News of Monday, 7th April 2025
૫૭ હજાર કરોડથી વધુના રોકાણ સાથે નવા ડિજિટલ પોર્ટ, જહાજો માટે ગ્રીન ફ્યુઅલ અને શીપ બિલ્ડિંગ યાર્ડના નિર્માણ સાથે ડીપીએ કંડલાને વિશ્વનું શ્રેષ્ઠ પોર્ટ બનાવવાની નેમ: શુશીલકુમાર સિંહ
મિથેનોલ ફ્યુઅલ થકી વિશ્વના દરિયાઈ ગ્રીન કોરિડોરમાં કંડલા પોર્ટ ભારતની હાજરી પુરાવશે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત, મેક ઈન ઈન્ડિયાના સૂત્ર સાથે હાથ ધરાઈ રહ્યા છે નવા વિકાસ કાર્યો

“અકિલા” ના પ્રતિનિધિ વિનોદ ગાલા સાથેની વાતચીતમાં ડીપીએ કંડલા પોર્ટને આધુનિક સુવિધાથી સજ્જ વર્લ્ડ ક્લાસ પોર્ટ બનાવવા મક્કમતા વ્યક્ત કરતા ચેરમેન સુશીલકુમાર સિંહ અને પ્રવક્તા ઓમ પ્રકાશ દાદલાણી).. (તસવીર: રાકેશ લાલવાણી, ગાંધીધામ)
(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : 150 MMT કાર્ગો હેન્ડલિંગ સાથે વિક્રમ સર્જી દેશના અન્ય મહાબંદરોથી આગળ રહેનાર ડીપીએ કંડલા બંદર તેનો વાર્ષિક 13 ટકાનો વિકાસ દર જાળવી આવનારા વર્ષમાં 170 MMT નો આંકડો પાર કરશે એવું કહેતા પોર્ટ ચેરમેન સુશીલકુમાર સિંહએ નવા હાથ ધરાનારા વિકાસ કાર્યોનો ચિતાર રજૂ કરતા ડીપીએને વિશ્વનું શ્રેષ્ઠ બંદર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. ગાંધીધામમાં પત્રકાર પરિષદને સંબોધન કરતા ચેરમેન શ્રી સિંહએ જણાવ્યું હતું કે પોર્ટ પાસેના મર્યાદિત સંસાધનોનો ઉપયોગ કરી જે સિદ્ધિ હાંસલ કરી છે તેનો શ્રેય પોર્ટ સાથે સંકળાયેલ તમામ કામદારો, કર્મચારીઓ અને પોર્ટના વપરાશકારોને ફાળે જાય છે. પોર્ટ વપરાશકારોએ આપેલા સુઝાવનો ઝડપભેર અમલ કરાયો, વપરાશકારોને પ્રોત્સાહિત કરવા ડિસ્કાઉન્ટ આપવા છતાંયે એકંદરે શીપ અને કાર્ગોની સંખ્યા વધતાં પોર્ટને ફાયદો થયો છે. જોકે, આવનારા સમયમાં ડીપીએ કંડલા ડિજિટલ ટેકનોલોજી સાથે આધુનિક સુવિધાઓથી સજ્જ બને એ અંગે થઈ રહેલ ગતિવિધિ અંગે જાણકારી આપી હતી. ગ્રીન ઊર્જાના ઉત્પાદન સાથે પર્યાવરણની જાળવણી ઉપરાંત વૈશ્વિક કક્ષાએ જહાજો માટે બની રહેલ ગ્રીન કોરિડોરમાં જહાજોને ડીપીએ ગ્રીન ઈંધણ તરીકે મિથેનોલ પૂરું પાડવા માટે પોતાની હાજરી નોંધાવશે. ગ્રીન ઈંધણ અંગેની યોજના આકાર લઈ રહેલ છે. એને સંલગ્ન નવી યુવા પેઢી માટે તોલાણી કોલેજના છાત્રો માટે સીએસઆર હેઠળ કોર્સ પણ શરૂ કરવાની તૈયારી થઈ ચૂકી છે. નવા રોકાણ ક્ષેત્રનો ઉલ્લેખ કરતા પોર્ટ ચેરમેને જણાવ્યું હતું કે, જહાજોને ઝડપભેર બર્થ મળી રહે એ માટે ૬ કિમીના ક્રીક એરિયામાં ડ્રાય અને બલ્ક કાર્ગો માટે નવા આધુનિક બંદરનું નિર્માણ કરાશે. ઉપરાંત શીપ બિલ્ડિંગ યાર્ડ શરૂ કરાશે. નવા આયોજનોમાં ૫૭ હજાર કરોડના રોકાણ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અંદાજે ૪૦ હજારથીયે વધુ લોકો માટે રોજગારીનું સર્જન થશે. આ ઉપરાંત વાડીનાર પોર્ટ ઉપરની લિક્વિડ કાર્ગો માટે કાર્ગો SPM ની યોજના તેમ જ ડીપી વર્લ્ડ સાથે પીપીપી મોડેલમાં તુણા ટેકરા ઉપર કન્ટેનર કાર્ગો ટર્મિનલના વિસ્તરણની યોજના ઉપર કામ ચાલી રહ્યું છે. ડીપીએ કંડલા પોર્ટ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાના સૂત્રની દિશામાં નવા વિકાસ કાર્યો શરૂ કરી આગળ ધપી રહ્યું છે. પત્રકાર પરિષદમાં ડેપ્યુટી ચેરમેન હરિચંદ્રન, ટ્રાફિક મેનેજર રત્નશેખર, ડે. કન્ઝર્વેટર કેપ્ટન મોહંતી, ચીફ એન્જિનિયર રવિન્દ્ર રેડી, ચીફ વિજિલન્સ ઓફિસર જે.કે. રાઠોડ, પ્રવક્તા ઓમ પ્રકાશ દાદલાણી ઉપસ્થિત રહ્યા હતા
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
