News of Tuesday, 8th April 2025
જામનગર-જૂનાગઢ,પોરબંદર-જામખંભાળીયા અને રાજકોટ- પોરબંદરને જોડતા સાકાર પામનારા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં આઠ મોટા પુલ અને દસ બાયપાસ બનશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૮, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માં પોરબંદર સાથે કનેક્ટેડ નેશનલ હાઇવે નો પ્રોજેક્ટ રૂપીયા ૧૨૭૧.૦૨ કરોડ ના ખર્ચે બનશે,જે અંગે કેન્દ્ર સરકાર ના માર્ગ પરીવહન મંત્રી નિતિન ગડકરી એ ટ્વીટર ના માધ્યમ થી વિગતો આપી હતી, જેમાં તેઓએ જામનગર ના સંસદસભ્ય પૂનમબેન માડમ ને ટેગ કર્યા હતા.
કેન્દ્રીય માર્ગ પરીવહન મંત્રી નિતિન ગડકરી એ ટ્વીટર માં આપેલી વિગતો મુજબ ગુજરાત ના પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઈવે-૧૫૧ કે ના સમગ્ર ૧૧૯.૫૦ કિમી પોરબંદર- ભાણવડ- જામજોધપુર-કાલાવડ સેક્શનને રૂ. ૧૨૭૧.૦૨ કરોડ ના ખર્ચે પેવ્ડ શોલ્ડર સાથે ૨-લેન માં અપગ્રેડ કરવા ની મંજૂરી આપવામાં આવી છે.
આ રોડનો પ્રોજેક્ટ પોરબંદર નજીક નેશનલ હાઈવે-૫૧ સાથે તેના જંકશનથી શરૂ થાય છે અને ભાણવડ, જામ જોધપુરને જોડે છે અને કાલાવડ નજીક નેશનલ હાઈવે-927D સાથે તેના જંકશન પર સમાપ્ત થાય છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-151K ત્રણ મહત્વના ધોરીમાર્ગો એટલે કે પોરબંદર-ખંભાળિયા (NH-927K), જૂનાગઢ-જામનગર (NH-927D) અને રાજકોટ-પોરબંદર (NH-27) વચ્ચે કનેક્ટર તરીકે કામ કરે છે.
આ નેશનલ હાઇવેમાં ગ્રેડ-સેપરેટેડ સ્ટ્રક્ચર્સ, ૮ મોટા પુલ અને ૧૦ બાયપાસ સાથેનું અપગ્રેડેશન ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે તેમ પણ શ્રી ગડકરીજીએ ઉમેર્યું હતુ,
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાઓને આ રીતે કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના અંતર્ગત નેશનલ હાઇવે મળનારા હોઇ, સંસદસભ્ય પૂનમબેન માડમએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય માર્ગ પરીવહન મંત્રી નિતિન ગડકરીજીનો આભાર વ્યક્ત કર્યો છે. હાલાર-પોરબંદર-રાજકોટ-જુનાગઢને જોડતા નેશનલ હાઇવેથી યાતાયાતને ઘણો ફાયદો થશે અને જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના લગત જિલ્લાને જોડતા પરીવહન વધુ સુગમ બનશે એમ પણ પૂનમબેન માડમએ ઉમેર્યું છે. (૨૫.૨)
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
