News of Tuesday, 15th April 2025
ગુજરાત સરકાર UCC લાગુ કરવાની કવાયત બંધ કરે: કચ્છ મુસ્લિમ સમાજ સંકલન સમિતિની રજૂઆત :સરકારની ગતિ વિધિ બંધારણ વિરોધી, મુસ્લિમ સમાજ શાંતિ પૂર્ણ વિરોધ કરશે
આવો કાયદો અમારી ધાર્મિક સ્વતંત્રતા અને સાંસ્કૃતિક ઓળખને જોખમમાં મૂકશે , ગુજરાત સરકારની UCC ની કવાયત ગેરબંધારણીય, દ્વેષપૂર્ણ અને ખાસ કરીને મુસ્લિમ સમુદાયને હેરાન કરવાના ઉદ્દેશથી હાથ ધરવામાં આવી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૫ : ગુજરાત સરકાર દ્વારા UCC ના અમલીકરણની થઈ રહેલ તૈયારી સામે કચ્છ મુસ્લિમ સમાજ સંકલન સમિતિ દ્વારા વિરોધ વ્યક્ત કરી આ માટેની કવાયત મોકૂફ રાખવા માંગ કરાઈ છે. ભુજમાં આ અંગે જિલ્લા વહીવટીતંત્રને લેખિત તેમ જ મૌખિક રજૂઆત કરી મુસ્લિમ સમાજ સંકલન સમિતિએ સરકારના UCC લાગુ કરવાના નિર્ણયને બંધારણનું ઉલ્લંધન ગણાવ્યું છે. મુસ્લિમ સમાજની રજૂઆત અનુસાર UCC નો અમલ અમારા ધાર્મિક અધિકારો, જે બંધારણના અનુચ્છેદ 25, 26, 28 અને 29 હેઠળ સુરક્ષિત છે, તેનું ઉલ્લંઘન કરે છે. આવો કાયદો અમારી ધાર્મિક સ્વતંત્રતા અને સાંસ્કૃતિક ઓળખને જોખમમાં મૂકે છે. ગુજરાત સરકારની UCC ની કવાયત ગેરબંધારણીય, દ્વેષપૂર્ણ અને ખાસ કરીને મુસ્લિમ સમુદાયને હેરાન કરવાના ઉદ્દેશથી હાથ ધરવામાં આવી છે.જો UCC ની કવાયત રદ કરવામાં નહીં આવે તો લોકશાહી રીતે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન યોજી વિરોધ કરાશે.
કચ્છ મુસ્લિમ સમાજ સંકલન સમિતિએ માંગ કરી છે કે, ગુજરાતમાં UCCની કવાયતને તાત્કાલિક રદ્દ કરવામાં આવે. કચ્છનો સમગ્ર મુસ્લિમ સમાજ UCC લાગુ કરવાની સરકારની આ પ્રક્રિયાનો સખત વિરોધ કરે છે. વધુમાં, જો આ કવાયત ચાલુ રહેશે તો કચ્છ મુસ્લિમ સમાજ બંધારણીય અધિકારોની રક્ષા માટે લોકશાહી રીતે શાંતિપૂર્ણ પ્રદર્શનનું આયોજન પણ કરશે. આ બાબતે મુસ્લિમ સમાજની ચિંતાઓને ગંભીરતાથી ધ્યાનમાં લઇ UCCના અમલ પહેલા સરકાર દ્વારા તમામ સમુદાયો સાથે વ્યાપક, પારદર્શી અને નિષ્પક્ષ સંવાદ હાથ ધરવામાં આવે. કોઇપણ નવો કાયદો બનાવતી વખતે ભારતની બશુવિધતાને ધ્યાને લઈ દરેક સમુદાયની ધાર્મિક અને સાંસ્કૃતિક સંવેદનશીલતા જળવાઈ રહે એ ખૂબ જ જરૂરી છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
