<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

કોડીનારના ખાણ ગામના યુવક દ્વારા આત્‍મવિલોપનનો પ્રયાસ

પુર્વ સરપંચ સામે ગેરરીતીના આક્ષેપોઃ અટકાયત

વેરાવળ-કોડીનાર, તા. ૮: ગીર સોમનાથ નાં કોડીનાર તાલુકાના ગોહિલની ખાણ ગામના જાગળત નાગરિક મનુભાઈ પરમાર જે ભ્રષ્‍ટાચાર વિરોધી મુહિમ ચલાવતા હોવાનો દાવો કરે છે. ગત લોકસભાની ચુંટણી સમયે તેઓએ કલેકટર ગીર સોમનાથ ને પોતાના ગામના પૂર્વ સરપંચ ભીખાભાઈ ગોહિલ અને તેમના પત્‍ની હંસાબેન દ્વારા તેમના સમયમાં લાખો રૂપિયાનો ભ્રષ્‍ટાચાર કર્યો હોવાની લેખિત ફરિયાદ આપી હતી. આમ છતાં આજ દિવસ સુધી કલેકટર દ્વારા ગોહિલની ખાણ ગામના પૂર્વ સરપંચ સામે કોઈ કાયદેસરના પગલાં ભર્યા ન હોવાનો આક્ષેપ મનુભાઈ કરી રહ્યા છે. મનુભાઈએ આજે મીડિયા સમક્ષ જણાવ્‍યું હતું કે, ‘મારી વારંવારની લેખિત મૌખિક ફરિયાદ છતાં કલેકટરે કોઈજ ઠોસ પગલાં અમારા ગામના પૂર્વ સરપંચ સામે ભર્યા નથી. કલેકટર દિગ્‍વિજયસિંહ જાડેજા અને ભીખાભાઈ મિત્રો હોવાને નાતે કલેકટર ભીખાભાઈના ૧૫ વર્ષનાં સાશનમાં ગોહિલની ખાણ ગામે આચરેલા લાખોના ભ્રષ્ટાચાર ને છાવરી રહ્યા છે.' ગોહિલની ખાણ ગામે પોતાનાં ૧૫ વર્ષના સાશનમાં ભીખાભાઈએ ગામના ઓજી વિસ્‍તારમાં મનફાવે તેમ બાંધકામો કરવાની પરવાનગી આપી ખુબજ મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ મનુભાઈ ભીખાભાઈ પર લગાવી રહ્યા છે. સાથે તેઓનું કહેવું છે કે કલેકટર ગીર સોમનાથ ની ભીખાભાઈ ગોહિલ સાથે મિલીભગત છે. પોતાની યોગ્‍ય રજુઆત કલેકટર કાને ધરતા ન હોય ના છૂટકે મનુભાઈ પરમારે આજે વેરાવળ ખાતે આત્‍મવિલોપન નો પ્રયાસ કર્યો હતો. જે પોલીસે નિષ્‍ફળ બનાવ્‍યો હતો. જોકે આ ઘટના ને લઈ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.

(11:02 AM IST)