<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

સરકારના વિકાસલક્ષી મહેસુલી સુધારા ઉદ્યોગોની સાથોસાથ લોકોને પણ રાહત આપશે

કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસો. ફોકિયાનો આવકાર, આ સુધારાઓ ઈઝ ઓફ ડુઈંગ અને ઈઝ ઓફ લીવીંગને પ્રોત્સાહન રૂપ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૪ :  રાજ્ય સરકાર દ્વારા જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એવા મહેસુલી કાયદાના સરળીકરણનો નિર્ણય લેવાતા કચ્છના ઔદ્યોગિક વર્તુળોએ તેને આવકાર આપ્યો છે. ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિઆ)એ સરકારની આ જાહેરાતને વધાવી લીધી છે. અને તેને સતત થયેલી રજૂઆતોના પડઘા સમાન ગણાવી છે. ફોકિઆના કહેવા પ્રમાણે ઉદ્યોગ અને વ્યાપારી જગતની સાથોસાથ સામાન્ય જનતાનું પણ મહેસુલી તંત્ર સાથેનું કામકાજ ઘણું સરળ બની જશે.

એક અખબારી યાદીમાં ફોકિઆના મમતાબેન વાસાણીએ આ સુધારાને આવકાર આપીને જણાવ્યું હતું કે કેટલાક વિશેષ પાસાઓ અંગે પણ રાજ્ય સરકાર સુધારાવાદી વલણ ચાલુ રાખશે. તો વિકાસ ને વધુ ગતિ મળશે. પાછલા સમય દરમિયાન ફોકિઆએ મહેસુલી નિયમોમાં આંટીઘુંટી પ્રત્યે વારંવાર અલગ અલગ માધ્યમથી માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ધ્યાન દોર્યું હતું. તાજેતરમાં ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે ઉદ્યોગ જગતના અગ્રણીઓની બેઠકમાં ફોકિઆના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નિમિશ ફડકે એ જમીન સુધારણા માટે મુદ્દાસર રજૂઆત કરી હતી. અને કચ્છના જમીનને લગતા પ્રશ્નોને વિશેષ રીતે માવજત કરવા માટે વિનંતી કરી હતી. વહીવટી તંત્રની ગૂંચવાડાભરી પ્રક્રિયામાં લોકોનો ઘણો સમય બગડતો હતો અને તેની અસર વિકાસની હરણફાળ પર જ પડતી હતી. તેના પર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ધ્યાન આપ્યું અને, આ સમગ્ર પ્રક્રિયા ઓછી મુશ્કેલી વાળી બને અથવા તેની જરૂર જ ન રહે તે માટે પગલું ભર્યું છે, તે ખુબ જ આવકાર્ય છે. અને આ સુધારાઓથી કચ્છ અને રાજ્યના ઉદ્યોગ વિકાસને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી છે.

ફડકેના જણાવ્યા મુજબ બિન ખેતી, હક્ક પત્રક, સત્તા પ્રકાર વગેરે કામગીરીની પ્રક્રિયા તથા જમીનોના પ્રીમીયમની જવાબદારી અંગે રાજ્ય સરકારે તાજેતરના વર્ષોમાં સતત હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. સરકારનો આ લોકાભિમુખ અભિગમ છે ત્યારે, માપણી વધારાને નિયમિત કરવા જેવો કચ્છના લોકોને સતત સતાવતો પ્રશ્ન છે તેને તથા ભૂદાન અને ધાર્મિક સંસ્થાઓની મિલકતને લગતા પ્રશ્નો, બિનખેતીની કાર્યવાહીમાં વધુ ઈઝ ઓફ ડુઈંગ જેવી સમસ્યા પર પણ હવે ટૂંક સમયમાં આ સરકાર ધ્યાન આપે એવી અપેક્ષા અસ્થાને નહિ ગણાય.

અગાઉની સરકારોએ હમેશા પ્રીમીયમ જેવી બાબતે સરકારનું જ હિત જોયું છે. આવું કરવું જરૂરી હોવા છતાં આમ જનતા અને ખાસ કરીને ઉદ્યોગ સાહસિકોને આગળ વધવામાં પ્રીમિયમના સંદર્ભમાં કાયદાનુસાર જો કોઈ લાભ મળવા પાત્ર હોય તો તે મળવા જોઈએ. એવી જ રીતે પ્રીમિયમની જવાબદારી પણ ઓછી કરવાનો જે અભિગમ અપનાવવામાં આવ્યો છે તે અભિનંદનને પાત્ર છે. અને સરકારનું હિત જાળવી રાખીને પણ લોકોને મહતમ લાભ આપવામાં આવે એ તેમણે જરૂરી ગણાવ્યો હતો.

આ સુધારાની જાહેરાત કાર્યના બીજા જ દિવસે બિન ખેતીની કાર્યવાહી માટે જરૂરી એવા ટાઈટલ કલીયરન્સ માટેના ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટેના ભાવ જાહેર કરી દઈને સરકારે આ સુધારાને આગળ ધપાવવા માટે પોતાની ઈચ્છાશક્તિ બતાવી દીધી છે ત્યારે, ફોકીઆએ એવી પણ અપેક્ષા વ્યક્ત કરી હતી કે મહેસુલી પ્રક્રિયામાં જે સરળીકરણની જાહેરાત થઇ તેવી જ જાહેરાત શહેરી વિકાસ મંત્રાલયમાંથી થાય તો મહાનગરો અને મોટા શહેરો કે જ્યાં સત્તા મંડળો અસ્તિત્વમાં છે તેમને પણ આ વિકાસ યાત્રાનો લાભ મળી શકે.

આ ઉપરાંત કાયદાની જોગવાઈઓમાં ન હોય એવી કેટલીક અડચણો પણ પ્રક્રિયા દરમિયાન જોવામાં  આવે છે એનો ખાસ ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે, અદાલતોએ પ્રસ્થાપિત કરેલા નિર્ણયોથી જે નીતિ ઘડતર થયું છે તેને અનુસરવામાં મહેસુલી તંત્ર અમુક અંશે ઢીલી નીતિ રાખતું હોવાનું ઘણી વખત દેખાય છે. આ સંદર્ભે પણ ચોક્કસ દિશા નિર્દેશ થાય તે જરૂરી છે.

ફોકિઆએ રાજ્ય સરકારના હકારાત્મક અને વિકાસલક્ષી અભિગમને આવકારીને આ પ્રક્રિયા સતત આગળ વધે એવી અપેક્ષા દર્શાવી હતી અને માનનીય મુખ્યમંત્રી પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.

(9:46 AM IST)