<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th April 2025

મેં ભગવાનના નામથી આ યાત્રા શરૂ કરેલ અને તેમના નામ સાથે જ પૂર્ણ કરી રહ્યો છુઃ અનંત અંબાણી ;જુઓ વિડીયો

જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા આજે રામ નવમીના શુભ અવસરે સંપન્‍નઃ અનંત અંબાણી આજે દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા હતા

જામનગરઃ  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીની જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા આજે સંપન્ન થઈ અને તેઓ આજે દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા હતા. આ ધાર્મિક યાત્રામાં આજે અનંત અંબાણીના માતા અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-ચેરપર્સન નીતા અંબાણી અને તેમના પત્ની રાધિકા મર્ચન્ટ પણ જોડાયા હતા.

આ પ્રસંગે અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, "આ મારી ધાર્મિક યાત્રા છે. મેં ભગવાનના નામથી આ યાત્રા શરૂ કરી હતી અને હું તેમના નામ સાથે જ તેને પૂર્ણ કરી રહ્યો છું. હું ભગવાન દ્વારકાધીશનો આભાર માનું છું. આ યાત્રામાં મારી સાથે જોડાયેલા તમામ લોકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આજે મારી પત્ની રાધિકા અને મારી માતા નિતા બેન પણ જોડાયા છે. જ્યારે મેં મારા પિતાને આ યાત્રા વિશે જણાવ્યું ત્યારે તેમણે મને ઘણી હિંમત આપી હતી."

અનંત અંબાણીની આ પદયાત્રા અનેક દિવસો સુધી ચાલી હતી અને આજે દ્વારકાધીશ મંદિરે પહોંચીને પૂર્ણ થઈ. તેમના આગમન સમયે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન અનંત અંબાણીએ અનેક સ્થળોની મુલાકાત લીધી હતી અને લોકો સાથે સંવાદ કર્યો હતો. તેમની આ ધાર્મિક યાત્રાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.આજે દ્વારકાધીશ મંદિરે દર્શન કર્યા બાદ અનંત અંબાણીએ તેમની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ ભગવાનનો આભાર માન્યો હતો. નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટે પણ મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજા-અર્ચના કરી હતી

(12:26 PM IST)