<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

શ્રી દ્વારકાધીશ ભગવાન અને શ્રી નાગેશ્વર મહાદેવના દર્શને પંકજ જોષીઃ શિવરાજપુર બીચના વિકાસકાર્યોની સમીક્ષા

ગુજરાત રાજયના મુખ્‍ય સચિવ દેવભુમી દ્વારકા જીલ્લાના પ્રવાસે

ઓખા તા.૧૫: ગુજરાત રાજ્‍યના મુખ્‍ય સચિવ શ્રી પંકજ જોષી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવ્‍યા હતા. તેમણે પહેલા ભગવાન દ્વારકાધીશ તથા નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ, શિવરાજપુર બીચ ખાતે સ્‍થળ પર જઈ વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી.

મુખ્‍ય સચિવશ્રીએ દ્વારકા-નાગેશ્વર માર્ગને છ લેન ટ્રેકમાં વિસ્‍તળત કરવા માટે જરૂરી જમીન અધિગ્રહણ પ્રક્રિયાની વિગતો અધિકારીઓ પાસેથી મેળવી. તેમણે જમીન સંપાદન તથા કામગીરીના આજદિનના સ્‍થિતિ અંગે અહેવાલ મેળવી તાકીદે કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી.

શિવરાજપુર બીચ ラ જે વિશ્વસ્‍તરે ખ્‍યાતનામ બ્‍લૂ ફ્‌લેગ પ્રમાણપત્ર પ્રાપ્ત બીચ છે. ત્‍યાં બાકી રહેલા વિકાસ કાર્યો જેમ કે ર્પાકિંગ સુવિધાઓ, ચેન્‍જિંગ રૂમ, રેસ્‍કયુ યુનિટ, ટૂરિસ્‍ટ ફેસિલિટેશન સેન્‍ટર અને અન્‍ય આધુનિક સેવાઓ અંગે સમીક્ષા કરી તથા કામગીરીમાં ઝડપ લાવવાની તાકીદ કરી.

શ્રી પંકજ જોષીએ શિવરાજપુર અને આસપાસના વિસ્‍તારના સર્વાંગી વિકાસ માટેની ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સુવિધાઓ -રસ્‍તા, વીજળી, પાણી, સફાઈ અને પ્રવાસન સેવાઓ - અંગે પણ વિગતવાર માહિતી મેળવી.

તે ઉપરાંત, મુખ્‍ય સચિવશ્રીએ દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા નવનિર્માણ પામનારા કોરિડોરના આયોજન અંગે સમીક્ષા કરી. ભક્‍તો તથા પ્રવાસીઓને વધુ સુવિધાજનક અને સુરક્ષિત મુસાફરી મળે તે દિશાએ જરૂરી કામગીરી કરવા સૂચના આપી. કોરીડોર પ્રોજેક્‍ટ અંતર્ગત ટ્રાફિક મેનેજમેન્‍ટ, રૂટ પ્‍લાનિંગ, ર્પાકિંગ એરિયા અને આવાસ સુવિધાઓ જેવી બાબતો અંગે પણ મહત્‍વપૂર્ણ દિશાનિર્દેશ આપ્‍યા.

આ સમગ્ર પ્રવાસ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્‍ટર શ્રી આર.એમ. તન્ના મુખ્‍ય સચિવશ્રી સાથે સતત ઉપસ્‍થિત રહ્યા અને દરેક સ્‍થળે વિકાસ કાર્યો અંગેની માહિતી આપી. પ્રવાસ દરમ્‍યાન જિલ્લાના અન્‍ય સરકારી અધિકારીઓ, ટુરિઝમ વિભાગના પ્રતિનિધિઓ, માર્ગ અને મકાન વિભાગ તથા પોલીસ અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા. (આલાપ ભરતભાઈ બારાઈ- ઓખા)

(12:08 PM IST)