<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

ભુજ જીતો ચેપ્ટરનો સંકલ્પ : વડાપ્રધાન નરેન્દ્રભાઈના નવ સંકલ્પો ઘેર ઘેર પહોંચાડીશું

વિદ્વત્તાભર્યા મનનીય પ્રવચન સાથે વડાપ્રધાને દેશ અને દુનિયાના જૈન સમાજને નવ સંકલ્પો જીવનમાં આત્મસાત કરવા અપીલ કરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૦ :  જીતો દ્વારા આયોજિત વૈશ્વિક નવકાર મહામંત્રના જાપમાં ભુજનો ટાઉન હોલ નવકાર મંત્રના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો. આચાર્ય પૂ. યશોવિજયજી મહારાજ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં સામુહિક જાપમાં જોડાયેલા વિશાળ સંખ્યામાં જૈન સમાજના શ્રાવક, શ્રાવિકાઓ વચ્ચે ધારાસભ્ય કેશુભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ મોહનભાઈ પટેલ સાથે ભુજ જીતો ચેપ્ટરના પ્રમુખ પંકજ મહેતા, મહિલા પાંખના પ્રમુખ રેશ્માબેન ઝવેરી, બિરજુ શાહ દ્વારા ટાઉન હોલ મધ્યે દીપ પ્રાગટય કરી આ કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે ભુજ જીતો ચેપ્ટર વતી પંકજ મહેતાએ સૌને આવકારી વૈશ્વિક શાંતિ માટે દેશ અને દુનિયાના ૬૦૦૦ સ્થળોએ આયોજિત નવકાર મહામંત્રના સામુહિક જાપ અંગે માહિતી આપી હતી. દિલ્હી ખાતે જીતોના કાર્યક્રમમાં જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વર્ચ્યુઅલ સંબોધન ભુજના જૈન સમાજે એક ચિત્તે સાંભળ્યું હતું. વિદ્વત્તાભર્યા મનનીય પ્રવચન સાથે વડાપ્રધાને દેશ અને દુનિયાના જૈન સમાજને નવ સંકલ્પો જીવનમાં આત્મસાત કરવા અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે ભુજ ચેપ્ટર વતી પ્રમુખ પંકજ મહેતાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈના નવ સંકલ્પો ઘેર ઘેર પહોંચાડવા પોતાની વચનબદ્ધતા વ્યક્ત કરી હતી.

(10:51 AM IST)