ગામથી જૂનાગઢ જિલ્લાના ગાત્રાળ ગામ સુધી ગોપાલક માલધારી સમાજ દ્વારા ચૈત્ર નવરાત્રી નિમિત્તે છેલ્લા 30 વર્ષથી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ પરંપરા જળવાઈ રહી અને 300થી વધુ ભાઈ-બહેનોએ માતાજીની આરાધના માટે આ પદયાત્રામાં ભાગ લીધો. આ સંઘનું ધોરાજી ખાતે પહોંચતાં ભરવાડ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જામનગરના ફલા ગામથી શરૂ થતી આ પદયાત્રા જૂનાગઢ જિલ્લાના ગાત્રાળ ગામ ખાતે માં ગાત્રાળના સાનિધ્યમાં પૂર્ણ થાય છે. આયોજકોમાં ગોવાભાઈ જેઠાભાઈ ટોયટા, બીજલભાઈ રેવાભાઈ ટોયટા, તેજાભાઈ ભોળાભાઈ ટોરીયા, દાનાભાઈ ટોયટા અને ભુવાતા ઘુસાભાઈ હકાભાઈ ટોયટા જેવા ભરવાડ સમાજના અગ્રણીઓએ 30 વર્ષથી આ પરંપરાને જીવંત રાખી છે. આ વર્ષે 300થી વધુ યાત્રિકોએ જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાઓમાંથી પસાર થતી આ યાત્રામાં ભાગ લીધો.
ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલા રામ ભરોસે આશ્રમ હનુમાનજી આશ્રમ ખાતે આ સંઘનું આગમન થતાં ધોરાજીના ભરવાડ સમાજના આગેવાનો મુન્નાભાઈ ભરવાડ, ભુપતભાઈ ભરવાડ સહિતના સભ્યોએ ભવ્ય સ્વાગત કર્યું. મુન્નાભાઈ ભરવાડે જણાવ્યું કે, “દર વર્ષે ચૈત્ર નવરાત્રી દરમિયાન આ સંઘ ધોરાજી આવે છે. અમે ભવ્ય સ્વાગત સાથે 300થી વધુ યાત્રિકો માટે મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ, જે અમને અનેરો આનંદ આપે છે.”
આયોજક ગોવાભાઈ જેઠાભાઈ ટોયટા અને ઘુસાભાઈ હકાભાઈ ટોયટાએ જણાવ્યું કે, “30 વર્ષ પહેલાં આ યાત્રા માત્ર 5-10 લોકોથી શરૂ થઈ હતી. આજે ત્રણ જિલ્લાને જોડતી આ પદયાત્રા ચૈત્ર નવરાત્રીના પાવન પ્રસંગે માતાજીની આરાધના માટે નીકળે છે. માં ગાત્રાળના આશીર્વાદથી અમારી યાત્રામાં કોઈ વિઘ્ન આવતું નથી અને દર વખતે માતાજીનો ચમત્કાર અમને અનુભવાય છે.” તેમણે ઉમેર્યું કે, “આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને ઠેરઠેર ભવ્ય સ્વાગત થાય છે. ઉતારા અને મહાપ્રસાદની વ્યવસ્થા માટે અમે સૌનો આભાર માનીએ છીએ.”
આ પદયાત્રા દરમિયાન યાત્રિકો માતાજીના દર્શન અને આરાધના માટે પગપાળા ચાલીને ગાત્રાળ પહોંચે છે. આયોજકોના જણાવ્યા મુજબ, માતાજીના આશીર્વાદથી યાત્રા સફળ રહે છે અને યાત્રિકોને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થાય છે. ધોરાજી ઉપરાંત અન્ય સ્થળોએ પણ સમાજ દ્વારા સેવાકાર્યો થાય છે, જે આ યાત્રાને વધુ યાદગાર બનાવે છે. (તસવીર અહેવાલ: કિશોરભાઈ રાઠોડ)
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
