<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

‘રોટલી કેમ કાચી છે' કહીને પતિએ સળીયો ફટકાર્યોઃ ભાણવડના સઈ દેવળીયા ગામનો બનાવ

 

જામ ખંભાળિયા, તા.૧૫: ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે રહેતા નીતાબેન વિજયભાઈ કેશવાલા નામના ૨૫ વર્ષના પરિણીત મહિલાને તેણીના પતિ વિજય હમીરભાઈ કેશવાલાએ રોટલી કેમ કાચી છે? તેમ કહીને તેમની ઉપર રોટલીના ડબ્‍બાનો છૂટો ઘા કર્યો ગયો હતો. જેના કારણે તેમને પીઠના ભાગમાં ઇજાઓ થવા પામી હતી.

આટલું જ નહીં, આરોપી વિજય દ્વારા પોતાના પત્‍નીને લોખંડના સળિયા વડે આડેધડ ઘા ફટકારતા તેમને મૂઢ ઈજાઓ પહોંચી હતી. આ પ્રકરણમાં આરોપીએ પોતાના પત્‍નીને બીભત્‍સ ગાળો કાઢી, ગળું દબાવીને જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાનું પણ વધુમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે ભોગ બનનાર મહિલા નીતાબેન કેશવાલાની ફરિયાદ પરથી વિજય હમીરભાઈ કેશવાલા સામે બી.એન.એસ. તેમજ જી.પી. એક્‍ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.

ખંભાળિયામાં બાઈકની અડફેટે મહિલા

દ્વારકામાં ફૂલવાડી વિસ્‍તારમાં રહેતા શરીફાબેન લતીફભાઈ મોડા નામના ૬૫ વર્ષના મહિલાને ખંભાળિયાથી આશરે ત્રણ કિલોમીટર દૂર જામનગર હાઈવે પરના એક પેટ્રોલ પંપ પાસેથી ચાલીને જતી વખતે જી.જે. ૩૭ એ. ૨૦૪૦ નંબરના મોટરસાયકલના ચાલકે અડફેટે લેતા તેમને ફ્રેક્‍ચર સહિતની નાની મોટી ઈજાઓ સાથે હોસ્‍પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

ભાણવડનો દારૂ પ્રકરણનો આરોપી ઝડપાયો

ખંભાળિયા વિભાગના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિના સુપરવિઝન હેઠળ સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં લાલશાહીથી દર્શાવેલા નાસતા ફરતા આરોપી સંદર્ભે સધન કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન ભાણવડ વિસ્‍તારમાં પેટ્રોલિંગ સમયે એએસઆઈ શક્‍તિરાજસિંહ જાડેજા તથા સુખદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ભાણવડ તાલુકાના ધામણીનેશ વિસ્‍તારમાં રહેતા ૨૫ વર્ષીય કાના જેશા કોડીયાતર નામના રબારી શખ્‍સને પોલીસે દબોચી લીધો હતો.

ઉપરોક્‍ત આરોપી સામે ભાણવડ તેમજ જામનગર અને જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં દારૂ અંગેના જુદા જુદા ગુનાઓ નોંધાયા હતા. જેથી પોલીસે આરોપી કાલના કોડીયાતરની વિધિવત રીતે અટકાયત કરી, આગળની કાર્યવાહી કરી હતી.

આ સમગ્ર કાર્યવાહી ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, એએસઆઈ શક્‍તિરાજસિંહ દિગ્‍વિજયસિંહ, સુખદેવસિંહ રઘુવીરસિંહ અને ભાવિનભાઈ ચીમનલાલ સચદેવ દ્વારા કરવામાં આવી હતી. (રર.૬)

(10:58 AM IST)