<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

સલાયા પંથકની સગીરાના અપહરણ તથા દુષ્‍કર્મના આરોપીને ૨૦ વર્ષની સખત કેદ તથા દંડ

ત્રણ વર્ષ પૂર્વે દખણાદા બારાના શખ્‍સ સામે નોંધાયો હતો ગુનો

જામ ખંભાળિયા, તા. ૦૭: સલાયા વિસ્‍તારમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને ગત તારીખ ૨ એપ્રિલ ૨૦૨૨ ના રોજ દખણાદા બારા ગામના વાડી વિસ્‍તારમાં રહેતો લાલુભા પ્રવિણસિંહ જાડેજા ે મોટરસાયકલ પર સગીરાનું અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ  નોંધાવવામાં આવી હતી.

ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયા બાદ આરોપી દ્વારા સગીરા સાથે દુષ્‍કર્મ આચરવા સબબ જે-તે સમયે સલાયા મરીન પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોક્‍સો એક્‍ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી જે.કે. ડાંગર દ્વારા આરોપીના મેડિકલ નમૂના મેળવી અને એફએસએલ તપાસ સાથે ખંભાળિયાની સ્‍પેશિયલ પોક્‍સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્‍યું હતું.

આ કેસ અહીંના સ્‍પેશિયલ પોક્‍સો કોર્ટના જજ શ્રી એસ.જી. મનસુરી સમક્ષ ચાલી જતા આ પ્રકરણમાં ભોગ બનનારની જુબાની તેમજ વિવિધ નિવેદનો વિગેરે સાથે જિલ્લાના મુખ્‍ય સરકારી વકીલ લાખાભાઈ આર. ચાવડા દ્વારા અદાલત સમક્ષ કરવામાં આવેલી વિવિધ દલીલોને ગ્રાહ્ય રાખી અને સ્‍પેશિયલ પોક્‍સો કોર્ટના જજ શ્રી એસ.જી. મનસુરી દ્વારા આરોપી લાલુભા પ્રવિણસિંહ જાડેજાને તકસીરવાન ઠેરવી, જુદા જુદા ગુનાઓમાં ૨૦ વર્ષની કેદ તથા રૂપિયા ૧૦,૦૦૦ નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસમાં ભોગ બનનારના સામાજિક આર્થિક અને માનસિક પુનર્વસન માટે કમ્‍પન્‍સેશન સ્‍કીમ હેઠળ રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા માટે પણ આદેશ કર્યો છે.

(1:47 PM IST)