News of Wednesday, 16th April 2025
દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાનની વિશ્વની સૌથી ઉંચી મૂર્તિ બનાવવાની જાહેરાત ૨૦૨૨માં થયા બાદ હજુ જમીન પસંદગીનો નિર્ણય થયો નથી
મહત્વાકાંક્ષી પ્રોજેકટ માટે જમીન સર્વે સહિતની કામગીરી થઈ'તી

ઓખા, તા.૧૬: દ્વારકા ખાતે શ્રી કળષ્ણજીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત કરવાની ગુજરાત સરકાર દ્વારા ૨૦૨૨માં જાહેર કરાઈ હતી. સાથે ૩D ઇમર્સિવ અનુભવ ઝોન અને શ્રીમદ ભગવદ ગીતા અનુભવ ઝોન ઉભા કરવાની પણ યોજના રજૂ થઈ હતી.
૨૦૨૩ દરમિયાન, આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ભૂમિ સર્વે અને પ્રાથમિક તજવીજ શરૂ કરવામાં આવી હતી. મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમિતિ રચાઈ, જે પ્રતિમા સ્થાપનાનું યોગ્ય સ્થળ અને યોજના અમલ અંગે ચર્ચા કરે છે.
પ્રથમ તબક્કામાં પંચકુઈ અને ચંદ્રભાગા મંદિરોની આસપાસના વિસ્તારોને શકય સ્થાન તરીકે જોવામાં આવ્યા હતા. તેમજ, રિલાયન્સ ગેટ સામેના સરકારી ખારાબા વિસ્તારમાં પણ મૂર્તિ સ્થાપિત કરવાની ચર્ચા થઈ હતી. પરંતુ આજ સુધીમાં કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી.
મરુદેશ્વર જેવી ભવ્યતા - પણ વધુ ઊંચાઈ સાથે, કર્ણાટકના મરુદેશ્વરમાં ૧૨૩ ફૂટ ઊંચી શ્રી શિવજીની પ્રતિમા અને તેના આસપાસ વિકસાવવામાં આવેલ આધ્યાત્મિક પ્રવાસન માળખું સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. ૨૦ માળની રાજા ગોપુરમથી સમુદ્ર અને પ્રતિમાનું દૃશ્ય, ભુકૈલાસ ગુફા મ્યુઝિયમ, મૂર્તિ ઉદ્યાન જેવી રચનાઓ તે સ્થળને વિશિષ્ટ બનાવે છે.
દ્વારકામાં પણ આવું જ ભવ્ય વિકાસ કામ હાથ ધરાશે. પણ અહીંની શ્રી કળષ્ણ પ્રતિમા મરુદેશ્વર કરતાં પણ વધારે ઊંચી થશે. આ ભવ્ય મૂર્તિ તથા આધ્યાત્મિક અને પ્રવાસન સ્થળો વડે દ્વારકા પણ મરુદેશ્વર જેવી જ સુંદર અને આધ્યાત્મિક શાન ધરાવતું વિશ્વપ્રસિદ્ધ ધામ બની રહેશે.
સ્થાનિક અને આધ્યાત્મિક પ્રવાસન દૃષ્ટિએ પંચકુઈ-ચંદ્રભાગા મંદિર વચ્ચેનો વિસ્તાર સૌથી વધુ યોગ્ય ગણાય છે. અહીંથી જમીન અને દરિયાનો ભવ્ય દૃશ્ય એક સાથે જોઈ શકાય - જે દ્વારકાને વૈશ્વિક યાત્રાધામ તરીકે વધુ વિશિષ્ટ બનાવશે.
૨૦૨૨માં જાહેરાત બાદ આજે પણ જમીન પસંદગી અંગે કોઈ સત્તાવાર નિર્ણય થયો નથી, જે પ્રોજેક્ટના ભવિષ્ય માટે ચિંતાજનક છે. સરકાર અને સંબંધિત તંત્રોએ વહેલી તકે સ્પષ્ટ દિશા અને જમીન પસંદગીના નિર્ણયો કરી, આ મહત્ત્વાકાંક્ષી યોજનાને સમયસર અને સફળતાપૂર્વક પૂર્ણ કરવી જોઈએ - જેથી દ્વારકાનું આધ્યાત્મિક મહાત્મ્ય અને વિશ્વયાત્રા નકશા મા વિશિષ્ટ સ્થાન વધુ મજબૂત થાય. આલાપ ભરતભાઈ બારાઈ, ઓખા
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
