<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

કાળઝાળ ગરમી અને હિટવેવની આગાહીને પગલે કચ્છ પોલીસ વડાએ દોડની પરીક્ષા મોકૂફ રાખી

સેંકડો અરજીઓ મળ્યાં બાદ ઉમેદવારો માટે ૧૫ એપ્રિલથી ૨૧ એપ્રિલ દરમિયાન આ દોડની પરીક્ષાનું આયોજન થયું હતું.

ભુજઃ હાલ પડી રહેલી ચૈત્ર માસની કાળઝાળ ગરમી વચ્ચે બેરોજગારોને માનદ્ વેતન પર જીઆરડી તેમજ એસઆરડીની નોકરી મેળવવા માટે પશ્ચિમ કચ્છના પોલીસ વડા દ્વારા આયોજીત દોડની પરીક્ષાનું તઘલખી આયોજન મોકૂફ રાખ્યું છે.
મોસમ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી જાનલેવા હિટવેવની આગાહીના કારણે ધગધગતા ડામરના રસ્તા પર દોડ લગાવનારા ઉમેદવારોની સલામતી ધ્યાને રાખી આ પરીક્ષાને ખુદ પોલીસ વડા દ્વારા મોકૂફ રખાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

સીમાવર્તી કચ્છમાં ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળમાં ૧૩૮૯ પુરુષો અને ૧૮૫ મહિલાઓ મળી કુલ ૧૫૭૪ ઉમેદવારોની ફેબ્રુઆરી માસમાં અરજીઓ મગાવાઈ હતી. સેંકડો અરજીઓ મળ્યાં બાદ ઉમેદવારો માટે ૧૫ એપ્રિલથી ૨૧ એપ્રિલ દરમિયાન આ દોડની પરીક્ષાનું આયોજન થયું હતું. આ દોડની પરીક્ષા માટે જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરમાં યોગ્ય મેદાન ના મળતાં ઉમેદવારોને પરોઢે ૫ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યાના સમય દરમિયાન એરપોર્ટ રોડ પર ખારી નદી ચોકડી, ભૂતનાથ મહાદેવ નજીક કેન્યન હોટેલ, હ્યુન્ડાઈ સર્વિસ સ્ટેશનથી ટોયોટા શો રૂમ સુધીના રસ્તા પર દોડાવવા નક્કી કરાયું હતું.

એપ્રિલની શરૂઆતથી જ ઉનાળો ચરમસીમાએ પહોંચ્યો છે. દિવસનું તાપમાન ૪૩ ડિગ્રીથી ૪૫ ડિગ્રી વચ્ચે રહેવા માંડ્યું છે. રાત્રિની ગુલાબી ઠંડક પણ ગાયબ થવા સાથે લઘુત્તમ તાપમાન ઊંચે ગયું છે.

(7:14 PM IST)