<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

કચ્છના રણમાં હીટવેવ વચ્ચે ૩ જણ ગુમ થતાં દોડધામ

ખાનગી કંપનીના સોલાર પ્રોજેક્ટના સર્વે દરમ્યાન બનેલ ઘટનામાં બે નો પત્તો મળ્યો હજી એક લાપતા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ :  ભારે ગરમી વચ્ચે અફાટ રણમાં જવું મોટું જોખમ હોવા છતાયે ખાનગી કંપનીના સર્વેયરો રણમાં સર્વે કામગીરી માટે જતા જોખમ ઊભું થયું હતું. કચ્છના રાપરમાં બેલા ગામ પાસેના અફાટ રણમાં અદાણી ગ્રુપ દ્વારા સોલાર પ્રોજેક્ટ માટેના સર્વે માટે આવેલ ૧૫ જેટલી ગાડીઓ પૈકી એક ગાડી રણની અંદર સર્વે માટે ગઈ હતી. જેમાં ડ્રાઇવર સહિત ત્રણ લોકો હતા.  જે પૈકી ડ્રાઇવરને છોડી અન્ય બે સર્વેયરો પગપાળા પાંચેક કિમી ચાલી અંદર ગયા હતા. માથું ફાડી નાખે એવા તાપમાં રણ વચ્ચે પાણી વગર બંને સર્વેયરો ભાન ભૂલી ગયા હતા. જોકે, બે માંથી એક એન્જિનિયર પરત ગાડી લેવા ગયો હતો પરંતુ તે પાછો ન આવતા રણમાં બેસી ગયેલા સર્વેયરે ગાડી ના ડ્રાઈવરને ફોન કરી મોબાઈલ લોકેશન મૂકી પોતે ભૂલા પડ્યા હોવાનું જણાવ્યુ હતું. દરમ્યાન અન્ય સર્વેયર ટીમો ચિંતામાં હતી અને તેમના મનમાં ગાડી ચાલક સહિત બે સર્વેયરો મળી ત્રણ જણ ગુમ થયા હોવાની ચિંતામાં હતા. જોકે, તેમનો સંપર્ક ફોન નેટવર્ક પકડતા ગાડી ચાલક સાથે થઈ ગયો. તેની વચ્ચે રણમાં થાકી ને બેસી ગયેલ સર્વેયરનો સંપર્ક પણ ગાડી ચાલક સાથે થઈ જતા તરત જ અન્ય સર્વેયરોએ નજીકની બીએસએફ ચોકીમાં જાણ કરતા બીએસએફના જવાનોએ પોલીસને સાથે લઈ લોકેશન મૂકનાર સર્વયરને શોધી બચાવી લીધો હતો. જોકે, પાણી લેવા જનાર ઈજનેરનો પત્તો મોડી રાત સુધી મળ્યો નથી. પોલીસ બીએસએફ બંને ડ્રોન દ્વારા તેમને શોધી રહેલ છે.

(9:44 AM IST)