News of Saturday, 12th April 2025
માધવપુર ઘેડ મેળાનું ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ થીમ સાથે ભવ્ય સમાપન : 6.76 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ગુજરાત અને નોર્થ ઈસ્ટની સંસ્કૃતિનો મહોત્સવ માણ્યો :જુઓ વિડીયો
પોરબંદર સહિત અમદાવાદ, વડોદરા, સુરત અને સોમનાથમાં ઉજવણી : 1,685 કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ : 200 હસ્તકલા સ્ટોલમાંથી 1.23 કરોડનું વેચાણ

પોરબંદર: ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને રમત-ગમત, યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સંયુક્ત ઉપક્રમે પોરબંદરના માધવપુર ખાતે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ થીમ આધારિત માધવપુર ઘેડ મેળાનું 6થી 10 એપ્રિલ દરમિયાન પાંચ દિવસ સુધી ભવ્ય આયોજન થયું હતું. ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના માધવપુરમાં થયેલા લગ્નની યાદમાં દર વર્ષે આ સાંસ્કૃતિક મહોત્સવ ઉજવાય છે. આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાંથી 6,76,308 શ્રદ્ધાળુઓએ મેળાની મુલાકાત લઈ, ગુજરાત અને નોર્થ ઈસ્ટની સંસ્કૃતિના સમન્વયનો અનોખો અનુભવ મેળવ્યો.
ગુજરાત અને નોર્થ ઈસ્ટના 1,685 કલાકારોની ભવ્ય પ્રસ્તુતિઓ, હસ્તકલા અને ખાણીપીણીના સ્ટોલોનું આકર્ષણ
આ વર્ષે માધવપુર ઘેડ મેળામાં ગુજરાતના 48 અને નોર્થ ઈસ્ટના આઠ રાજ્યો (‘અષ્ટલક્ષ્મી’)ના 152 સ્ટોલ દ્વારા કુલ 200 હસ્તકલા સ્ટોલ રજૂ થયા, જેમાંથી રૂ. 1,23,75,904ની વસ્તુઓનું વેચાણ થયું. મેળામાં દરરોજ સાંજે 1,685 કલાકારોએ ગુજરાત અને નોર્થ ઈસ્ટની વૈવિધ્યસભર સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી, જેણે શ્રદ્ધાળુઓનું દિલ જીત્યું. આ ઉપરાંત, 50 ફૂડ સ્ટોલમાંથી 8 સ્ટોલ નોર્થ ઈસ્ટના રાજ્યોને ફાળવાયા, જ્યાં નાગરિકોએ પૂર્વોત્તરના વિશિષ્ટ ખાદ્યપદાર્થોનો સ્વાદ માણ્યો.
માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના પરંપરાગત લગ્નનું આયોજન થયું, જે બાદ દ્વારકામાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને શ્રીકૃષ્ણ-રુક્ષ્મણીજીના જીવન આધારિત થીમ પર રજૂ થયેલા મલ્ટીમીડિયા શો ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યો. મેળા દરમિયાન માધવપુર, પોરબંદર, શિવરાજપુર અને સોમનાથના દરિયાકાંઠે રેતી શિલ્પોની કૃતિઓ બનાવવામાં આવી, જેને લોકોએ ખૂબ પસંદ કરી.
આ વર્ષે માધવપુર ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત અને સોમનાથમાં પણ મેળાની ઉજવણી થઈ. સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે 1 એપ્રિલે 4,715 મુલાકાતીઓએ 400થી વધુ કલાકારોના કાર્યક્રમો નિહાળ્યા. વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે 2 એપ્રિલે 4,387 અને અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે 3 એપ્રિલે 10,078 મુલાકાતીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણ્યો. અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે 30 માર્ચથી 4 એપ્રિલ દરમિયાન NEHHDCના સંકલનમાં હસ્તકલા હાટનું આયોજન થયું, જેમાં નોર્થ ઈસ્ટના 40 અને ગુજરાતના 140 કારીગરોએ ભાગ લઈ રૂ. 21,70,075ની વસ્તુઓનું વેચાણ કર્યું.
મેળા દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં જૂડો, બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ, બીચ કબડ્ડી, 100 મીટર દોડ અને 7-એ-સાઈડ બીચ ફૂટબોલ જેવી રમતોનું આયોજન થયું. પ્રવાસન નિગમે શ્રીકૃષ્ણ-રુક્ષ્મણીજીના લગ્ન આધારિત થીમ પર તમામ સ્થળોએ અસ્થાયી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લાઈટ-સાઉન્ડ સિસ્ટમ અને ઈવેન્ટ મેનેજમેન્ટની વ્યવસ્થા કરી હતી.
મેળાની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થઈ હતી. પાંચ દિવસીય આયોજનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ત્રિપુરાના રાજ્યપાલ નલ્લુ ઈન્દ્રસેન રેડ્ડી, અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પરનાયક, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, ગજેન્દ્રસિંહ શેખાવત, ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને યુવક સેવા તથા સાંસ્કૃતિક મંત્રી હર્ષભાઈ સંઘવી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
મેળામાં ગુજરાતના વિવિધ વિસ્તારોના ધારાસભ્યો, સાંસદો, સ્થાનિક હોદ્દેદારો, કલેક્ટરો, મહાનગરપાલિકા કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીઓ, જિલ્લા પોલીસ વડાઓ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ પણ હાજરી આપી. અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ મેળાને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બનાવ્યું.
The last day of Madhavpur Fair 2025 was a soulful celebration of unity and tradition. It brought alive the sacred journey of Shri Krishna and Devi Rukmini — from Madhavpur to Devbhumi Dwarka. Filled with colours, devotion and cultural pride, the evening beautifully reflected the… pic.twitter.com/UxLaRJGhxs
— Gujarat Tourism (@GujaratTourism) April 11, 2025
(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
